કવાયત:વેલાછામાં મરઘી ખાવાની લાલચમાં દીપડો પાંજરે પુરાયો

કોસંબા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 20 મરઘા, 5 કૂતરા અને 9 બતક અને હંસનો શિકાર કર્યો હતો

માંગરોળ તાલુકાના સાવા વેલાછા રોડ પર શ્રીજી ફાર્મમાં મહિનાથી ફરતો દીપડો 20 મરઘા, 5 કૂતરા અને 9 બતક અને હંસના શિકાર બાદ મરઘી ખાવા જતાં વનવિભાગના પાંજરે પુરાયો હતો. સાવા પાસે સાવા વેલાછા રોડ પર શ્રીજી ફાર્મ હાઉસ વિસ્તારમાં મહિનાથી દીપડો પરિવાર સાથે દેખાઈ રહ્યો હતો. મહિના દરમિયાન આજુબાજુના વિસ્તારમાંથી 20થી વધુ મરઘા જેમાં 18 મરઘા તો માત્ર સાવા ગામના શ્રીજી ફાર્મ હાઉસ ધરાવતાં વિક્રમસિંહ ગોહિલના ફાર્મમાંથી શિકાર કર્યો હતો. તેમના પાળેલા બે કૂતરા અને 9 બતક અને હંસનો પણ શિકાર કર્યો હતો.

ફાર્મમાં હોય દૂધાળા જાનવરો ઉપર દીપડા દ્વારા શિકાર થશે તેની શક્યતાઓ વચ્ચે તેમણે વનવિભાગને પાંજરુ મુકવા માંગણી કરી હતી. પાંચ દિવસ પહેલા વનવિભાગેે પાંજરુ મૂકયું હતુ.ગુરુવારની વહેલી સવારે મરઘાનું મારણ કરતાં દીપડો પાંજરે પુરાયો હતો. જાણ વનવિભાગના કર્મીઓને કરતાં આરએફઓ પોતાની ટીમ સાથે ત્યાં આવી ચઢ્યા હતાં. તેમણે દીપડા સમેત પાંજરુ કબજામાં લઈ ફરીથી જંગલમાં છોડવા કવાયત હાથ ધરી હતી.

આરએફઓ હીરેન પટેલના જણાવ્યા પ્રમાણે સરકાર દ્વારા લગાવવામાં આવેલ ચીપ દીપડામાંથી મળી આવી ન હતી. જેથી આ દીપડો પહેલીવાર પકડાયો હોવાનું જાણવા મળેલ છે. જે દીપડામાં વનવિભાગ માઈક્રોચીપ લગાવી જંગલમાં છોડવામાં આવશે. આ દીપડો 4.5 વર્ષનો હોવાનું તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...