તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:વેલાછા PHC જર્જરિત બનતાં 16 ગામની પ્રજાને હાલાકી

કોસંબા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વેલાછાનું જર્જરીત PHC સેન્ટર, જેને કારણે 16 ગામની આરોગ્ય સુવિધાને માઠી અસર થઇ રહી છે. - Divya Bhaskar
વેલાછાનું જર્જરીત PHC સેન્ટર, જેને કારણે 16 ગામની આરોગ્ય સુવિધાને માઠી અસર થઇ રહી છે.
  • 45 વર્ષ જુના પીએચસીના મકાનની છતમાંથી ચોમાસા દરમિયાન ટપકતું પાણી તબીબ અને દર્દી માટે સમસ્યારૂપ બન્યું

માંગરોળ તાલુકાના વેલાછા ગામે 1976માં બનેલા ચાર દાયકા જૂના પ્રાથમિકા આરોગ્ય કેન્દ્રનું જર્જરિત બનેલું મકાન હવે આધુનિકતાને ઝંખે છે. 16 ગામના 20 હજારથી વધુ લોકો આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો લાભ લઈ રહ્યાં છે. આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે આવતાં દર્દીઓ અને સ્ટાફને જર્જરિત મકાન હવે સમસ્યા રૂપ બની રહ્યું છે. માંગરોળ તાલુકાના વેલાછા ગામે જૂની નેરોગેજ ટ્રેનના સ્ટેશનની સામે 1976માં અદ્યતન આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું હતું. જે તે સમયે આજુબાજુના 40થી 50 ગામડાંઓ આ આરોગ્ય કેન્દ્રનો લાભ લેતા હતાં.

આ આરોગ્ય કેન્દ્રમાં ગરીબ મધ્યમવર્ગની મહિલાઓની પ્રસુતી, બાળકોનું રસીકરણ તેમજ નાની મોટી સારવારો ઓપીડીના સ્વરૂપમાં થતી હોય છે. વર્ષોથી આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 24 કલાક ધમધમે છે, જ્યાં દર્દીને રોકાવા માટે પાંચથી વધુ બેડની સુવિધા આપવામાં આવી છે. જેમાં મેલેરિયા જેવા સામાન્ય રોગોના દર્દીઓ તેમજ મહિલાઓની પ્રસુતી બાદ તેમને રાત્રિ દરમિયાન રાખવાની પણ સુવિધા છે. હાલ આજુબાજુના ગામડાંઓમાં પણ પ્રાથમિકા આરોગ્ય કેન્દ્ર બનતાં વેલાછા પ્રા. આ. કેન્દ્રનો વિસ્તાર ઘટીને માત્ર 16 ગામ પુરતો રહ્યો છે.

જેમાં 20 હજારથી વધુ વસતિ આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સેવાનો લાભ લે છે. હાલ પ્રા. આરોગ્ય કેન્દ્રમાં મહિલાની પ્રસુતિ માટે રૂમ, લેબોરેટરી, દર્દીને રાખવા માટેના રૂમ, ફાર્મસી રૂમ વગેરે રૂમો આવેલા છે. વર્ષો પહેલા બનેલું સિમેન્ટના પતરા અને નળિયાવાળું મકાન હાલ ઘણું જૂનું અને જર્જરિત બન્યુ છે. ચોમાસા દરમિયાન પ્રા. આરોગ્ય કેન્દ્રમાં ઘણા રૂમોમાં પાણી ટપકે છે. જેથી કરીને સ્ટાફને બેસવાની મુશ્કેલી પડે છે સાથે સાથે દર્દીને ઘણી મુસ્કેલીનો સામનો કરવો પડે છે. 45 વર્ષી જૂના મકાનના સ્થાને નવા મકાનની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. ત્યારે આરોગ્ય કર્મીઓએ પણ તાજેતરમાં જ કેબિનેટમંત્રી ગણપતભાઈ વસાવાને આરોગ્ય કેન્દ્ર માટે નવા મકાનની માંગણી કરી છે.

કોઇ કામગીરી ન કરતા આ વર્ષે પણ ટપકતાં પાણી વચ્ચે દર્દીઓને સારવાર લેવી પડશે

નવા મકાન માટે જિલ્લાકક્ષાએ રજૂઆત કરવામાં આવી છે
વેલાછાના પ્રા. આ. કેન્દ્રના નવા મકાન સંદર્ભે મેડિકલ ઓફિસર દ્વારા તાલુકા અને જિલ્લા કક્ષાએ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. તાલુકા પંચાયત દ્વારા પણ જે બાબતે રાજ્યમાં નવા મકાન સંદર્ભે પ્રપોઝલ મુકવામાં આવ્યું છે. ટૂંક સમયમાં વેલાછા પીએચસીને નવું મકાન મળે તેવી શક્યતા છે. - સમીર ચૌધરી, ટીએચઓ, માંગરોળ

​​​​​​​મકાન જર્જરિત હોય ચોમાસા દરમિયાન વધુ તકલીફ પડે છે
મોટી પારડી સહિત અન્ય 16 ગામો વેલાછા પીએચસીના કાર્યક્ષેત્રમાં આવે છે. ગરીબ મહિલાઓની પ્રસુતી તેમજ ગરીબ અને મધ્યમવર્ગના લોકો દવા લેવા માટે કેન્દ્ર પર મદાર રાખે છે. આરોગ્ય કેન્દ્રનું મકાન જર્જરિત હોય ચોમાસા દરમિયાન દર્દીને ઘણી મુશ્કેલી પડે છે. જેમાં પ્રસુતી બાદ રોકાયેલી મહિલા તેમજ પરિવારજનોને ચોમાસામાં ઘણી તકલીફનો સામનો કરવો પડે છે. - કેતન ભટ્ટ, સામાજિક આગેવાન

અન્ય સમાચારો પણ છે...