ગુરુવારે બપોર પછી ને.હા નંબર 48 પર આવેલા તાપી નદી પરના પૂલ પર પડેલ ગેપનું સમાર કામ શરૂ કરાયું હતું .અમદાવાદથી મુંબઈ તરફ જતા ખોલવડ તાપી નદી પુલ પરના બે સ્પાનને જોડતી લોખંડની પટ્ટી તૂટી જતાં પુલ પરના વચ્ચેના ટ્રેક પર મોટી ગેપ પડી ગઈ હતી. ને.હા ઓથોરિટી દ્વારા રાત્રીના સમયે જ જમણા તેમજ વચ્ચેના ટ્રેકને આગળથી બેરીકેટ મૂકી બંધ કરી દેવાયો હતો. ત્યારે અમદાવાદ તરફથી આવતો વાહન વ્યવહાર પુલ પર આવતા જ ત્રણ ટ્રેકના બદલે ડાબી તરફના માત્ર એક જ ટ્રેક ડાયવર્ટ થતા પાછળથી આવતા વાહન વ્યવહારની લગભગ 16 કિલોમીટર જેટલી લાંબી કતાર જોવા મળી હતી. ને.હા નંબર 48 પર થયેલા ટ્રાફિક જામને કારણે સવાર પાળીમાં જતા વિદ્યાર્થીઓ એકથી દોઢ કલાક જેટલા સ્કૂલે મોડા પહોંચ્યા હતા, જ્યારે નોકરિયાત સહિત ધંધાર્થીઓ ટ્રાફીકમાં ફસાતા હેરાન પરેશાન થઈ ગયા હતા.
ટ્રાફિકમાં ફસાયેલા બોર્ડના વિદ્યાર્થીઓ માટે હેલ્પ લાઇન શરૂ
સવારે 10 કલાકે બોર્ડના પેપરની શરૂઆત થઈ જતી હોય છે. અને પેપર આપવા માટે ઘરેથી નીકળેલા વિદ્યાર્થીઓ જો બેથી ત્રણ કલાકથી વધુ ટ્રાફિકમાં ફસાય તો આવા વિદ્યાર્થીના બોર્ડના પેપર ચૂકી જવાની શક્યતા રહેલી છે. આમ તો જિલ્લા ટ્રાફિક દ્વારા અન્ય રસ્તાનો ઉપયોગ કરે તે માટે કેટલાક ડાયવર્ઝન રૂટ અમદાવાદથી મુંબઈ તરફ આવતાં વાહનો માટે જાહેર કરવામાં આવ્યા છે.આ ઉપરાંત જિલ્લા ટ્રાફિક પી.આઈ વી. કે. પટેલ દ્વારા બોર્ડના વિદ્યાર્થીની પરિક્ષાને ધ્યાનમાં લઈને જો કોઈ વિદ્યાર્થી આ ટ્રાફિક જામમાં ફસાય અને તેના કેન્દ્ર પર પહોંચવા માટે અસમર્થ જણાય તો જિલ્લા ટ્રાફિક પીઆઈના ફોન નંબર 9825204988 તેમજ 8780398228 પર સંપર્ક કરી શકે છે. જિલ્લા ટ્રાફિક આવા વિદ્યાર્થીને મદદ પુરી પાડશે.
ટ્રાફિક ઘટાડવા ડાઇવર્ઝન રૂટ જાહેર
ખોલવડ પુલના એક્સપાન્સ જોઇન્ટનું રીપેરીંગ કામ સંભવિત 4 દિવસ સુધી ચાલશે.જેથી ને.હા નંબર 48 પર વાહન વ્યવહાર દરમ્યાન ટ્રાફિક સમસ્યા વધુ વકળતી અટકાવવા રીપેરીંગ વાળા અમદાવાદથી મુંબઇ તરફની એક લાઈન ચાલુ રહેશે.તેમજ આંબોલીથી એસ્સાર પેટ્રોલ પંપ ખોલવડ બસ સ્ટેન્ડ સુધી રોંગ સાઇડની બીજી લાઈન પણ ચાલુ રાખવામાં આવી છે.આથી હળવા વાહનો ખોલવડથી તાપી નદીના જૂના પુલ પરથી આંબોલી એસ્સાર પેટ્રોલ પંપથી ને.હા તરફ જઈ શકશે.જેમાં અમદાવાદ તરફથી આવતા વાહનોને કડોદરા,પલસાણા તેમજ બારડોલી તરફ જવા માટે ઘલા પાટીયાથી વાયા ઘલા ગામ થઈ બારડોલી તરફ જવાનું રહેશે.જ્યારે સુરત શહેર તરફ જતા વાહનો ઘલા પાટીયા ક્રોસિંગ પાસેથી યુ ટર્ન લઈ રાજ હોટલ તરફથી રંગોલી ચાર રસ્તા તરફથી જઈ શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.