કાર્યવાહી:એટ્રોસિટી કેસમાં જિલ્લા SOGએ અલ્પેશ કથીરિયાની ધરપકડ કરી

નવાગામ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
અલ્પેશ કથીરિયાની ફાઈલ તસવીર - Divya Bhaskar
અલ્પેશ કથીરિયાની ફાઈલ તસવીર
  • સુરત મનપાની ચૂંટણી સમયે બીટીપીના કાર્યકરો સાથે ઘર્ષણ થયું હતું
  • વેલંજા ગામે પાસના કન્વીનર અને સમર્થકો જાતિવિષયક અપશબ્દો બોલ્યા હતા

21મી ફેબ્રુઆરીએ સુરત મનપાની ચૂંટણી દરમિયાન પાસનાં નેતા અલ્પેશ કથીરીયાની આગેવાનીમાં 50થી60 બાઇક પર તથા કારમાં આવેલા 150થી 200 માણસોએ બીટીપીનાં કાર્યકરોને જાતિ વિષયક ગાળો આપી લાકડાનાં ફટકા અને પથ્થરથી માર માર્યો હતો. 3000 રૂપિયાની લૂંટ કરી મારૂતિવાનના કાચ તોડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ મામલે અલ્પેશ કથીરીયા અને અન્યો સામેે એટ્રોસીટીની ફરિયાદ થઇ હતી, જેમાં સુરત જિલ્લા એસઓજી પોલીસે શનિવારે મોડી રાત્રે સુરતથી અલ્પેશ કથિરિયાની ધરપકડ કરી છે.

વિરોધ કરવા 200 કાર્યકરો આવ્યા હતા
21 ફેબ્રુઆરી 2021ના રોજ વેલંજા પ્રાથમિક શાળામાં મતદાનની પ્રક્રિયા ચાલતી હતી. BTPનાં કાર્યકર જેકિશનભાઇ વસાવા તેમની મારૂતિવાન નં (GJ- 05 CP- 5651)માં તેમના બે દિકરા જેનીશકુમાર, જશપ્રિત, બીજા કાર્યકર અંકિત ગામીત, સાગર રાઠોડ અને કિરણ ગામીત વગેરે વેલંજાનાં ચાર રસ્તા પાસે સ્કૂલ તરફ જતા હતાં. ત્યારે રોડની બાજુમાં વાનમાં બેસી તેમનાં મહોલ્લાનાં માણસોને સ્લીપ વહેંચણી કરતા હતા. સાંજનાં 4.00 વાગે રંગોલી ચોકડી તરફથી 50થી 60 બાઇક અને કારમાં જય સરદાર લખેલી પીળી ટોપી પહેરેલા અલ્પેશ કથીરીયા સહિત 150થી 200 પાસનાં કાર્યકરો આવ્યા હતાં.

વીડિયો ઉતારતા વિવાદ થયો
વાનમાં બેઠેલા સાગરભાઇ રાઠોડે તેનાં મોબાઇલમાં વીડિયો ઉતારતો હતો. તે જોતા ટોળાએ મારૂતિવાનને ઘેરી વિડિયો કેમ ઉતારો છો ? તેમ કહી ગાળો આપી કોણ છો એમ પુછતા, અમે છોટુભાઇ વસાવાનાં માણસો છે. તેમ જણાવ્યું હતું. તેમ કહેતા તમે આદિવાસી નહીં સુધરો કોણે બોલાવેલા છે? તમને જીવતા સળગાવી દઇશું, તથા જાનથી મારી નાંખીશું. તેમ કહી લાકડાનાં ફટકા અને પથ્થરોથી મારતા જેકિશનભાઇને ઇજા પહોંચી હતી.

જેકિશનભાઈ વસાવાએ ફરિયાદ નોંધાવી
અંકિતને હાથ પકડી બહાર ફેંકી પેન્ટનાં ખીસ્સામાથી 2000 રૂ કાઢી લીધા હતાં. જેકિશનભાઇની સોનાની ચેન આંચકી ચશ્મા તોડી નાંખ્યા હતા. કિરણ ગામીત ખિસ્સામાંથી 1000 રૂપિયા કાઢી લીધા હતા. વિડિયો ઉતારનાર સાગરનો મોબાઇલ આંચકી લઇ જાતિ વિષયક ગાળો આપી મારમાર્યો હતો. જેકિશનભાઇ વસાવાએ અલ્પેશ કથીરીયા તથા અજાણ્યા સામે એટ્રોસીટી એકટ મુજબ કામરેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જિલ્લા એસોજીના પીઆઈએ શનિવારની મોડી રાત્રે સુરતથી અલ્પેશ કથિરીયાની ધરપકડ કરી હતી અને પૂછતાછ શરૂ કરી છે.

બીટીપીના કાર્યકરે વીડિયો ઉતાર્યો હતો
આશરે 10થી15 મિનિટ સુધી ટોળાએ જાતિ વિષયક ગાળો આપી પથ્થર તથા લાકડીનાં સપાટાથી જેકિશનભાઇ, જેનીશકુમાર, જશપ્રિત, અંકિત ગામીત, સાગર રાઠોડ કિરણ ગામીત વગેરેને મારમારી ભાગી છૂટ્યાં હતા, જેનો BTPનાં માણસોએ વિડિયો ઉતારી લીધો હતો. તેમજ કેટલાક વાહનોનાં નંબર નોંધી લીધા હતા, જેમાં સફેદ કલરની સ્વીફટ ગાડી નં (GJ 05 JR 0568) પણ હતી.

અન્ય સમાચારો પણ છે...