કામરેજ ટોલનાકા પર પીધેલા કારચાલકે ઉભેલી રીક્ષાને ટકકર મારી હતી. રીક્ષા ચાલકે ઠપકો આપતા કારચાલક અને અન્ય ત્રણ જણાએ રીક્ષા ચાલકને ઢીક્કા મુક્કીનો તથાં લોખંડનાંં પાઇપથી મારમાર્યો હતો. આ દરમિયાન પોલીસ આવી જતા ચારેય નશાખોર અલ્ટો કાર મૂકી ભાગી ગયા હતા.
કામરેજ તાલુકાના નવાગામ ઉદ્યોગનગરની સામે શિવ નગરમાં રહેતા લાખા રાજુભાઇ સાટિયા (ભરવાડ ) (19) રીક્ષા ચલાવી ગુજરાન ચલાવે છે. તા. 30 ડિસેમ્બરે રાત્રે 8.30 વાગે કામરેજ ટોલનાકા અમદાવાદથી મુંબઇ જતા રોડ પર પોતાની રીક્ષા નં (GJ- 16 AT-2956) લઇને ઉભો હતો. ત્યારે પાછળથી આવેલ એક કાળા કલરની અલ્ટો કારનાં ચાલકે ટક્કર મારી હતી. જેથી લાખા ભરવાડે રીક્ષામાંથી ઉતરી કારચાલકને કેવી ગાડી ચલાવો છો જોઇને ચલાવો કહી ઠપકો આપ્યો હતો. નશામાં ધુત કારચાલક અને અંદર બેઠેલા બીજા ત્રણ ઇસમોએ નીચે ઉતરી લાખાને ગાળો આપી ઢીક્કામુક્કીનો માર માર્યો હતો.
કારચાલકે કારમાંથી લોખંડનો પાઇપ કાઢી જમણા ખભે ફટકો માર્યો હતો અને મુક્કા મારી રીક્ષાનો આગળનો કાચ તોડી નાંખી 1000 રૂપિયાનું નુકશાન પહોંચાડ્યું હતું. આ દરમિયાન પોલીસની ગાડી આવી જતા ચારેય નશાખોરો કાર મૂકી ભાગી ગયા હતા. કામરેજ પોલીસે કારની તપાસ કરતા બેે નંગ ટીન બીયર તથા એક કવાટર દારૂ મળી આવ્યો હતો. કામરેજ પોલીસે બીયર દારુ મળી કિં.510 રૂ તથા અલટો કારની કિં 70 હજાર રૂપિયા મળી કુલ 70510રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લઇ ચારેય નશાખોર સામે પ્રોહિબીશનનો ગુનો નોંધ્યો હતો. કારમાં સવાર ઇસમો દ્વારા કરાયેલા હુમલામાં લાખા ભરવાડને લીલાબા હોસ્પિટલમાં દાખલ કરવામાંં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.