સુરતના અમરોલી રજવાડી પ્લોટ પાસે રહેતા શિક્ષક દંપતિ 7 તારીખે બુધવારની વહેલી સવારે 3.00 વાગ્યે પોતાના ઘરેથી રાજપીપળા નિલકંઠધામ પોયચા ખાતે ફરવા માટે નીકળ્યા હતાં. જ્યાં રસ્તામાં પતિને ઉલટી થતાં ધામદોડ પાસે રોડની બાજુમાં ફોરવ્હીલ ગાડી ઊભી રાખી હતી. જ્યાં વહેલી સવારે અંધારામાં કોઈ અજાણ્યો ફોર વ્હીલ વાહન ચાલક પતિને અડફેટે લેતા ઝાડી ઝાંખરામાં ફેંકી દીધો હતો.
આ ઘટનાથી રોડની બાજુમાં ઊભેલી પત્નીને પતિ ન દેખાતા તેણે પોતાના પતિની શોધખોળ આદરી હતી ત્યારે તે રોડની બાજુના ઝાડી ઝાંખરામાંથી મળી આવ્યા હતાં. 108ને બોલાવી સારવાર માટે ખસેડતાં ફરજ પરના મેડિકલ આસિસ્ટન્ટે પતિ મૃત જાહેર કર્યો હતો. પત્નીએ અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ કોસંપા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સુરતના અમરોલી રજવાડી પાર્ટીપ્લોટ પાસે આવેલી લોટસ રેસીડેન્સીમાં રહેતા નિર્મલકુમાર રતિલાલ શર્મા અને તેમની પત્ની હિનાબહેન બુધવારે વહેલી સવારે ત્રણ વાગ્યાના અરસામાં પોતાની મારૂતિ વેગનઆર કાર લઈને સુરતથી રાજપીપળા પાસે આવેલા પોયચા નિલકંઠધામ ફરવા માટે નીકળ્યા હતાં. ઘરથી નીકળી ધોરણપારડી રાજ હોટલ પાસે નિર્મલભાઈને ઉલટી જેવું લાગતાં ગાડી રસ્તાની બાજુમાં થોડીવાર ઊભી રાખી હતી. ફરી તેમની તબિયત સારી જણાય આવતાં તેઓ ત્યાંથી નીકળ્યા હતાં.
4.00 વાગ્યાના અરસામાં ફરી એકવાર કોસંબા નજીક ધામદોડ ગામની હદમાં તેમને ફરી ઉલટી જેવું લાગતાં પોતાની ગાડીને રોડની સાઈડે ઊભી રાખી હતી. ડ્રાઈવર બાજુ નિર્મલભાઈ ગાડીમાંથી ઉતરીને ઊભા હતાં. તેમની પત્ની હીનાબહેન રોડની કિનારીએ ઊભા હતાં. આ દરમિયાન અચાનક કોઈ અજાણ્યા કાર ચાલકે નિર્મલભાઈને ટક્કર મારીને ફેંકી દીધા હતાં. રાત્રીના અંધારામાં ટક્કર કોને વાગી તેનો ખ્યાલ ન હતો. હીનાબહેને પોતાના પતિને પાણી આપું એવું પુછ્યું હતું. પરંતુ કોઈ જવાબ આપ્યો ન હતો.
પતિ જે જગ્યાએ ઊભા હતાં ત્યાં નિર્મલભાઈને શોધવા ગયા હતાં. પણ ત્યાં ન હતાં જેથી તેમને લાગ્યું હતું કે રોડની બાજુમાં લઘુશંકા માટે ગયા હશે. થોડીવાર સુધી રાહ જોયા બાદ પતિ ન આવતાં તેમણે પતિની શોધખોળ આદરી હતી. પરંતુ તે મળી આવ્યા ન હતાં. પરંતુ તેમના બુટ અને ચશ્મા રોડ પર પડેલા મળી આવ્યા હતાં. જેથી મોબાઈલની લાઈટ ચાલુ કરી તેમને શોધવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોતાના ભાઈ સ્નેહલને ફોન કરી પતિ નિર્મલ ગુમ થયા હોવાની જાણ કરી હતી. આ દરમિયાન તેમણે નિર્મલભાઈની શોધખોળ ચાલુ રાખતાં નિર્મલભાઈ રોડની બાજુમાં ઝાડીઝાંખરામાં પડેલા મળી આવ્યા હતાં.
તેમને નજીક જઈને જોતાં તેમના માથામાં ગંભીર ઈજા જણાઇ હતી. નિર્મલભાઈ બેભાન હતા. ત્યારબાદ 108ને ફોન કરતાં ઘટના સ્થળે આવી ગઈ હતી. નિર્મલભાઈને ચકાસતા તેમનું મોત થયુ હતા. આ અંગે હીનાબહેને કોસંબા પોલીસને જાણ કરતાં કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હીનાબહેને નિર્મલભાઈને અડફેટમાં લેનાર અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.