તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોસંબામાં તસ્કરોનો તરખાટ:વેલાછા ગામે 13 મિનિટમાં ડિસ્ટ્રિક્ટ બેંકનું ATM તોડી 8.68 લાખ ચોર્યા, 300 મીટર દૂર જઈ વેનમાં પંકચર પડ્યું તો બીજી કાર લઈ ભાગી ગયા

કોસંબા3 મહિનો પહેલા
વેલાછા ગામના તૂટેલું એટીએમની તસવીર
  • અગાઉ 2 વાર આજ ATM તોડવામાં નિષ્ફળ રહેલા તસ્કરો ત્રીજી વખત ત્રાટક્યા
  • ATM તોડતાની સાથે જ સિક્યુરિટી સાઇરન વાગ્યું પણ સુરક્ષા ટીમ સ્પોટ પર પહોંચે તે પહેલા જ તસ્કરો ચોરી કરીને ફરાર

વેલાછા ગામે બેંકના એટીએમમાં રાત્રે તસ્કરો પહેલા ઇકો કારમાં આવી રેકી કરી, બાદમાં બીજી વખત આવીને ગેસ કટરથી કાપીને માત્ર 13 મિનિટના સમય ગાળામાં જ 5થી વધુ તસ્કરોએ 8,68,000 રૂપિયાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ઘટના સ્થળથી 300 મીટરના અંતરે કારમાં પંકચર પડતા, ફરી ગામમાં આવી, પાર્ક કરેલ ઇકો કાર ચોરી કરી ભાગી ગયા હતા.

લાલ કપડાંની બુકાની બાંધી ચોરી
બેંકની ઇસર્વેલન્સ સિસ્ટમ હોવા છતાં, તસ્કરોએ નિષ્ફળ સાબિત કરી હતી. સુરત ડિસ્ટ્રિકટ બેંકના 4 એટીએમ તોડી ચોરી થઈ છે, જ્યારે 4માં નિષ્ફળ પ્રયાસ થયો છે. તસ્કરો મુખ્ય ટાર્ગેટ કરી રહ્યા છે. વેલાછા ગામે રેલવે સ્ટેશન રોડ ફળિયામાં આવેલ સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંકના મકાનમાં ફીટ એટીએમ સેન્ટરમાં મોડી રાત્રીના 2.36 વાગ્યે સફેદ ઈકો કાર (GJ-05RH-7692)માં આવેલા 5 જેટલા તસ્કરો 25 વર્ષના, મોઢે અને માથા પર લાલ કપડાથી બુકાની બાંધી ગેસ અને ઓક્સિજનના બાટલા સાથે એટીએમ સેન્ટરમાં પ્રવેશ્યા હતાં. ગેસ કટરથી એટીએમ મશીન કાપી, અંદર મુકેલ કેસ મુકવાની પ્લાસ્ટિકની કેસેટો ખેંચીને તોડીને બહાર કાઢી હતી.

લાલ બુકાની ધારી તસ્કર
લાલ બુકાની ધારી તસ્કર

આ કેસ ભરેલી પ્લાસ્ટિકની કેસેટો લઈને ઈકો ગાડીમાં 2.49 વાગ્યે ભાગી ગયા હતાં. ઘટના સ્થળેથી 300 મીટર દૂર માંગરોળ કોસંબા સ્ટેટ હાઈવે પર વિક્રમભાઈ આહિરના મકાનના બાજુની ખુલ્લી જગ્યામાંથી કેસેટોમાંથી રોકડ કાઢીને ભાગી છૂટવાની તૈયારીમાં હતાં, ત્યા ઈકોના ટાયરમાં પંક્ચરને જોઈ, ભાગવા માટે વાહનની શોધમાં તસ્કરો ફરી બેંક પર આવ્યા હતાં, અને 2.55 વાગ્યે બેંકની બાજુમાં રહેતા રાકેશભાઈ પ્રજાપતિની ઈકો કાર નં (GJ-05JN-7971)ની ચોરી કરીને પોતાની સાથે લાવેલા ગેસ કટર તેમજ રોકડ રકમ લઈને ફરાર થયા હતાં.

