તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:તરસાડી નગરમાં દસ્તાવેજનો ગેરફાયદો ઉઠાવી પાંચ ઇસમોએ બે પ્લોટ વેચી માર્યા

કોસંબા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્લોટ વેચવાના બહાને અસલ દસ્તાવેજ લીધા બાદ વેચાણ કરી નાણાં ગપચાવી માલિકને જાણ ન કરી

માંગરોળ તાલુકાના તરસાડી નગરમાં પાંચ ઈસમોએ એક બીજાની મદદગારી કરી બે પ્લોટને પ્લોટ માલિકની ઓળખના ખોટા દસ્તાવેજી પુરાવા ઉભા કરી પ્લોટ વેચી મારતાં કોસંબાપોલીસ સ્ટેશનમાં પ્લોટ માલિકના કર્તા હર્તા દ્વારા કુલ 5 ઈસમો પર ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં પ્લોટ ખરીદનાર અને સાક્ષી વગેરે ઉપર કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. તરસાડી નગરના છપ્પન ગાળા વિસ્તારમાં રહેતા 70 વર્ષીય ભીમજીભાઈ ભાણજીભાઈ પરમારના પિતરાઈ ભાઈ જે હાલ પુના મહારાષ્ટ્ર ખાતે રહેે છે.

તે નિલેશભાઈ પરસોત્તમભાઈ પરમારે 2012ની સાલમાં તરસાડી સિટી સરવે નં 2176 સરવે નં 288 વાળી જમીનમાં પ્લોટ નં 73-A અને 73- B વેચાણથી રાખેલ હતો અને જેનો વેચાણ દસ્તાવેજ પણ વેચાણકર્તા પાસેથી કરાવેલ હતો. આ પ્લોટ 2014ની સાલમાં નિલેશભાઈએ પિતરાઈભાઈ ભીમજીભાઈને પાવર ઓફ એટર્ની આપી વેચાણ અર્થે આપ્યો હતો, જે પ્લોટને વેચવા માટે ભીમજીભાઈએ કોસંબા સિલવર પ્લાઝામાં રહેતા અને ગાડી ભાડે ચલાવવાનું કામ કરતાં સાકીરભાઈ કાલુભાઈ મલેકને વેચવા માટે જણાવ્યું હતું.

જેમાં સાકીરભાઈએ પ્લોટના વેચાણ અર્થે પ્લોટના અસલ દસ્તાવેજ ગ્રાહકોને બતાવવા માંગ્યા હતાં. જેથી સાકીર ઉપર વિશ્વસ રાખીને ભીમજીભાઈએ પ્લોટના અસલ દસ્તાવેજ આપ્યા હતાં. થોડા થોડા દિવસે પ્લોટના વેચાણ અંગે સાકીરને ભીમજીભાઈ તેમજ તેમનો દીકરો મનોજ પૂછતા હતાં ત્યારે પ્લોટ હજુ વેચાયો નથી વેચાય એટલે હું જણાવીશ અસલ દસ્તાવેજની કોપી મારી પાસે રહેવા દો મારી પર વિશ્વાસ રાખો. 2018માં પ્લોટના અસલ ફાઈલની માંગણી ભીમજીભાઈએ સાકીર પાસે કરતાં સાકીરે જણાવ્યું હતું કે તમારા બંને પ્લોટ મે વેચી કાઢેલ છે.

મારી પાસે હવે ફાઈલ નથી. જેથી પ્લોટવાળી જગ્યાએ ત્યાં જોવા જતા ત્યાં બાંધકામ ચાલી રહ્યું હતું અને હાજર ઈસમને પૂછતાં તેણે 2015માં પ્લોટ મહેશભાઈ નટવરભાઈ રાઠોડ નામના ઈસમ પાસેથી ખરીદી કર્યો હોવાનું જણાવ્યું હતું. જેથી ભીમજીભાઈએ પ્લોટ અંગે માંગરોળ મામલતદાર કચેરીમાં આવેલી સબરજિસ્ટર કચેરીમાં તપાસ કરતાં તેમને 2014માં નિલેશ પરમાર દ્વારા મહેશભાઈ નટરભાઈ રાઠોડને આ પ્લોટનો દસ્તાવેજ કરી આપ્યો હોવાનો દસ્તાવેજ મળી આવ્યો હતો.

જે દસ્તાવેજની નકલ કાઢાવી તપાસ કરતાં કોઈએ તેમના પિતરાઈ પ્લોટ માલિક નિલેશ સી. પરમારની ગુજરાતીમાં સહી કરેલી હતી. નિલેશભાઈ નામના ત્રાહિત વ્યક્તિના ફોટાવાળા ખોટા દસ્તાવેજી પુરાવા ઊભા કરી આ પ્લોટનો દસ્તાવેજ કરી આપવામાં આવ્યો હતો. જેમાં વૈભવનાથ વિહંકર યાદવ અને સંજય રામલાલ યાદવ નામના વ્યક્તિઓએ સાક્ષીમાં સહી કરી હતી. આ બાબતે શાકીરને પૂછતાછ કરતાં તેણે કહ્યું હતું કે આ બે પ્લોટ વિજયભાઈ નટવરભાઈ પરમારને વેચાણ કરવા માટે આપેલા હતાં.

વિજયભાઈ પરમારે બંને પ્લોટ મહેશભાઈ રાઠોડ વેચાણથી દસ્તાવેજ કરી આપેલ હતો. જે અંગે તપાસ કરતાં બધા ઈસમોએ ભેગા મળી મદદગારીથી નિલેશભાઈ પરમારના ખોટા દસ્તાવેજ ઊભા કરી વેચાણ દસ્તાવેજ કરી છેતરપિંડી કર્યાની ફરિયાદ એસપીની સૂચનાથી કોસંબા પોલીસ સ્ટેશનથી કરવામાં આવી છે. જેમાં સાકીર મલેક, વિજય નટવર પરમાર, વૈભવનાથ યાદવ, સંજય યાદવ અને મહેશ રાઠોડની ઉપર વિશ્વાસઘાત અને છેતરપિંડીનો તેમજ ખોટા દસ્તાવેજી પુરાવા ઊભા કરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...