તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કીમના હિંમતવાન શિક્ષિકા:કોરોના થયા બાદ શ્વાસની તકલીફ સર્જાઇ, હાલ ઓક્સિજન કોન્સન્ટ્રેટર સાથે રાખી છાત્રોને ભણાવી રહ્યા છે આ શિક્ષિકા

કીમ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશાીન સાથે રાખી ફરજ નિભાવી રહેલા શિક્ષિકા. - Divya Bhaskar
ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશાીન સાથે રાખી ફરજ નિભાવી રહેલા શિક્ષિકા.
  • ગુરૂની ગરિમાને સાકાર કરતા ઓલપાડની માધર પ્રાથમિક શાળાના શિક્ષિકા

આજે જ્યારે આપણે સૌ શિક્ષકદિનની ઉજવણી કરી રહ્યા છે ત્યારે યોગાનુયોગ શિક્ષણ સમાજનો નારીશક્તિને ઉજાગર કરતો એક અભૂતપૂર્વ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક મહિલા શિક્ષિકાએ પોતાની પ્રબળ ઇચ્છાશક્તિ, અડગ મનોબળ થકી પોતાનામાં રહેલાં શિક્ષકત્ત્વને સ્વાભાવિક રીતે નિભાવી સમાજને એક ઉમદા પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

20 વર્ષથી સેવા આપે છે
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડ તાલુકાની માધર પ્રાથમિક શાળામાં છેલ્લાં 20 વર્ષથી ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવતાં 49 વર્ષીય કૈલાસબેન ઠાકોરભાઈ પટેલનાં આત્મવિશ્વાસને આત્મા પણ હલાવી ન શકી. મૂળ ગામ કવાસ તાલુકો ચોર્યાસીનાં વતની કૈલાશબેન પટેલ કે જેઓ હાલ સુરત શહેરમાં સ્થાયી થયા છે. તેઓ તેમનાં પતિ મનિષભાઈ તથા એક પુત્ર અને પુત્રી સાથે આનંદમંગલથી રહેતા હતાં.

ઓનલાઇન પણ બાળકોને ભણાવ્યાં
પોતાની ફરજ દરમિયાન તેઓ કોરોનાની બીજી લહેરની ઝપેટમાં આવી ગયા.લગભગ બે મહિના જેટલાં સમયગાળા સુધી તેઓ હોસ્પિટલમાં રહ્યાં. અડગ મન અને ઓક્સિજનનાં સહારે તેઓએ કોરોનાને માત આપી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ઘરે પાછા ફર્યા. પરંતુ કેટલાક અનિવાર્ય કારણોસર તેમનામાં એક પ્રકારની વિકનેશ આવી ગઈ. જેનાં કારણે તેઓ યોગ્ય રીતે શ્વાસ લેવા સક્ષમ ન રહ્યા. તેઓ શ્વાસ લેવા માટે રાઉન્ડ ધી કલોક ઓક્સિજન સિલિન્ડરની મદદ લે છે, પરંતુ હિંમત કોઈ કરતાં ઓછી નથી. લક્ષ્ય હાંસલ કરવા વિપરીત પરિબળો પણ રોકી શકતા નથી એ તેમણે સાબિત કરી બતાવ્યું.

વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ અડગ રહ્યાં
પોતાની ફરજ પર હાજર થઈ પોતાનાં બાળકોને મોબાઈલનાં માધ્યમથી સતત ઓનલાઇન શિક્ષણ આપતા રહ્યાં. તેમની હાલત જોઈને ભલે દરેક તેનાં પર દયા અનુભવે, પરંતુ તેઓ પરિસ્થિતિ સામે લડીને પોતાનાં કર્તવ્યો પૂર્ણ કરવામાં વ્યસ્ત છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા યોજાયેલ શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ કાર્યક્રમમાં તેઓએ વ્હીલચેર પર ઓક્સિજન સિલિન્ડર મૂકીને સ્વયંભૂ ઉત્સાહથી પરીક્ષા આપી હતી. વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ અડગ મનનાં આ મહિના શિક્ષિકા શાળા શરૂ થતાં જ ફરજ પર હાજર થઇ ગયા હતા અને બાળકો સાથે પ્રથમ દિવસથી જ અભ્યાસમાં ઓતપ્રોત થઇ ગયા હતાં.

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં અગ્રણી કિરીટભાઇ પટેલે ગૌરવભેર જણાવ્યું હતું કે મન મક્કમ હોય તો તન પણ આપોઆપ નિશ્ચિત કાર્ય કરવા તત્પર રહે છે. ‘બાલ દેવો ભવ:’ ની ઉમદા ભાવના સાથે નિઃસ્વાર્થ ફરજ બજાવતાં કૈલાસબેને જાણે પ્રભુને પણ અચંબામાં નાંખી દીધા હોય તેવી આ તબક્કે પ્રતીતિ થાય છે. ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બળદેવભાઇ પટેલ તેમજ માધર પ્રાથમિક શાળાનાં મુખ્યશિક્ષક શ્રીમતી મીનાબેન પટેલ અને સ્ટાફગણે શિક્ષકદિનાં શુભ દિને ગૌરવવંતા શિક્ષિકા કૈલાસબેન પટેલને સમગ્ર શિક્ષણ આલમનું મોરપીંછ ગણાવી બિરદાવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...