મહુવા તાલુકાના ડુંગરી ગામે આવેલી દૂધ મંડળીના પ્રમુખે રાજીનામુ આપ્યા બાદ નવા પ્રમુખની વરણી કરવામાં આવી હતી. નવા પ્રમુખની વરણી બાદ સર્વાનુમતે માજી મંત્રીને બદલી નવા મંત્રીની નિમણૂકનો ઠરાવ સામાન્ય સભામાં કરવામાં આવ્યો હતો. જે ઠરાવ કર્યા બાદ નવા પ્રમુખ મંત્રીના બેંકમાં ખાતા ચેન્જ ન થવા ઉપરાંત બેંકમાં લેવડ દેવડની સત્તા ન મળતા 1200 જેટલા સભાસદોનુ દૂધનું પેમેન્ટ અટકી ગયુ હતુ અને ગરીબ સભાસદો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.
જે બાબત અંગે જિલ્લા રજીસ્ટ્રારને સભાસદો દ્વારા લેખિત રજૂઆત કરતા જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા મંગળવારે ડુંગરી દૂધ મંડળીમાના સભાસદોની સમસ્યાના નિરાકરણ માટે વહીવટદારની નિમણૂંક કરવામાં આવી હતી.મહુવા તાલુકાના ડુંગરી ગામે આવેલી ડુંગરી દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં 1200 જેટલા સભાસદો દરરોજ 4 હજાર લીટર દૂધ ભરે છે અને 35 લાખથી વધુનો સભાસદોનો દૂધનો પગાર આવે છે, જે દૂધ મંડળી હાલ સહકારી ક્ષેત્રે ચર્ચાનો વિષય બની છે.
ડુંગરી દૂધ મંડળીના પ્રમુખ નારણભાઈ ખુશાલભાઈ પરમારે ગત 13/07/2021ના ભરાયેલી મિટિંગમા સભાસદોની સમસ્યાનું નિરાકરણ ન લાવી શકતા સ્વૈચ્છિક રાજીનામુ આપી દીધુ હતુ. ત્યારબાદ સભાસદો દ્વારા સર્વાનુમતે મંડળીના નવા પ્રમુખ તરીકે રતીલાલ મચાભાઈ ચૌધરીની વરણી કરી ઠરાવ કર્યો હતો. ત્યારબાદ સતત ગેરહાજર રેહતા બે કમિટી સભ્યોનું સભ્ય પદ રદ કર્યુ હતુ અને અન્ય ત્રણ કમિટી સભ્યોએ પણ રાજીનામુ આપી દીધુ હતુ, જેથી ખાલી પડેલ જગ્યાની ચર્ચા કરવા માટે મૌખિક ઔપચારિક મિટિંગ 26/07/21ના રોજ નક્કી કરવામાં આવી હતી.
ત્યારબાદ તે મિટિંગમા 29/07/21ના રોજ ડુંગરી હાઈસ્કૂલમાં સામન્ય સભા બોલાવવાનું નક્કી કરી બપોરે સભા મળી હતી, જેમાં પ્રથમ પ્રમુખ વરણીનો ઠરાવ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ખાલી પડેલા 3 વોર્ડના કમિટી સભ્યોની બિનહરીફ વરણી કરી ઠરાવ કર્યો હતો.
મંડળીના મંત્રી વિનોદભાઈ ચૌધરીએ એજન્ડા પર સહી ન કરી ઈરાદા પૂર્વક ગેરહાજર રહ્યા હોવાનો સભાસદોએ આક્ષેપ કરી સર્વાનુમતે મંત્રી વિનોદભાઈ ચૌધરીને છૂટા કરવાનો નિર્ણય લઈ ઠરાવ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પ્રમુખ દ્વારા તેમને નોટિસ પાઠવી 7 દિવસમાં હિસાબી ચોપડાઓ મંડળીની હેડ ઓફિસમાં જમા કરવવા જણાવ્યુ હતુ અને ત્યારબાદ મંડળીના મંત્રી તરીકે નરેશભાઈ મોહનભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી.
નવા પ્રમુખ મંત્રીની વરણી બાદ સભાસદોનો દૂધનો પગાર કરવા તેમજ બેંકમાં લેવડદેવડની સત્તા માટે નવા પ્રમુખ મંત્રીએ કરચેલીયા સુરત ડિસ્ટ્રિક્ટ બેંકમાં ખાતા ચેન્જ કરવા તેમજ લેવડદેવડની સત્તા માટે ઠરાવ આપ્યો હતો.
પરંતુ બે થી ત્રણ દિવસની સભાસદો અને પ્રમુખ મંત્રીની દોડધામ છતાં બેંકે કોઈ કાર્યવાહી હાથ ન ધરતા અંતે સભાસદોનું ટોળુ દ્વારા મંગળવારે ડુંગરી દૂધ મંડળી પર મિટિંગ યોજી કરચેલીયા ડિસ્ટ્રિક્ટ બેંક પર જઈ સમસ્યાના નિરાકરણ માટે બેંકનો ઘેરાવ કરવાનુ નક્કી કર્યુ હતુ પરંતુ તે પહેલા જ જિલ્લારજીસ્ટ્રાર દ્વારા ડુંગરી દૂધ મંડળીમા વહીવટદારની નિમણૂંક કરી દિધી હતી.જેને લઈ સભાસદો શાંત થઈ ગયા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.