કામગીરી:કન્યાસી માર્ગ પર દબાણ દૂર કરી પાણી ભરાવાની સમસ્યાને દૂર કરાશે

કોસંબા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટરના થયેલા હુકમ બાદ માર્ગ મકાન વિભાગ દ્વારા સમગ્ર રોડની જમીન માપણી

માંગરોળ તાલુકાના પીપોદરા ગામેથી ઓલપાડ તાલુકાના કન્યાસી ગામે જતા રસ્તા ઉપર ગેરકાયદે દબાણોને કારણે ચોમાસા દરમિયાન પાણી ભરાવવાની સમસ્યા સર્જાતી હોય જેને કારણે ચોમાસા દરમિયાન આ માર્ગ પરથી પસાર થતાં ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા હતાં.

ઉપરથી પાણી ભરાવવાને કારણે રસ્તો પણ ખરાબ થતો હોય. કન્યાસી ગ્રામ પંચાયત દ્વારા પીપોદરા ગામની હદમાં આવેલા આ રોડની આજુબાજુ આવેલા ગેરકાયદે દબાણ દૂર કરી ચોમાસાનું પાણીનો નિકાલ કરવા માટે થયેલ રજૂઆતને પગલે કલેક્ટર દ્વારા થયેલા હુકમ બાદ માર્ગ અને મકાન વિભાગ માંગરોળ દ્વારા સમગ્ર રોડની જમીન માપણી કચેરી દ્વારા માપણી કરાવતાં ત્રણ સરવે નંબરમાં દબાણ જણાય આવ્યું હતું. જે દબાણ દૂર કરવા માટે પીપોદરા ગ્રામ પંચાયતને માર્ગ મકાન વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે.

માંગરોળ તાલુકાના પીપોદરા ગામથી ઓલપાડ તાલુકાના કન્યાસી ગામને જોડતો રસ્તાની આજુબાજુ મોટા પ્રમાણમાં ઔદ્યોગિક એકમો આવેલા છે. જેમાંથી કેટલાક ઔદ્યોગિક એકમો દ્વારા રસ્તાની લગોલગ પાણી નિકાલની વર્ષો જૂની ગટર પર બાંધકામ કરી દેવામાં આવ્યું છે જેથી ચોમાસામાં પાણીનો નિકાલ થતો નથી.

સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જતું હતું. જેથી આ માર્ગ પરથી કન્યાસી જતા લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જેની સાથે સાથે વરસાદી પાણીના જમાવડાને કારણે માર્ગ પણ છાસવારે ખરાબ થઈ જતો હતો. આ બાબતે વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હતો.

તાજેતરમાં ચોમાસામાં આ માર્ગ પર પાણી ભરાવવાની સમસ્યાને કારણે ગ્રામજનોને કન્યસી જવામાં તકલીફ પડતી હોય. ભારે વિરોધ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો હતો અને આ બાબતે ઉગ્ર રજૂઆત જિલ્લા કલેક્ટરને ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી.

જેથી સુરત જિલ્લા કલેક્ટરે માર્ગ અને મકાન વિભાગ માંગરોળને આ અંગે સૂચના આપી હતી કે આ માર્ગ પર દબાણ કર્તાનું સરવે કરાવી યોગ્ય કાર્યવાહી કરવી તેમજ પાણી નિકાલ સંદર્ભે યોગ્ય યોજના બનાવી સમસ્યાનો નિકાલ કરવો. જે સંદર્ભે માંગરોળ તાલુકા માર્ગ મકાન વિભાગ દ્વારા સરવે કાર્ય જમીન માપણી દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સરવે નં 292, 293 અને 296 નંબરની હદમાં ગરેકાયદે દબાણ જણાય આવ્યું હતું.

જે બાબતે માર્ગ મકાન વિભાગ દ્વારા પીપોદરા ગ્રામ પંચાયતને તેમની હદમાં આવેલ ત્રણ સરવે નંબરના દબાણ દૂર કરવા જાણ કરવામાં આવી છે. જેથી આવનારા દિવસોમાં આ માર્ગના વિકાસ માટે તેમજ નવીનીકરણ માટે અને વરસાદી પાણીના નિકાલ માટે ગટર બનાવવાની વ્યવસ્થા થઈ શકે. આ માર્ગ ઔદ્યોગિક એકમોમાંથી પસાર થતો હોય આ માર્ગ પર દબાણને કારણે થઈ રહેલી સમસ્યાનું દબાણ દૂર કરી માર્ગ મોકળો બને વરસાદી પાણીના નિકાલ માટે ગટર બન્યા બાદ સમસ્યામાંથી કાયમી છુટકારો મળશે.

અન્ય સમાચારો પણ છે...