વિવાદ:તમારા પરિવારને રોડ એક્સિડન્ટમાં મારી નાંખીશું તમને ખબર પણ ન પડે કે એક્સિડન્ટ છે કે મર્ડર

કોસંબાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમાધાન કરાવનારને જ એક ઈસમે સોશિયલ મીડિયા પર અભદ્ર લખાણ લખતા વિવાદ

માંગરોળ તાલુકાના પીપોદરા ગામે 13મી મેના રોજ ચપ્પલ ખરીદવા બાબતે થયેલા ઝઘડામાં સુલેહ શાંતિ માટે વચ્ચે પડેલા ભરવાડ સમાજના જ એક આગેવાન વિરુદ્ધ સોસિયલ મીડિયામાં ફેસબુક ઉપર અભદ્ર ભાષામાં ટિપ્પણી કરવામાં આવી હતી. જે બાબતે આગેવાને ટીપ્પણી કારનારને ઠપકો આપ્યો હતો. જે બાબતે ફેસબુક પર ટીપ્પણી કરનાર યુવકે પોતાના સાગરિતો સાથે ભેગા મળીને આગેવાનની ઓફિસે જઈ તેના ભાઈ વગેરેને માર મારી કુટુંબ પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

13મી મેના રોજ પીપોદરા જીઆઈડીસી ખાતે કેટલાક ભરવાડ ઈસમોએ ચપ્પલ ખરીદવા બાબતે જીઆઈડીસી વિસ્તારમાં દુકાનદારો સાથે મગજમારી કરી તેમને મારમારી આ વિસ્તારની દુકાનો બંધ કરાવી હતી. આ વિસ્તારમાં સુલેહ શાંતિનો ભંગ ન થાય તે માટે ભરવાડ સમાજના આગેવાન રાજુભાઈ આહિરે મીડિયા સમક્ષ ઈન્ટરવ્યુ આપી સુલેહ શાંતિ માટે અપિલ કરી હતી.

આ બાબતે તારીખ 17મીના રોજ લાલા ભરવાડ નામના ઈસમે પોતાના ફેસબુક એકાઉન્ટ ઉપરથી રાજુભાઈ આહિરના વિરુદ્ધમાં ખોટી અભદ્ર ભાષામાં ટીપ્પણી કરી હતી. જે બાબતે રાજુભાઈનાભાઈ જીતુભાઈ આહિરે રાજુભાઈને જાણ કરી હતી. જેથી રાજુભાઈના છોકરા પ્રકાશ લાલા ભરવાડનો મોબાઈલ નંબર મેળવી પોતાના પિતા વિશે ખોટુ અભદ્ર લખાણ શું કામ લખો છો તે બાબતે ઠપકો આપ્યો હતો. જે બાબતે લાલા ભરવાડે ઉશ્કેરાઈ જઈ તેને ફોન પર નાલાયક ગાળો આપી જણાવ્યું હતુ કે તારા બાપ રાજુને તારા કાકા જીતુને હું આજે દેખાડી દઈશ કે મારું નામ લાલો ભરવાડ કેમ છે.

હું તારી દુકાન પર આવું છું. તેમ જણાવ્યું હતું અને સાંજે 4.30 વાગ્યાના અરસામાં જીતુભાઈ પોતાના ભત્રીજા પ્રકાશ સાથે હાજર હતાં ત્યારે ત્યાં ત્રણ ફોર વ્હીલ ગાડી આવી હતી. જેમાં લાલા ભરવાડ સાથે કેટલાક તેના સાગરીતો આવ્યા હતાં. ત્યાં આવી લાલા ભરવાડ ઉશ્કેરાઈ જીતુભાઈ અને પ્રકાશને માર મારવા માંડ્યો હતો.

આજુબાજુના વેપારીઓ તેમને વધુ માર ખાતા બચાવ્યા હતાં. જતા જતા લાલા ભરવાડ ધમકી આપતો ગયો હતો કે તને તથા તારા કુટુંબના સભ્યો ને રોડ એક્સિડન્ટ કરી જાનથી મારી નાંખીશું. તમને ખબર પણ ન પડે કે આ મર્ડર છે કે એક્સિડન્ટ. તમે પીપોદરા ખાતે કઈ રીતે ધંધો કરો છો તે હું જોઈ લઈશે. જેથી જીતુભાઈએ પોલીસની મદદ માટે 100 નંબર ફોન કરતાં પોલીસ આવી જતાં લાલા ભરવાડ તથા તેના સાગરીતો ત્યાંથી ભાગી છૂટ્યા હતાં. આ ઘટના અંગે જીતુભાઈએ લાલા ભરવાડ વિરુદ્ધ કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...