ખાતમુર્હૂત:126 કરોડની મહુવેજ પાણી યોજના 3 તાલુકાના 34 ગામોની તરસ છિપાવશે

કોસંબાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલોદમાં પાણી પુરવઠા યોજનાનું ખાતમુર્હૂત,18 મહિનામાં કામગીરી પૂર્ણ કરાશે
  • તાપી નદીમાંથી પ્રતિદિન 3.60 કરોડ લિટર પાણી શુદ્ધ કરી લોકોને પહોંચાડવામાં આવશે

તરસાડી નગરપાલિકા સહિત માંગરોળ, માંડવી અને ઓલપાડ તાલુકાના કુલ 34 ગામોના 1.68 લાખથી વધુ વસતિને 3,60,00,000 લિટર પ્રતિદિવસના હિસાબે તાપીનું પાણી પહોંચાડવા માટે 126 કરોડ રૂપિયાની પાણી પુરવઠા યોજનાનું આજરોજ પાણી પુરવઠા મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

સુરત િજલ્લાના માંગરોળ તાલુકા પાલોદ ખાતે 126 કરોડ રૂપિયા પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. હાલમાં સ્વતંત્ર પાણીપુરવઠા આધારિત 14 ગામો, તરસાડી નગરપાલિકા, તેમજ માંડવી તથા ઓલપાડ તાલુકાના 20 ગામો એમ 34 ગામોના કુલ 1,68,000થી વધુ વસતી માટે તેમજ આવનારા ભવિષ્ય માટે 2051ના વર્ષ સુધીમાં અંદાજિત 2,84,794 વસતિ આધારીત 36 એમએલડી એટલેકે 3,60,00,000 પ્રતિદિન જથ્થો તાપી નદીમાંથી ઉપાડીને હયાત ગાયપગલાં જુથ પાણી પુરવઠા યોજના અને ધામરોડ ખાતે બનનાર જળ શુદ્ધિકરણ પ્લાન્ટ ખાતેથી પીવાનું પાણી આ ગામોમાં પહોંચાડવામાં આવશે. જે સમગ્ર પરિસ્થિતિને ધ્યાને રાખી મહુવેજ પાણીપુવઠા જુથ યોજના બનાવવામાં આવી છે.

જે અંતર્ગત કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામે ગાયપગલા મંદિર પાસે તાપી નદી કિનારે નવો ઈન્ટેકવેલ બનાવી 24 એમએલડી ક્ષમતાની ફિલ્ટર પ્લાન્ટ જેમાં 42 કિમી લાંબી રાઈઝિંગ મેઈન પાઈપલાઈન 76 કિમી લંબાઈની વિસ્તરણ પાઈપલાઈન 88 લાખ લિટર ક્ષમતાનો ભૂગર્ભ સમ્પ, 20 લાખ લિટર ક્ષમતાની બે ઉંચી તાકત, પમ્પ હાઉસ, પંમ્પિંગ મશીન વગેરે મળી 126 કરોડની આ યોજના 18 માસમાં પૂર્ણ થશે. તેવું લક્ષ રાખવામાં આવ્યું છે. યોજનાનું ખાતમુહૂર્ત જળસંપતિ અને પાણી પુરવઠા મંત્રી ઋષીકેષ પટેલના હસ્તે કરાયું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોને પીવાના પાણી ઉપરાંત સિંચાઈનું પાણી પૂરતી માત્રામાં મળી રહે એ રાજ્ય સરકારની પ્રાથમિકતા રહી છે. રાજ્યની માતા-બહેનોને પાણી માટે બેડા ઉઠાવી હાડમારી વેઠવી ન પડે એ માટે દરેક ઘર સુધી પાણી પહોંચાડવાનો સરકારનો નિર્ધાર છે.

તરસાડી પાલિકા ઉપરાંત માંગરોળ, માંડવી અને ઓલપાડ તાલુકાને લાભ
માંગરોળ તાલુકાના 29 ગામ - મહુવેજ, ધામદોડ, નાના બોરસરા, હથુરણ, સિયાલજ, મોટી નરોલી, કુંવરદા, હથોડા, કથાવડા, મોટા બોરસરા, કોસંબા, તરસાડી, પીપોદરા, પાનસરા, પાલોદ, છમૂછલ, કોથવા, ભાટકોલ, પાનીઠા, શેઠિ, પાલોદ, લિડિયાત, વાલેશા, ડુંગરી, વસ્તાન, સુરાલી, મોલવણ, લીમોદરા, ઝાંખરડા,
માંડવી તાલુકાના 3 ગામ - વરેઠી, કરજણ, તડકેશ્વર
ઓલપાડ તાલુકાનું ગામ - કન્યાસી

હાર્દિકના રાજીનામા બાદ ભાજપમાં આવવા કોંગ્રેસીઓની લાઇન લાગી : ગણપત વસાવા
આ પ્રસંગે માંગરોળના ધારાસભ્ય ગણપતભાઈ વસાવાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ ગુજરાતમાં સાવ ડૂબી ગઈ છે. તાજેતરમાં પાટીદાર આગેવાન હાર્દિક પટેલે પણ કોંગ્રેસ છોડ્યું છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં એટલા બધા લોકો આવી રહ્યાં છે કે હવે કોંગ્રેસના લોકોને ના પાડવી પડે છે કે હવે ભાજપમાં જગ્યા નથી.

વાંકલે મીની વિદ્યાનગરની ઓળખ ઊભી કરી
માંગરોળ તાલુકામાં 6 કોલેજ, 5 અર્ધસરકારી કોલેજ, 50 કરોડના ખર્ચે નિર્માણાધીન આદિવાસીના બાળકોની સૈનિક શાળા, તેમજ કેન્દ્ર સરકારની જવાહર નવોદય વિદ્યાલય બની રહી છે.

કોંગી અગ્રણીને ભાજપના નેતાએ સ્ટેજ પર બેસાડ્યા
કાર્યક્રમમાં સુરત જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અને હાલ પ્રદેશ મંત્રી અને માંગરોળ તાલુકાના પ્રદેશ ડેલીગેટના સભ્ય યુસુફભાઈ સાવાવાળાને આગ્રહ કરીને ભાજપના નેતાઓએ સ્ટેજ પર બેસાડ્યા હતાં. આ પહેલા પણ યુસુફભાઇ કોસંબા પંચાયતના પંચાયત ભવનના ખાતમુહૂર્ત પ્રસંગે ભાજપ અને ગણપતભાઈના વખાણ કરવા મુદ્દે ચર્ચામાં આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...