કામરેજના ધોરણપારડીમાં રહેતી પૂજા ગુરુવારે બપોરે મિત્રો સાથે નદીએ નાહવા ગઈ હતી. જ્યાં પગ લપસી જતાં તે ઉંડા પાણીમાં ડૂબી ગઈ હતી.
કામરેજ તાલુકાનાં ધોરણ પારડી ડેરી ફળિયામાં રહેતા શર્મીલાબહેન મુકેશભાઈ વસાવાની દીકરી પુજા (12) જે ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 5માં અભ્યાસ કરે છે. હાલ શાળામાં વેકેશન હોય જેથી પૂજા તેના મિત્રો સાથે ગુરુવારે બપોરના ઘરે કહ્યા વગર તાપી નદીમાં નાહવા માટે ગઈ હતી. પૂજા સાથે તેના મિત્રો પણ ગયા હતાં. તાપી નદીમાં નાહતી વેળાએ પૂજાનો પગ લપસી જતાં તે ઉંડા પાણીમાં ગરક થઈ ગઈ હતી. જેથી પૂજા બહાર નીકળી શકી ન હતી. જે જોઈ તેની સાથે આવેલા તેના મિત્રોએ બૂમાબૂમ કરી નાસી છૂટ્યા હતા.
પૂજા પાણીમાં ગરક થઈ ગયાની જાણ આજુબાજુના લોકોને થતાં ફાયર અને પોલીસનો સંપર્ક કરતાં ફાયરની ટીમ ઘટના સ્થળે આવી શોધખોળ હાથ ધરતી પૂજાના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો, અને તુરંત ખોલવડ દિનબંધુ હોસ્પિટલમાં લઇ જવાતાં ફરજ પરના તબીબે મૃત ઘોષિત કરી હતી. કામરેજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પૂજા પિતાના અવસાન બાદ માતા સાથે એકલી રહેતી હતી. જે બાદ હવે એકની એક સંતાન પૂજાનું પણ અકાળે મોત નીપજતાં માતા પર આભ તૂટી પડ્યું હોય તેવી પિરિસ્થિતિ સર્જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.