માંગરોળ તાલુકાના પીપોદરા જીઆઈડીસીમાં ગુજરાત વિદ્યુત વીજ નિગમની વિજિલન્સ ટીમ દ્વારા અધધ 2 કરોડની વીજ ચોરી એક ટેક્સટાઈલ યુનિટમાંથી પકડવામાં આવી છે. જેમાં ફેક્ટરી સંચાલકે ટ્રાન્સફોર્મરમાંથી મીટરને બાયપાસ કરી ચોરી કરતો હોવાનું ઝડપાયું છે.
12મી જાન્યુઆરએ વહેલી સવારે પીપોદરા જીઆઈડીસીમાં આવેલ આદર્શ ટેક્સટાઈલ ફેક્ટરીમાં પોલીસ બંદોબસ્ત સાથે ગુજરાત ઉર્જા વીજ નિગમ લિ.ના સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઉતરી પડ્યો હતો, અને ફેક્ટરીને ઘેરી લઈ વ્યાપક પ્રમાણમાં ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું. જેમાં કંપનીના બે કનેકશનમાં ટ્રાન્સફોર્મમાંથી અન્ય સર્વિસ કેબલ લગાવી મીટરને બાયપાસ કરી ચોરી થતું હોવાનું જણાય આવ્યું હતું. આ ઉપરાંત બંને ફેક્ટરીમાં વીજ કનેકશનના નિયત કરેલા વીજ પાવર કરતાં વધુ વીજભાર વપરાતો હોવાનું પણ ખુલ્યું હતું.
વીજ કંપની દ્વારા સ્થળ ઉપરથી બે ટ્રાન્સફોર્મર, 41 મીટરના 2 સર્વિસ કેબલ, 120 મીટરના બે પ્રાઈવેટ કાળા કલરના વાયર કબજે લીધા છે. હાલ આ કંપની દ્વારા કેટલા પ્રમાણમાં કેટલા રૂપિયાની વીજ ચોરી કરી હોવાની ગણતરી ચાલી રહી છે. આ અંકડો 2.50 કરોડને પાર થાય તેવી પુરેપુરી શક્યતા છે. આ અગાઉ પણ આ ગ્રાહકને ત્યાં 2008માં વીજ કંપની દ્વારા કરેલી કાર્યવાહીમાં પણ લાખો રૂપિયાની વીજ ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. ફરીવાર આ ગ્રાહક વીજ કંપનીની વિજિલન્સની મોટી કાર્યવાહીમાં ચોરી કરતાં રંગે હાથે ઝડપાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.