તસ્કરોની પંક્ચર પડેલી વેન
તસ્કરોની પંક્ચર પડેલી વેન

ચોરીની જાણ કોસંબા પોલસને કરી હતી. બેંકના મેનેજરને પણ ઇ સર્વેલન્સથી જાણ થતાં તુરંત જ આવી ગયા હતાં. તસ્કરોએ પોતાની કાર છોડી હતી, તે જગ્યાએથી બેંકની કેસ કેસેટમાંથી 9500 જેટલી રકમ છૂટી ગઈ હોય, પોલીસે રિકવર કરી હતી. બ્રાન્ચના બેંક મેનેજર કુંદનબહેન પ્રવીણસિંહ રાઠોડની ફરિયાદ આધારે 8.68 લાખની ચોરી તેમજ બેંકની બાજુમાં પાર્ક કરેલી ઇકો કારના 2.50 લાખ મળી કુલ 11,18,000 ની ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી હતી.

રહેણાંક વિસ્તારમાં ATM હોવાથી હુમલો કરવાની પૂર્વ તૈયારી સાથે આવ્યા
આજુબાજુ ઘણા રહેણાંક મકાન છે. જેની વચ્ચે એટીએમમાંથી ચોરી કરીને જવું તસ્કરો માટે એક પડકારૂપ હતું. જેથી લોકો જાગી જાય અને પ્રતિકાર કરે તો, વળવા પ્રહાર કરવા તસ્કરો પોતાની સાથે પથ્થરો, લાકડાના સપાટા વગેરે લઈને આવ્યા હતાં. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

બેંકમાં 2 વખત ચોરીનો નિષ્ફળ પ્રયાસ, 3જી વખત ચોરી
આ પહેલા પણ બેવાર એટીએમ તોડી ચોરીના નિષ્ફળ પ્રયત્નો થયા હતાં. 20 જાન્યુઆરીના રોજ એટીએમ તોડીને ચોરી કરવાનો નિષ્ફળ પ્રયત્નો કર્યો હતો. બે વાર એટીએમ ચોરીથી બચી ગયુ હતું. ત્રીજી વાર તસ્કરો ગેસ કટરથી કાપીને ચોરી કરી.

રાત્રે 2 વાગ્યે તસ્કરો ગેસના બાટલા જેવી વસ્તુ લઇ ATMમાં ઘુસ્યા
મને રાત્રીના દર બે કલાકે લઘુશંકા માટે જવું પડે છે. હું મારા ઘરના ઓટલા પર જ સૂતો હોઉં છું. રાત્રીના 2.15 વાગ્યાના અરસામાં બેંકની સામે લોકોનો અવાજ આવતા જાગી ગયો હતો. હાથમાં લાકડીના ફટકા લઈને કેટલાક ઈસમો ઊભા હતાં. થોડીવારમાં બે જણા હાથમાં ગેસના બાટલા જેવું વસ્તુ લઈને એટીએમમાં ઘુસી, શટર બંધ કર્યું હતું. થોડીવારમાં અંદરથી ધૂમાડો નીકળતાં ચોરી થઈ રહી હોવાનો ખ્યાલ આવતા, મોબાઈલથી બાજુના ઘરમાં સૂતેલા મારા ભત્રીજા હરેશને ફોન કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ઉતાવળમાં અને ગભરાટમાં બીજા હરેશભાઈને ફોન લાગી ગયો હતો. ફરીથી મારા ભત્રીજાને ફોન લગાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેણે સૂતો હોય, ફોન ઉંચક્યો ન હતો. આટલી વારમાં તસ્કરો ત્યાંથી પરત ફરી ગયા હતાં. જેથી મે ફરીવાર મારા ભત્રીજાને ઉઠાડ્યો હતો. ગામના અન્ય લોકોને જાણ કરી હતી.

