તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વળતર મુદ્દે વિરોધ:બુલેટ ટ્રેન : તરસાડીમાં ખેડૂતોના વિરોધ વચ્ચે પોલીસના જોરે થયું જમીન સંપાદન

કોસંબા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અન્ય ગામો કરતાં તરસાડીના ખેડૂતોને વળતર ઓછું અપાયાની રાવ
  • સરકારી અધિકારીઓએ ખેડૂતોની સંમતિ વગર જમીનનો કબજો લઈ બુલેટ ટ્રેન ઓથોરિટીને સોંપ્યો

માંગરોળ તાલુકાના તરસાડી નગરમાંથી પસાર થતી બુલેટ ટ્રેન માટે સરકારી તંત્ર દ્વારા ખેડૂતોના વિરોધ વચ્ચે પોલીસના જોરે જમીન સંપાદન પ્રક્રિયા હાથ ધરી હતી. યોગ્ય વળતર ન મળતાં અને જમીન સંપાદિત થતાં આગામી દિવસોમાં ખેડૂતો દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. માંગરોળ તાલુકામાંથી નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનનો 7.5 કિમી જેટલો લાંબો ટ્રેક પસાર થાય છે.

જેમાં કુંવરદા, હથુરણ અને તરસાડી નગરની જમીન જાય છે. સરકાર દ્વારા બે વર્ષથી વધુ સમયથી જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, જેમાં હથુરણ ગામની 1.5 કિમી જેટલી જ્યારે કુંવરદા ગામની 3 કિમી જેટલું સંપાદન કરીને બુલેટ ટ્રેનની કામગીરી માટે કબજો પણ લઈ લેવામાં આવ્યો છે. પરંતુ તરસાડી નગરમાંથી પસાર થતી બુલેટ ટ્રેનમાં જતી જમીન સંપાદન વખતે જાહેર થયેલા જમીનના વળતરમાં તરસાડી નગરના ખેડૂતોને સંતોષ ન થતાં કેટલાક ખેડૂતો દ્વારા સંપાદન કરીને આપેલી રકમ સ્વીકારવામાં આવી નથી અને ઘણા લાંબા સમયથી જમીન સંપાદનનો વિરોધ કરી પોતાની જમીનનો કબજો બુલેટ ઓથોરિટીને સોંપ્યો નથી.

ગત 9 મેના રોજ બુલેટ ટ્રેન ઓથોરિટી દ્વારા જમીનનો કબજો મેળવવા માટે કામ કરનાર એજન્સીના અધિકારીઓ આવ્યા હતાં. પરંતુ ખેડૂતનો વિરોધ કરતાં તેમણે જમીનનો કબજો લેવાનું ટાળ્યું હતું. ખેડૂતોના વિરોધને કારણે તેમણે એકલા આવવાને બદલે આજરોજ સરકારના અધિકારીઓનો સહારો લીધો હતો. જેમાં માંડવી પ્રાંત અધિકારી જનમ ઠાકોર, માંગરોળ મામલતદાર, સીટી સરવેના અધિકારીઓ વગેરે સરકારી તંત્રની ટીમ જમીન સંપાદન તેમજ જમીનનો કબજો બુલેટ ટ્રેન ઓથોરિટીને અપાવવા માટે પોલીસ બંદોબસ્ત સાથે આવી પહોંચી હતી.

જમીનનો કબજો સરકારી અધિકારીઓ લેવા આવતાં હોય તે જાણીને ખેડૂતો ઘટના સ્થળે દોડી આવ્યા હતાં અને તેમણે જમીન સંપાદનનો વિરોધ કર્યો હતો. જેસીબી આગળ ખેડૂતો ઊભા રહી કબજો લેતા અટકાવ્યા હતાં. ખેડૂતોનો વિરોધ થતાં પ્રાંત અધિકારી અને પોલીસ અધિકારી દ્વારા ખેડૂતોને સમજાવી ખેડૂતો સાથે સંઘર્ષ ટાળવાના પુરેપુરા પ્રયત્ન કરી ખેડૂતોના વિરોધ વચ્ચે જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણ કરી હતી અને જમીનનો કબજો લઈ બુલેટટ્રેન ઓથોરિટીને સુપ્રત કર્યો હતો.

સરકારની બેવડી નિતી સામે ખેડૂતો ખફા
સરકારની બેવડી નીતિ જમીન સંપાદન માટે સરકાર તરસાડી નગરની 720 રૂપિયાની જંત્રીનો સહારો લઈ ખેડૂતોને માત્ર બે ગણા રૂપિયા ચૂકવવા માંગે છે, જ્યારે સરકાર પોતે તરસાડી નગરપાલિકાને ઓડિટોરિયમ માટે ફાળવેલી જમીનના પ્રતિ ચોરસ મીટર 4272 રૂપિયાના ભાવ પ્રમાણે કિંમત વસૂલે છે. જો પોતાની જમીન આટલી મોંઘી કિંમત સરકાર જમીન વેચતી હોય તો ખેડૂતોની જમીન શા માટે પાણીના ભાવે ખરીદી ખેડૂતો સાથે અન્યાય કરે છે.

વિરોધકર્તાઓને ડિટેન કરવાને બદલે સમજાવાયા
જમીન સંપાદન અને કબજાનો વિરોધ કરવા આવેલા ખેડૂતોમાં નગરપાલિકા ભાજપના નગરસેવક અને ભાજપના કદાવર નેતા ડો. કરમવીર ડોડિયા પણ આવ્યા હોય. ખેડૂત સાથે જમીન સંપાદનનો વિરોધ કરતાં હોય. 60થી વધુ સંખ્યામાં આવેલી પોલીસે આવા સંજોગોમાં તેમને ડિટેન કરવાને બદલે તેમને સમજાવવાનો રસ્તો અપનાવ્યો હતો.

ખેડૂતો અસંતૂષ્ટ હોય તો રજૂઆત કરે
જમીન સંપાદન કરવા માટે સરકારે એવોર્ડ પહેલેથી જ જાહેર કરી દીધા છે. ખેડૂતો જો જમીનની કિંમતથી સંતુષ્ઠ ન હોય તો તેમને અપિલ અધિકારી સમક્ષ અપિલ કરવા સમજાવવામાં આવ્યા છે. હાલ સરકારી નિયમ પ્રમાણે કાયદાની જોગવાઈ મુજબ ખેડૂતોની સંમતી વગર જમીનનો કબજો લઈ બુલેટ ટ્રેન ઓથોરિટીને આપવામાં આવ્યો છે. આજની સંપૂર્ણ કાર્યવાહી કાયદાકીય જોગવાઈ હેઠળ જમીન સંપાદન કરવા આપેલા અધિકાર અન્વયે કરવામાં આવી છે. > જનમ ઠાકોર, પ્રાંત અધિકારી, માંડવી

અન્ય સમાચારો પણ છે...