મોટા પાયે ગોબાચારી:કાછલ બાદ સેવાસણ પ્રા. શાળાના શિક્ષકની વધ બતાવી બદલી કરાઈ

મહુવા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહુવામાં વધ ઘટ કેમ્પ તેમજ ભરતીમાં મોટા પાયે ગોબાચારી

મહુવા તાલુકાના કાછલ પ્રાથમિક શાળાના શિક્ષિકાની ખોટી વધ બતાવીને બદલી પ્રકરણના વિવાદ બાદ વધ-ઘટ કેમ્પના નામે બદલીનો ભાંડો ફૂટતો હોય તેમ ખોટી વધ બતાવીને વધુ એક બદલીને અંજામ આપવામાં આવ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સેવાસણ વર્ગશાળાના શિક્ષક વધમાં ન હોવા છતા વધ બતાવી પોતાના ગામ નજીક આંગલધરા મુખ્ય પ્રા. શાળામાં ગોઠવી દેવામાં આવ્યા છે. નીતિ નીયમોને નેવે મૂકી થતી બદલી બહાર આવતા મહુવા તાલુકા સહિત જિલ્લાના શિક્ષકોમાં ભારે રોષ જોવા મળે છે.

મહુવા તાલુકાની કાછલ પ્રાથમિક શાળામાંથી શિક્ષિકાની ખોટી વધ બતાવીને બદલી બાબતે વિવાદ વકરતાની સાથે બાળકોના ભાવિ સાથે થતા ચેડાંને લઈ મુખ્યમંત્રી સુધીની ફરિયાદ થવા પામી છે. ત્યારે તપાસ કરાતા સરકારી નીતિ નિયમોનો કચ્ચરઘાણ કરી વધ-ઘટના નામે ગેરકાયદે બીજી બદલીઓ પણ થઈ હોવાની માહિતી બહાર આવી છે.

ઉલ્લેખનીય બાબત એ છે કે મહુવા તાલુકા પ્રાથમિક શિક્ષણઅધિકારી દ્વારા વધ-ઘટના કેમ્પમાં હાજર રહેવા માટે છ શાળાઓને જાણ કરી હતી, પરંતુ યાદીમાં સમાવેશ જ નહીં અને તે શાળામાં વધ જ નહીં તેવા શિક્ષકોની પણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીની જાણ બહાર બદલી કરી દેવામાં આવી છે.

કાછલ પ્રાથમિક શાળાના શિક્ષિકા બાદ તાલુકાના અન્ય સેવાસણ વર્ગશાળાના શિક્ષક ધર્મેશ રમણભાઈ પટેલની પણ વધના નામે બદલી કરી છે. 13/06/2022ના રોજ તેઓ સેવાસણ શાળામાંથી છુટા થયા હતા. અને 14/06/2022 રોજ આંગલધરા મુખ્ય પ્રાથમિક શાળામાં હાજર થઈ ગોઠવાઈ ગયા હતા. તાલુકા કચેરી દ્વારા વધ કે ઘટ બતાવવામાં જ નહિ આવી હોવા છતાં જિ. પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા કરેલી ખોટી બદલીઓ તપાસનો વિષય બન્યો છે. ત્યારે શિક્ષણ વિભાગના નિયામક સહિતના ઉચ્ચ અધિકારીઓ તાલુકાના શિક્ષણ વિભાગમા થતી બદલીઓમાં ચાલતી ગોબાચારી અંગે તપાસ લાવી જવાબદારો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી માગ થઇ રહી છે.

6 શાળા જ બદલી કેમ્પમાં હતી
વધ-ઘટ કેમ્પમાં વધના નામે થયેલ બદલીના હુકમો જોતા અનેક તર્કવિતર્કો સર્જાયા છે.હુકમમાં જણાવ્યું છે કે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને વધ-ઘટ બાબતે શિક્ષકોને બદલી કેમ્પમાં હાજર રહેવા સૂચના અપાયેલ અને જેના આધારે બદલી કરવામાં આવી જ્યારે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા તાલુકાની ફક્ત છ શાળાના શિક્ષકોને જ આ બદલી માટે જાણ કરાઈ છે.જયારે આ વિવાદિત બન્ને બદલી બાબતે કોઈ જાણ કરાઈ નથી. ત્યારે સાચું કોણ એવો પ્રશ્ન તાલુકાના શિક્ષકોમાં ચર્ચાઈ રહ્યો છે.

ખોટી બદલીઓ હોવાની આશંકા
હાલ આ ખોટી બદલીઓ સાથે જ શિક્ષક જગતમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડતા હોય તેમ રોષ જોવા મળી રહ્યો છે. વધ ઘટના નામે હજી અન્ય ખોટી બદલીઓ પણ કરવામાં આવી હોવાના સંકેત જણાય રહ્યા છે ત્યારે વધ-ઘટના નામે રચાયેલ ખેલ શુ રંગ લાવે એ જોવું રહ્યુ. વધ ઘટના કેમ્પ બાદ થતા સેટિંગને લઈ અન્ય શિક્ષકોએ ભારે નુકશાની વેઠવાની આવે છે જેને લઈ કેમ્પ બાદ ચાલતા ભ્રષ્ટાચારને લઈ શિક્ષકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

તાલુકા શિક્ષણ વિભાગ કચેરીને જાણ નથી
સેવાસણ શાળાના શિક્ષકની બદલી અન્ય શાળામાં કઈ રીતે થઈ તે અંગે તાલુકા શિક્ષણ વિભાગની કચેરીને કોઈ જાણ નથી.આ ગંભીર બાબત અંગે તપાસ કરાવી લઉં. > કેતન ચૌધરી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી,મહુવા

અન્ય સમાચારો પણ છે...