કામરેજ સુગરમા શુક્રવારની બપોરના સમયે સુગરમાં ખુલ્લામાં મુકેલા બગાસના ઢગલામાં અકસ્માતે આગ લાગી હતી. કામરેજ સુગર ફેકટરીમાં ખુલ્લામાં મુકેલા બગાસનાં જથ્થામાં શુક્રવારના રોજ બપોરનાં 12.00 વાગેે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગને કારણે ધૂમાડાનાં ગોટે ગોટા આકાશમાં ઉડવા લાગ્યાં હતાં. તેમજ સુગરમાં કામ કરતાં મજૂરો અનેે કર્મચારીઓમાં નાસભાગ મચી ગઇ હતી.
સુગર ફેક્ટરી દ્વારા આગને કાબૂમાં લેવા માટે પાણીનો મારો શરૂ કર્યો હતો, પરંતુ આગ ચાલુ જ રહેતા ફાયર ફાયટરોને જાણ કરવામાં આવી હતી, જેથી કામરેજ ટોરેન્ટ અને કીમ વિભાગનાં ફાયર ફાઇટરો ઘટના સ્થળે આવી આગને કાબૂમાં લેવા માટે પાણીનો મારો ચાલુ રાખ્યો હતો. ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. આગમાં બગાસનો જથ્થો બળીને ખાખ થઇ ગયો હતો સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી.ખુલ્લામાં રાખેલા બગાસમાં ગરમીને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. મોડી સાંજ સુધી કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.