કાર્યવાહીમાં ખુલાસો:મઢીના ગુમ યુવકની લાશ 13 દિન બાદ તેની જ દુકાનની ટાંકીમાં મળી; મોબાઇલ રિપેરિંગની દુકાન ચલાવતો યુવક 5 સપ્ટેમ્બરથી ગુમ હતો

કડોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આત્મહત્યા કરનાર રાજુભાઈ - Divya Bhaskar
આત્મહત્યા કરનાર રાજુભાઈ
  • મોતનું કારણ આપઘાત કે પછી હત્યા એ અંગે તપાસ શરૂ

બારડોલી તાલુકાના મઢી ખાતે રહેતો 40 વર્ષીય યુવક 5મી સપ્ટેમ્બરના રોજ ઘરે કોઈને કંઈ પણ કહ્યા વગર ગુમ થઈ ગયો હતો. જે અંગે તેના ભાઈએ ગુમ જાણવાજોગ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપી હતી. આજે 13માં દિવસે ગુમ યુવકની લાશ તેની દુકાનની પાણીની ટાંકીમાંથી મળી આવી હતી. પોલીસે હાલ આત્મહત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બારડોલી તાલુકાના મઢી ખાતે આવેલ પ્રભુ નગરમાં રહેતા રાજુભાઈ ભગવાનદાસ બોધાણી (44) જેઓ મોબાઈલ રિપેરિંગનો ધંધો કરી જીવન ગુજરાન ચલાવતાં હતાં. રાજુભાઈ છેલ્લા ઘણા દિવસથી માનસિક તાણમાં હોય જેથી તેઓ 5મી સપ્ટેમ્બરના રોજ ઘરે કોઈને કંઈ પણ કહ્યા વાગર ચાલ્યા ગયા હતાં. રાજુભાઈના ભાઈ હરિશભાઈએ રાજુભાઈ ગુમ થયા અંગેની જાણ મઢી ઓપીમાં આપી હતી. ત્યારબાદ પરિવાર દ્વારા મિત્ર મંડળ અને સગાસંબંધીઓમાં શોધખોળ કરી હતી. છતાં કોઈ પત્તો લાગ્યો ન હતો. આજે ગુમ થયાને 13 દિવસ બાદ યુવકની લાશ મઢી બજાર ખાતે આવેલા તુલસી કોમ્પલેક્સમાં આવેલ રાજ ઈલેક્ટ્રોનિક્સ દુકાનની છત પર મુકવામાં આવેલ ટાંકીમાંથી મળી આવી હતી.

શનિવારે દુકાનના પાડોશીએ ટેરેસ પર કામ અર્થે કડિયાને બોલાવ્યો હતો. દરમિયાન મજૂરો કામ કરી રહ્યા હતાં ત્યારે તેમને વાસ આવતાં તે અંગેની જાણ ઘર માલિકને કરી હતી. તેમણે રાજુભાઈના ભાઈ હરિશભાઈને જાણ કરી હતી કે તમારી ટાંકીમાંથી વાસ આવે છે. જેથી ટાંકી ખોલીને જોતા રાજુભાઈ ગુમ થયા હતાં અને તે દિવસે જે કપડા પહેર્યા હતાં તે કપડા નજરે પડ્યા હતા. ટાંકીને કાપીને જોતા ટાંકીમાં રાજુભાઈનો મૃતદેહ હોવાની પૂર્તતા થઈ હતી. ઘટના અંગે પોલીસને જાણ કરતાં પોલીસે અમોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. રાજુભાઈનું 28મી ઓગસ્ટના રોજ મસાનું ઓપરેશન કરાવ્યું હતું. ત્યારથી તેઓ માનસિક તાણમાં હતાં. કોઈની સાથે યોગ્ય રીત વાત ન કરતાં અને તેઓ ટેન્સનમાં રહેતા હોય તેવું લાગતું હતું.

યુવક ગુમ થયો તે દિવસે જે કપડા પર્હેયા હતા તેજ કપડા પહેરેલી હાલતમાં ટાંકીમાંથી મળેલી તેની લાશ.
યુવક ગુમ થયો તે દિવસે જે કપડા પર્હેયા હતા તેજ કપડા પહેરેલી હાલતમાં ટાંકીમાંથી મળેલી તેની લાશ.

2 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી
આત્મહત્યા કરનાર રાજુભાઈના લગ્ન જીવનમાં એક છોકરો એને એક છોકરી છે. રાજુભાઈના આત્મહત્યાના પગલાંને કારણે પરિવાર પર આભા ફાટ્યું હોય તેવી સ્થિતિ વર્તાય છે.