ખેડૂતો સાથે ઉઘાડી લૂંટ:અનાવલ APMCમાં 20 કિલો પર 1 કિલો કેરી વેપારીઓને કમિશન પેટે આપવી પડે છે

મહુવા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
અનાવલ APMC માર્કેટ - Divya Bhaskar
અનાવલ APMC માર્કેટ
  • વેપારીઓ પર એપીએમસીના સત્તાધીશોનું કોઈ નિયંત્રણ ન હોવાનો ભોગ ખેડૂતો બની રહ્યા છે

મહુવા તાલુકાના અનાવલ ખાતે આવેલ એપીએમસી સબસેન્ટરમાં વેપારીઓ ખેડૂતો પર કેરીની લે વેચમાં 20 કિલો દીઠ એક કિલો કેરી કમિશન પેટે લેતા ખેડૂતોમાં ભારોભાર આક્રોશ ભભૂકી રહ્યો છે.ત્યારે જવાબદારો ખેડૂતોને લૂંટનાર આવા વેપારીઓ સામે યોગ્ય કાર્યવાહી હાથ ધરે એવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.

પ્રાપ્ત વિગત મુજબ દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે આશીર્વાદ રૂપ કેરીના પાક નું ઉત્પાદન શરૂ થઈ ગયું છે.ત્યારે ખેડૂતો સારા ભાવની આશા સાથે એપીએમસી માર્કેટનો આશરો લે છે.મહુવા તાલુકાના અનાવલ ખાતે આવેલ એપીએમસી સબ સેન્ટર માં ખેડૂતોને ઉત્પાદિત કેરીના પાકોના પોષણક્ષમ ભાવો ની વાતો તો દૂર પણ વેપારીઓ દ્વારા ખેડૂતો પર પણ કમિશન ઉઘરાવતું હોવાનુ જાણવા મળ્યું છે.વેપારીઓ દ્વારા ખેડૂતો ના દર વીસ કિલો કેરી દીઠ એક કિલો કેરી કમિશન પેટે ખંખેરી લેતા હોવાનું જાણવા મળ્યું છે.

એપીએમસી સબસેન્ટર અનાવલ ખાતે વેપારીઓ પર અધિકારીઓ કે એપીએમસીના પદાધિકારીઓનું કોઈ નિયંત્રણ જ નહીં હોવાનો ગણગણાટ કરી ખેડૂતો અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે.અનાવલ પંથકમા આ કેરી વેચાણ માટે નજીકનો આ એકમાત્ર વિકલ્પ હોય ત્યારે ખેડૂતોની મજબૂરીનો ફાયદો વેપારીઓ ઉઠાવી રહ્યા હોવાનું સ્પષ્ટ થઈ રહ્યુ છે.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે અનાવલ એપીએમસી સબસેન્ટર ખાતે કેરી વેચાણ કરતા ખેડૂતો ની કેરી ની હરાજી કરવાનું એપીએમસીના હોદેદારો દ્વારા કોઈ આયોજન નહી કરવામાં આવ્યું હોય ત્યારે ખેડૂતોને કેરીના મહત્તમ ભાવો નહીં મળતા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે તો કેરીના વેચાણના બદલામાં ખેડૂતોને બીલના નામે પૂરતી વિગત વિનાના કાગળની ચબરખી પકડાવી ક્રૂર મજાક કરવામાં આવી રહ્યો છે.

આ એપીએમસી સબસેન્ટરમાં વેપારીઓ દ્વારા ખેડૂતોનું શોષણ કરવામાં આવતી હોવાની ફરિયાદ અવારનવાર ઉઠવા પામી છે.છતા જવાબદાર તંત્રના અધિકારીઓ દ્વારા સમસ્યાનુ હલ કરવામાં નહિ આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.એકબાજુ સરકાર ખેડૂતલક્ષી જાહેરાતો કરી ખેડૂતોને આર્થિક રીતે સધ્ધર બનાવવાનું આયોજન કરે છે ત્યારે આ ખેડૂતોના પાયાના આ પ્રશ્નોનું નિરાકરણ થાય તે જરૂરી છે.

કયા કાયદા પ્રમાણે વેપારીઓ કમિશન લે એ જ સમજાતું નથી? : ખેડૂતો
અનાવલ વિસ્તારના એક ખેડૂતે નામ ન છાપવાની શરતે જણાવ્યુ હતુ કે અનાવલ એપીએમસી સબસેન્ટર ખાતે દર વીસ કિલો કેરી દીઠ એક કિલો કેરીનું કમિશન એટલે કે કેસર,હાફૂસ જેવી કેરી માં તો મણ દીઠ એક કિલો કેરીમા પણ ખેડૂતોનું 30 થી 60 રૂપિયા કમિશન સીધુ વેપારીઓના ખિસ્સામાં જ જતું રહેતું હોય છે.જેથી અમો ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે.ખેડૂતો પર કયા કાયદા પ્રમાણે વેપારીઓ કમિશન લે એ જ સમજાતું નથી?

હુ આ બાબતે તપાસ કરાવું છું
અનાવલ એપીએમસીના કર્મચારીને આ બાબતે પૂછતા તેમણે જણાવ્યુ હતુ કે આવુ કોઈ કમિશન અમારા દ્વારા લેવાતુ નથી અને વેપારીઓનુ ખબર નથી પરંતુ આ બાબતે હું તપાસ કરાવી લઉં.

અન્ય સમાચારો પણ છે...