સુવિધા:તરસાડીમાં સિનિયર સિટીઝનોની લડત બાદ પોસ્ટ ઓફિસની નવી બ્રાંચનો પ્રારંભ

કોસંબાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાએ કેટલીક સુવિધા પૂરી પાડવા ખાતરી આપી

કોસંબા બજાર બ્રાંચ બંધ થતાં સિનિયર સિટીઝનો તરસાડી નગરજનોએ ચલાવેલી લાંબી લડત બાદ તરસાડીમાં અલાયદી પોસ્ટ ઓફિસ શરૂ થતાં લોકોમાં આનંદની લાગણી છવાઈ છે. તરસાડી નગરપાલિકાએ પોતાની ઓફિસમાં પોસ્ટઓફિસને જગ્યા ફાળવતાં તેનું ઉદ્દઘાટન ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું.

વર્ષોથી કોસંબા ખાતે બે પોસ્ટ ઓફિસ કાર્યરત હતી. એક મુખ્ય શાખા સરકારી દવાખાના વિસ્તારમાં ખાનગી પટેલની ચાલ પાસે આવેલ છે અને બીજી જે મુખ્ય બજાર વિસ્તારમાં કાર્યરત હતી. થોડા વર્ષો પહેલા પોસ્ટ વિભાગ દ્વારા કોસંબા બજારમાં આવેલી સબબ્રાંચને બંધ કરી દેવામાં આવી હતી. જે બ્રાંચ બંધ થતાં આ વિસ્તારમાં વસતા નાગરિકો, સિનિયર સિટીઝનો તેમજ આમ જનતાને પોસ્ટ ઓફિસના કામ માટે ઘણું લાંબુ થઈ મુખ્ય બ્રાંચ પર જવું પડતું હતું. આ સમસ્યા નિવારવા માટે તરસાડી નગર અને કોસંબાના સિનિયર સિટીઝન નાગરિકોએ લડત ઉપાડી હતી. ફરીથી કોસંબા બજાર બ્રાંચ ચાલુ થાય તેવી માગ કરવામાં આવી હતી. જે અનુસંધાને દિવ્ય ભાસ્કર દ્વારા પણ લોકોની સમસ્યાને વાચા આપતો અહેવાલ પ્રસિદ્ધ કરી તંત્રનું ધ્યાન દોરવાની કોશિશ કરી હતી.

આ લડત વચ્ચે તરસાડી નગરપાલિકાએ પોસ્ટ શરૂ કરવા માટે પોતાની જગ્યા નિઃશુલ્ક આપવાની તેમજ પાયાની સુવિધા વીજળી, ઈન્ટરનેટ સહિતની નિઃ શુલ્ક આપવાની પોસ્ટ ઓફિસને ખાત્રી આપી હતી. જેથી કરીને તરસાડી ખાતે ફરી એકવાર પોસ્ટ ઓફિસ કાર્યરત બને એવી મંજૂરી પોસ્ટ વિભાગ દ્વારા આપવામાં આવી હતી. નગરપાલિકાએ પોતાનો વાયદો પુરો કરી પોસ્ટ ઓફિસ માટે પાલિકાની ઓફિસમાં જગ્યાની ફાળવણી કરી છે. પોસ્ટ ઓફિસનું ઉદ્દઘાટન ગણપતભાઈ વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...