મહુવા તાલુકાના સેવાસણ ગામે ગેરકાયદેસર ચાલતા રેતી ખનન પર છાપો મારનાર ખાણ ખનીજની ટીમ પર રેતી ચોરોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.પોલીસે ખાણ ખનીજની ટીમના અધિકારીઓ પર હુમલો કરનાર અને 52.44 લાખની રેતી ચોરનાર મહુવાના 7 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
સેવાસણ ગામે થી પસાર થતી પૂર્ણા નદીમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રેતી ખનનનો વેપલો પુર જોશમાં ધમધમતો હતો.જે અંગે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને જાણ થતા ખાણ ખનીજની ટીમ દ્વારા ગુરુવારે સેવાસણ ગામે છાપો મારી રેતી ચોરોને રંગે હાથે ઝડપી પાડ્યા હતા.
ખાણ ખનીજની ટીમ દ્વારા રેતી ચોરો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરતા જ રેતી ચોરોએ લાકડી અને કુહાડી જેવા હથિયાર લઈ ખાણ ખનીજની ટીમને અહીંયા કેમ આવ્યા છો ? અહીં થી જતા રહો નહીં તો જાનથી મારી નાખીશું તેમ કહી બોલાચાલી કરી ઝપાઝપી કરી માર મારી સરકારી કામમાં રૂકાવટ લાવી અડચણ ઉભી કરી હતી.અને અલ્પેશ ઓડ ઉર્ફે ગબાએ ખાણ ખનીજના અધિકારી મેહુલ શાહને લાકડીથી માર માર્યો હતો અને મુકેશ ઓડે કુહાડી ઉગામી તમામને મારવાનો પ્રયાસ કર્યો હતો.
રેતી ચોરો દ્વારા ગેરકાયદેસર રેતી ખનન કરી સેવાસણ ગામે પૂર્ણા નદીમાંથી 15,497.42 મેટ્રિક ટન સાદી રેતી કિંમત રૂ.52,44,328 તથા વહન ની ટ્રક અને જેસીબી મશીન કિંમત રૂ.3,01,384 મળી કુલ્લે રૂ.55,45,712ની ચોરી કરતા ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા તેમના વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે મહુવાના અલ્પેશ ઓડ ઉર્ફે ગબો,કેયુર ઓડ,મુકેશ રણછોડ ઓડ,ભાવેશ ઓડ,ભાવિન ઓડ, ચિરાગ મુકેશ ઓડ, ઈશ્વર રણછોડ ઓડ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
અગાઉ પણ કાર્યવાહી છતાં રેતીખનન
સેવાસણ ગામે રેતી ચોરીનો વેપલો સ્થાનિક તંત્રની રહેમ નજરે પુરજોશમાં ધમધમે છે.ભૂતકાળમાં પણ ખાણ ખનીજ કે અન્ય એજન્સી દ્વારા સેવાસણ ગામે ગેરકાયદેસર રેતી ચોરી પર છાપો મારી લાખોની રેતી ચોરી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પરંતુ રેતી ચોરો સુધરતા નથી અને એક સપ્તાહ બાદ ફરી રેતી ચોરીનો વેપલો શરૂ કરી દે છે.અગાઉ પણ નવસારીના રેતી ચોરો વિરુદ્ધ મહુવા પોલીસ દ્વારા 5 થી વધુ નાવડી કબ્જે લાખોનો દંડ ફટકાર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.