ભાસ્કર વિશેષ:નવીપારડીમાં RSETI તાલીમ ભવનનું ખાતમુહૂર્ત, સ્વરોજગારલક્ષી નિ:શુલ્ક તાલીમ મેળવી યુવાનો આત્મનિર્ભર બનશે

નવાગામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલેક્ટરના હસ્તે આરસેટી ભવનનું ખાતમુહૂર્ત કરાયું - Divya Bhaskar
કલેક્ટરના હસ્તે આરસેટી ભવનનું ખાતમુહૂર્ત કરાયું

જિલ્લા ક્લેક્ટર ડૉ.ધવલ પટેલના હસ્તે કામરેજ તાલુકાના નવીપારડી ગામે આરસેટી તાલીમ ભવનના સાકાર થનાર નવા બિલ્ડીંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.ક્લેક્ટરએ જણાવ્યુ હતું કે, સુરત જિલ્લા માટે બેરોજગાર યુવાનો/યુવતીઓ માટે સ્વરોજગારલક્ષી રેસિડેન્શિયલ તાલીમ પૂરી પાડવા માટે RSETI-આરસેટી તાલીમ ભવન બનાવવાનું આયોજન કરાયું છે, જેમાં વિવિધ પ્રકારની સ્વરોજગારલક્ષી તાલીમ વિનામુલ્યે પૂરી પાડવામાં આવશે. રોજગારવાંચ્છું યુવાનો અહીં તાલીમ લઈને આત્મનિર્ભર બની શકશે. બેંક ઓફ બરોડાના રિજીઓનલ મેનેજર અશ્વિનીકુમારે જણાવ્યું કે, બેંક ઓફ બરોડા સંચાલિત આરસેટી સેન્ટર દ્વારા બેરોજગાર યુવાઓને વિનામૂલ્યે રોજગારલક્ષી તાલીમ સાથે ચા, નાસ્તો, બે ટાઇમ ભોજન, પીવાનું શુદ્ધ પાણી પૂરૂ પાડવામાં આવે છે. જિલ્લા વિકાસ અધિકારી હિતેશ કોયાએ પ્રાસંગિક સંબોધન કરી વધુમાં વધુ યુવક-યુવતીઓ તાલીમો લઈ પગભર બને એ માટે આ તાલીમ ભવન સહાયરૂપ બનશે એમ જણાવ્યું હતું. કાર્યક્રમમાં મહેમાનોનું સ્વાગત RSETI ના ડાયરેક્ટર અમોલ ગિતેએ કર્યું હતું. બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન અને બેંકના સ્ટાફે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળતા બક્ષી હતી. આ પ્રસંગે લીડ બેંક મેનેજર રસિક જેઠવા, કામરેજ તાલુકા વિકાસ અધિકારી સિતાબેન, સરપંચ ભાનુબેન છનાભાઇ રાઠોડ, હર્ષદભાઈ ઝાલા તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.સંસ્થા થકી બેરોજગાર યુવક યુવકતીઓ તાલીમ મેળવી પગભર બની પોતાના જીવનધોરણમાં સુધારો કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...