મહુવા તાલુકાના ગામોના ખેડૂતો અને પશુપાલકોને દર ઉનાળે પીવાના તેમજ સિંચાઈની પાણીની પડતી હાલાકીના નિવારણ માટે સરકાર દ્વારા વહેતા પાણીનો સંગ્રહ થાય અને પાણીનું સ્તર ઊંચું આવે એ હેતુસર નદી-કોતરો પર ચેકડેમો બનાવવાની યોજના અમલમાં મૂકી છે અને આ ચેકડેમોના નિર્માણ પાછળ અઢળક રૂપિયા ખર્ચવામાં આવે છે.મહુવા તાલુકામાં આવી અલગ અલગ યોજના અંતર્ગત લાખો રૂપિયાના ખર્ચે ચેકડેમો બનાવવામાં આવ્યા છે.
પરંતુ તાલુકાના કાવેરી ઓલણ નદી પર આવેલ 12થી વધુ ગામોને અતિ ઉપયોગી એવા 8 જેટલા ચેકડેમો લીકેજ હોવા ઉપરાંત ચેકડેમોના દરવાજા ન હોવાના પરિણામે પાણીનો સંગ્રહ થતો નથી, અને અંદાજીત 29.50 લાખ ઘન મીટર પાણી વહી જાય છે જેના પરિણામે લાખો રૂપિયાના ખર્ચે બનેલા આ ચેકડેમો ખેડૂતો તેમજ ગ્રામજનોને ઉપયોગ વિહોણા સાબિત થાય છે અને વહી જતા પાણી સાથે સરકારનો હેતુ પણ વહી જ જતો જણાય રહ્યો છે.
સરકાર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરાયા પછી પણ સિંચાઈ માટે પાણીનો સંગ્રહ કરવાનો કે પાણીના સ્તર ઉપર લાવવાનો હેતુ જળવાયો નથી. આ ગંભીર બાબતે તંત્ર દ્વારા તાકીદે સર્વે કરાવી ખુલ્લી બારીવાળા શોભના ગાંઠિયા સમાન ચેકડેમ અને લીકેજ ચેકડેમની સત્વરે મરામતની કામગીરી હાથ ધરે એવી માગ ખેડૂતો અને સ્થાનિકો સેવી રહ્યા છે.
આ 8 ચેકડેમ ઉપયોગ વિહોણા જે મરામતની રાહ જોઈ બેઠા છે, મહુવા તાલુકાના આ આઠ ચેકડેમ માટે કરેલો ખર્ચ પાણીમાં ગયો છે
200થી વધુ ખેડૂતોને પાણી માટે હાલાકી
ઓલણ નદી પર આવેલા પુના વસરાઈ ગામનો અતિ ઉપયોગી ચેકડેમ લીકેજ હોવાના પરિણામે પાણીનો સંગ્રહ થતો નથી. આ ચેકડેમની મરામત અંગે વારંવાર તંત્રનુ ધ્યાન દોરવા છતાં તેની રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી નથી. હાલ આ ચેકડેમ પર નભતા 200થી વધુ ખેડૂતોએ સિંચાઈના પાણી માટે હાલાકી ભોગવવી પડે છે.ઉપરાંત પાણીનો સંગ્રહ ન થતા ઉનાળામાં બોર અને કુવાના સ્તર પણ ઊંડા ઉતરી ગયા છે. - સ્નેહલભાઈ પટેલ, માજી સરપંચ, પુના
પશુપાલકો, ગ્રામજનોએ વલખા મારવા પડે છે
અનાવલ કાવેરી નદી પરના ત્રણ ચેકડેમમાંથી રીપેરીંગના અભાવે પાણી વહી જાય છે, જેના પરિણામે પાણીનો સંગ્રહ થતો નથી. પાણી વિના ઉનાળાની શરૂઆત પેહલા જ ખેડૂતો અને પશુપાલકો ઉપરાંત ગ્રામજનોએ વલખા મારવા પડે છે. અનાવલ ત્રણ ચેકડેમ પર નભતા 1000 એકરથી વધુ જમીનનો પાક ઉનાળામાં સિંચાઈના પાણી વિના સુકાઈ છે, જેથી જવાબદાર તંત્ર દ્વારા આ ચેકડેમની મરામત થવી અત્યંત જરૂરી છે. - મંજુલાબેન જીતુભાઈ પટેલ, સરપંચ,અનાવલ
ચેકડેમ ઉપયોગ વિહોણો સાબિત થઈ રહ્યો છે
7 ફૂટ ઊંચાઈ અને 30 ફૂટ ઊંડાઈ ધરાવતો ઓલણ નદી પર વાંક ગામે આવેલો કોઝવે ગ્રામજનો માટે અતિ ઉપયોગી છે. પરંતુ ચેકડેમ લીકેજ હોવાના પરિણામે પાણીનો સંગ્રહ થતો નથી જેથી 250થી વધુ એકર જમીન ધરાવતા ખેડૂતો માટે ચેકડેમ ઉપયોગ વિહોણો છે. હાલ નહેરમાં પણ પાણી ન હોવાથી અને લીકેજ ચેકડેમના કારણે પાણીનો પણ સંગ્રહ થતો નથી જેથી અમારો કિંમતી પાક સુકાઈ રહ્યો છે જેથી આ ચેકડેમની મરામત થવી જરૂરી છે. - ધનસુખ પટેલ, સરપંચ,ભગવાનપુરા વાંક
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.