હાલાકી:સુરતમાં વેક્સિન નહીં મળતા લોકો કોસંબા-તરસાડી પહોંચતાં ઘર્ષણ

કોસંબા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આરોગ્ય કર્મચારીઓએ વેક્સિન આપવાની ના પાડતાં હોબાળો થયો
  • તરસાડીમાં 10 અને કોસંબામાં 30 લોકોને આપી શકાય તેટલી જ રસી હતી

રસીકરણ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી સુરત શહેરથી માંગરોળના કોસંબા અને તરસાડી ગામમાં પહોંચેલા લાભાર્થીઓને વેક્સિન ન મળતાં આરોગ્ય કર્મચારીઓ સાથે ઘર્ષણ થયું હતું. સુરત શહેર અને જિલ્લામાં વેક્સિનની અછતના પગલે સરકારી દવાખાનામાં વેક્સિનની અછત વર્તાતા લાભાર્થીને વેક્સિન ન મળતાં ઘર્ષણ થઈ રહ્યું છે. ગત દિવસોમાં તરસાડી અર્બન હેલ્થ સેન્ટર પર વેક્સિન ન મળવાને કારણે હંગામો થયો હતો.

ત્યારબાદ આજે ફરી કોસંબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ તરસાડી અર્બન હેલ્થ સેન્ટર ઉપર વેક્સિન ઓછી મળતાં વેક્સિન લેવા આવેલા લાભાર્થીઓને ના પાડવાની ફરજ પડી હતી. જેથી ફરજ પરના ડોક્ટર તેમજ કર્મચારી સાથે જીભાજોડી થઈ હતી. વેક્સિનથી વંચિત રહેલા લાભાર્થીઓએ જણાવ્યું હતું કે, સરકારી પોર્ટલ ઉપરથી વેક્સિન લેવા માટે એપોઈમેન્ટ અને રજિસ્ટ્રેશન કરીને આવ્યા છે.

તમે વેક્સિન આપવાની કેમ ના પાડો છો તેમ જણાવી ઝઘડો કર્યો હતો. આજરોજ તરસાડી અર્બન હેલ્થ સેન્ટર પર માત્ર 10 જણાને આપી શકાય તેટલી વેક્સિન ઉપલબ્ધ હતી. જયારે કોસંબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર 30 જણાને વેક્સિન આપી શકાય તેટલી જ વેક્સિન ઉપલબ્ધ હતી. જેથી બાકીના લોકોને ના પાડતાં ઘર્ષણ વધ્યું હતું.

આજે પણ સુરતમાં 45+ના લોકોને રસી નહીં અપાય
સુરત શહેરમાં એસએમસી દ્વારા 45 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન આપવાનું હાલ બંધ કરાયું છે. વેક્સિન લગાવવા માટે ઉતાવળ કરતાં લાભાર્થીઓ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરે છે. જેમાં સરકારી વેબસાઈટ અને એપ્લિકેશનમાં ખામી હોય. ગામડાઓમાં આવેલા આરોગ્ય કેન્દ્રમાં જગ્યા ખાલી બતાવવામાં આવે છે.

સુરત શહેરના લોકો ખાલી જગ્યા જોઈ ગામડાઓના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પોતાની નોંધણી કરાવી ઓનલાઈન એપોઈમેન્ટ મેળવે છે. આરોગ્ય કેન્દ્ર ઉપર કેટલી વેક્સિનની ઉપલબ્ધતા છે તે ઓનલાઈન દર્શાવતું નથી. જેથી કરી વેક્સિનની ઉપલબ્ધતાની સામે વેક્સિન મુકાવનારાઓની સંખ્યા વધી જાય છે. આજે પણ સુરત શહેરના લાભાર્થીઓ સાથે તરસાડી-કોસંબામાં ઘર્ષણ થયું હતું.

શહેરીજનો અહીં આવતા હોવાથી અમને રસી મળતી નથી
મોબાઈલ અને કમ્પ્યૂટર ઉપર શહેરના લોકો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી ગામડામાં વેક્સિન મુકાવવા જાય છે. તેમને વેક્સિન મુકવાના ચક્કરમાં ગામડાના લોકોને વેક્સિન મળતી નથી. આજે રસી માટે ગયા ત્યાંથી અમારે રસી વગર પરત ફરવું પડ્યું હતું. - રમેશભાઈ પટેલ, લાભાર્થી

અન્ય સમાચારો પણ છે...