મહુવા તાલુકાના આંગલધરા ગામની સીમમાંથી સુરત ગ્રામ્ય એલસીબીની ટીમે બાતમી આધારે વોચ ગોઠવી નાસિકથી સુરત શહેર તરફ જતો વિદેશી દારૂ ભરેલ પીકઅપ ટેમ્પો ઝડપી પાડ્યો હતો. .સુરત ગ્રામ્ય એલસીબીની ટીમ મહુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા. તે દરમિયાન એ.એસ.આઈ અરવિંદભાઈ પટેલ અને ભમરસિંહ ચૌહાણને પીકઅપ ટેમ્પો (GJ-05-BX-6228)મા પાછળ ચોરખાનું બનાવી તેમાં નાસિક થી વિદેશી દારૂનો જથ્થો ભરી સાપુતારા થઈ અનાવલ થી સુરત શહેર તરફ જનાર હોવાની બાતમી મળી હતી, જે બાતમી આધારે સુરત ગ્રામ્ય એલસીબીનો સ્ટાફ મહુવા તાલુકાના આંગલધરા ગામે નહેર પાસે વોચ ગોઠવી બેઠા હતા.
તે દરમિયાન બાતમી વાળો પીકઅપ ટેમ્પો આવતા તેને અટકાવી પાછળ તલાસી લેતા અંદર ચોરખાનુ બનાવ્યુ હતુ. ચોરખાનામા તલાસી લેતા અંદરથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 1392 નંગ બોટલ કિંમત રૂ.1,95,600 અને રોકડા રૂપિયા 2060 જયારે મોબાઈલ અને પીકઅપ ટેમ્પો કિંમત રૂ.2 લાખ મળી કુલ્લે 3,98,160 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી નાસિકના ચાલક દેવેન્દ્ર ઉર્ફે દેવરાજ ખુમારામજી મેઘવાલની ધરપકડ કરી હતી.જ્યારે વિદેશી દારૂનો જથ્થો નાસિકથી ભરી આપનાર નાસિકના સની વાઘમારે અને વિદેશી દારૂ મંગાવનાર સુરતના રાજુ સોનીને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.