તપાસ:પિતા અને 3 બાળકોના મોતનું રહસ્ય ઉકેલવા 7 કિમીના CCTV ચેક કરાશે

નવાગામ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પિતા ઘાયલ મળ્યા હતા તેના અડધો કિમી દૂરથી બાળકો મૃત મળ્યાં
  • પિતાના માથામાં મળેલા ઇજાના નિશાન અંગે પણ તપાસ જરૂરી

કામરેજ તાલુકાના ખડસદ ગામે ગણેશ વિસર્જન માટે બનાવાયેલા કુત્રીમ તળાવમાં મુળ મહારાષ્ટ્રના પરિવારનાં બે બહેન અને એક ભાઇ સહિતના ત્રણ સગા ભાઇ બહેનની ડીકમ્પોઝથી હાલતમાં પાણીમાં તરતી લાશ મળી આવી હતી. એ ઘટનાના ત્રણ દિવસ પહેલા બાળકોના પિતા સુરેશ વલકે ખડસદ ગામનાં તળાવથી આશરે અડધો કિ મી.દુરથી માથામાં ઇજા પામેલી હાલતમાં રોડ પરથી મળી આવતા 108 દ્વારા સ્મીમેરમાં દાખલ કરવામાં આવ્યો હતો.

જેનું બીજે દિવસે રાત્રે મોત થઇ ગયું હતું. આમ પિતાનાં મોતનાં ત્રણ દિવસ બાદ ખડસદનાં તળાવમાંથી ત્રણેય બાળકોની લાશ મળી આવતા પિતા અને બાળકોનાં મોતની આસપાસ રહસ્ય સર્જાયું છે. જેને ઉકેલવા પોલીસે ભોગ બનનાર પરિવાર જ્યા રહેતો હતો ત્યાથી લઇ ખડસદ ગામના તળાવ સુધીના 7 કિ.મીના સીસીટીવી ફૂટેજ ચેક કરવાની કવાયત શરૂ કરી છે. આ ઉપરાંત બાળકોના પિતાના માથા પર થયેલી ઇજાની દિશામાં પણ તપાસ બાદ અનેક કડીઓ ખુલી શકે તેમ છે.

હાલ કામરેજ પોલીસની તપાસમાં જાણવા મળતી વિગત મુજબ તા. 14.11.21નાં સવારે સાડા આઠેક વાગેે સુરેશ વલકે તેનાં કામની બાંધકામ સાઇટ અને રહેઠાણના સ્થળેથી ત્રણ બાળકો પુત્રી ગ્રેસી (12) બીજી પુત્રી રૂક્ષ (6) પુત્ર મોક્ષ (3)નેે લઇને નીકળ્યો હતો. જે પોલીસના અંદાજ મુજબ બાંધકામ સાઇટથી આશરે 7 કિમી દુર ખડસદ ગામેે આવ્યો હતો, અને બપોરના સાડા અગિયારથી બારના સમય ગાળામાં સડક પર માથામાં ઇજા પામેલ પડેલો હોય જેને 108 મારફતે સ્મીમેરમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યારે તેની સાથે ત્રણેય બાળકો ન હતા.

સ્મીમેરમાં સારવાર દરમ્યાન તેનું મોત થઇ ગયું હતું. તેનાંં ખીસ્સામાંથી મળેલા તેના સહિતના પુરાવાથી ઓળખ થઇ હતી અને મહારાષ્ટ્ર તેનાંં પરિવારનો પોલિસે સંપર્ક કરી જાણ કરી હતી, અને સુરેશ વલકેનો નાનો ભાઇ મનોજ વલકે તથા સગા સંબંધી કામરેજ આવી સુરેશ વલકેની લાશની ઓળખ કરી હતી. દરમ્યાન ખડસદનાં તળાવમાંથી ત્રણ બાળકોની લાશ મળી હતી. આજે કામરેજ સીએચસી પર રાખવામાં આવી હતી જેને પણ મનોજ વલકેએ પોતાનાં ભત્રીજી અને ભત્રીજા તરીકે ઓળખી કાઢ્યા હતા. પહેલા પિતા અને બાદમાં તેમના ત્રણેય બાળકોનાં મોતનું કારણ જાણવા માટે કામરેજ પોલિસેે સુરત સિવિલમાં ફોરેન્સિક પી એમ કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...