બેંકની 1.25 કરોડની ઇ સર્વેલન્સ સિસ્ટમ તસ્કરોએ નિષ્ફળ બનાવી
સુરત ડિસ્ટ્રિકટ બેંકના 113 ATMમાં વોચમેન રાખવાના બદલે 1.25 કરોડના ખર્ચે ઈ સર્વેલન્સ સિસ્ટમના માધ્યમથી જોડ્યા છે. જેમાં સીસીટીવી સહિત અને બેંકના એટીએમને તોડવાનો પ્રયત્ન કરે તો, એક સાયરન એટીએમ સેન્ટરમાં વાગે છે, અને તુરંત જ મેઈન ઓફિસમાં જાણ થતાં, જેતે ઓફિસની બ્રાન્ચના મેનેજરને જાણ કરવામાં આવતી હોય છે. તસ્કરો ટેકનોલોજી કરતાં એક કદમ આગળ નીકળતાં તેમણે ઈર્વેલન્સ સિસ્ટમને નિષ્ફળ બનાવી હતી.

એક જ ઢબે આ ચોથું ATM તુટ્યું
સુડીકો બેંકના મોરથાણા, કરજણ, ટકારમાં અને વેલાછા મળી 4 એટીએમમાં ચોરી થઈ છે, અત્યાર સુધીમાં 3 એટીએમ તોડી ચોરી કરવાની એમો એક સરખી છે. અત્યાર સુધી થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો નથી

જાણ તો થઇ પણ ચોરી ન અટકી
ઇ-સર્વેલન્સ સિસ્ટમ હોવાથી ATMમાં સાયરન વાગ્યું હતું. જે અંગે હેડ ઓફિસથી જે તે બ્રાન્ચ મેનેજરને જાણ કરી હતી. પરંતુ સ્થળ પણ પહોંચે તે પહેલાં ચોરી કરી તસ્કરો ભાગી ગયા હતા. - મહાવીરસિંહ ચૌહાણ, એમડી, સુ.ડી.કો.બેન્ક સુરત

તસ્કરો જે ઇકો લઇને આવ્યા હતા તે પણ સુરત શહેરમાંથી ચોરી હતી
એટીએમમાં ચોરી કરવા આવેલા તસ્કરો સફેદ કલરની ઈકોકાર લઈને આવ્યા હતાં. જે ઈકો કારમાં પંક્ચર પડતાં, તસ્કરો છોડી ગયેલ.જે પોલીસ તપાસમાં સુરત શહેરમાં રહેતા અલીભાઈની કાર હોવાનું અને ચોરી કરી લાવ્યા હતાં.

ATM નું સાયરન વાગતા તસ્કરો ભાગી ગયા, 2 મીનીટ પછી ફરી પાછા આવ્યા
એટીએમ ખોલવાનો પ્રયત્ન કરતાં બેંકનું 2.36 વાગ્યે સર્વેસલન્સ સિસ્ટમ સક્રીય થઈ સાયરન વાગ્યું હતું. જેથી તસ્કરો ભાગી ગયા હતા, 2 મીનીટ પછી ફરી આવી 2.40 વાગ્યે ઘૂસ્યા હતાં. અને સાયરન સિસ્ટમને બંધ કરી ચોરી કરી હતી.

ATM કાપતી વેળા ગેસ કટરથી આગ ન લાગે તે માટે વારંવાર પાણી છાટયું
તસ્કરો ગેસ કટરથી કાપતી વખતે આગ ન લાગી જાય તેની તકેદારી રાખવા માટે વારંવાર પાણીનો બોટલથી પાણી છાંટતા હતાં. માત્ર 8 મીનીટમાં તેમણે ગેસ કટરની મદદથી એટીએમથી મુખ્ય દરવાજો કાપી નાંખ્યો અને અંદરના લોકરને પણ કાપી નાંખ્યું હતું.