ઓલપાડ તાલુકાના કીમ કઠોદરા રોડ પર બે બાઈક વચ્ચે અકસ્માત થતા એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું. ઓલપાડના કઠોદરા ગામે રહેતા જયેશ રાજુભાઈ મીર ( 16) (રહે,સુંદર નગર કઠોદરા,તા -ઓલપાડ) જેઓ બાઇક નંબર (GJ 5 3723) પર પાછળ બેસી કાકા સાથે રાત્રે 8.00 વાગ્યાની આસપાસ કીમથી કઠોદરા ઘરે જઈ રહ્યા હતા. ત્યારે સામેથી કોસંબા તરફથી પુરપાટ આવતી મોટરસાઇકલ નંબર (GJ19 AK9483) ઉપર ગફલત ભરી રીતે હંકારી મોટરસાયકલ ધડાકાભેર ભટકાવી અકસ્માત સર્જ્યો હતો.
જેમાં બાઇકચાલકને નાની મોટી ઇજા થઇ હતી, જ્યારે પાછળ બેઠેલા જયેશ રાજુભાઈ મીર ( 16)ને ગંભીર રીતે શરીરના અને માથાના ભાગે મૂઢ માર વાગતા ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જોકે હાજર તબીબે જયેશ મીરને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ગુડ શેફર્ડ શાળા નજીક રાત્રિના 8 વાગ્યાની આસપાસ અકસ્માત થતાં લોકટોળુ એકત્ર થઈ ગયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ કીમ પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.