મહુવા પંથકમાં ગેરકાયદેસર ચાલતા માટી ખનન પર ભૂસ્તર વિભાગની ફ્લાઈંગ સ્કોર્ડની ટીમ દ્વારા રેડ પાડી માટી ખનન કરતુ જેસીબી મશીન અને એક માટી ભરેલ ટ્રક સહિત બે ખાલી ટ્રકો ઘટના સ્થળે થી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ મહુવા પંથકમાં ગેરકાયદેસર ચાલતા માટી ખનન અંગે સ્થાનિક તંત્રને અવારનવાર જાગૃત નાગરિકો દ્વારા જાણ કરવા છતા સ્થાનિક તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં આવતી ન હતી.જેને લઈ મહુવા ગ્રામજનોમા સ્થાનિક તંત્ર વિરુદ્ધ ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો હતો.સ્થાનિક તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી હાથ ન ધરાતા અંતે ગેરકાયદેસર માટી ખનન અંગે ભૂસ્તર વિભાગના ફ્લાઈંગ સ્કોવર્ડને જાણ કરવામાં આવી હતી.
જેથી તા-4/06/2022ને શનિવારના રોજ વહેલી સવારે ભૂસ્તર વિભાગ ફ્લાઈંગ સ્કોવર્ડની ટીમ દ્વારા મહુવા ગામે બાતમી વાળા સ્થળે રેડ પાડી હતી.ભૂસ્તર વિભાગની રેડ દરમિયાન ઘટના સ્થળે થી ગેરકાયદેસર માટી ખનન કરતુ જસીબી મશીન અને માટી ભરેલ એક ટ્રક અને બે ખાલી ટ્રક ઝડપી પાડતા માટી ચોરોમા ફફડાટ ફેલાય ગયો હતો.ભૂસ્તર વિભાગ દ્વારા ઘટના સ્થળે થી પકડેલ એક જેસીબી મશીન તેમજ 3 ટ્રકનો કબ્જો મહુવા પોલીસ મથકે આપી કાર્યવાહી હાથ ધરી હતી.
બેફામ દોડતી ટ્રકો અનેક અસ્માતનું કારણ
મહુવા તાલુકાના ગામે ગામ સ્થાનિક તંત્રની રહેમ નજર હેઠળ ગેરકાયદેસર માટી ખનનનો વેપલો પુરજોશમા ધમધમી રહ્યો હોવાનુ તાલુકાની જનતા જણાવી રહી છે.અને આ ઓવરલોડ માટી ભરેલ ટ્રકોના પરિણામે અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે.જેના પરિણામે નિર્દોષ જનતાએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ત્યારે ઉચ્ચ અધિકારીઓ સ્થાનિક તંત્ર સામે લાલ આંખ કરી તાલુકામાં ધમધમતો ગેરકાયદેસર માટી ખનન તેમજ રેતી ખનનનો વેપલો બંધ કરાવે એવી માંગ તાલુકાની જનતા સેવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.