તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:કડોદમાં અકસ્માત કરી ભાગતા ટ્રક ચાલકને પકડી મેથી પાક ચખાડાયો

કડોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માતેલા સાંઢની જેમ દોડતી રેતી ભરેલી ટ્રકોથી સ્થાનિકો ત્રાહિમામ

બારડોલી તાલુકાના કડોદ ગામમાંથી પસાર થતી ભારેખમ ટ્રકના ચાલકો બેફામ હંકારતા લોકોના જીવ જોખમાય રહ્યાં છે. ગુરુવારના રોજ કડોદના એક યુવાનને અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટનામાં ટ્રક ચાલક નશામાં હોવાનું જાણવા મળેલ છે. ઘટના બાદ લોકોએ તેને ઝડપી પાડી પોલિસને હવાલે કર્યો હતો. સુરત જિલ્લામાંથી પસાર થતી તાપી નદીમાં મોટા પાયે રેતી ખનનો ગેરકાયદે વેપલો ચાલી રહ્યો છે, જેના કારણે સરકારને તથા પ્રકૃતિને નુકસાન થઈ રહ્યું છે.

આ સાથે જ રેતી વહન કરતાં હાઈવા ટ્રક ડમ્પરો પણ બેલગામ થઈને માતેલા સાંઢની જેમ દોડી રહ્યાં છે, જે વાહનચાલકો લોકોની જિંદગી જોખમમાં મુકી રહ્યાં છે.કોઈપણ પ્રકારના ભય વિના રાજપાઠમાં ગાડી હંકારી રહ્યાં છે. ભૂતકાળમાં આવા વાહનચાલકોએ બેફામ હંકારી અનેકોની જિંદગીનો ભોગ લીધો છે. ત્યારે ગુરુવારના રોજ બારડોલી તાલુકાના કડોદ ગામનો યુવાન અને કડોદ ગ્રામ પંચાયતમાં હંગામી ધોરણે નોકરી કરતો નવીન અમૃત વસાવા હરિપુરાથી કડોદ તરફ આવી રહ્યો હતો. ત્યારે એક રેતી ભરવા જતી ટ્રકના ચાલકે તેને અડફેટમાં લીધો હતો.

અકસ્માતમાં યુવકને ગંભીર ઈજા પહોંચતાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ ટ્રક ચાલક પોતાની ગાડી બેફામ કડોદ ગામમાંથી હંકારીને જતો હતો ત્યારે ગ્રામજનોએ કડોદના ભીંડી બજાર પાસે તેને ઊભો રાખી મેથીપાક આપ્યો હતો. આ વાહનચાલક નશાની હાલતમાં હોવાનું જાણવા મળેલ હતું. ત્યારબાદ વાહનચાલકને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. આ ઘટનાથી ગામમાં ભયનો માહોલ ઊભો થયો છે. આવા વાહનચાલકો લોકોની જિંદગીની પરવા કર્યા વગર ગાડી હંકારતાં ગ્રામજનોમાં ભય જોવામળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...