વાલીઓમાં ચિંતા વધી:શાળા શરૂ થઈ પણ બસો ચાલું ન થતાં વિદ્યાર્થીઓ પગપાળા જવા મજબૂર

કડોદ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
બસ ન મળતા પગપાળા જઇ રહેલા બારડોલીની રાયમ ગામની શાળાના બાળકો. - Divya Bhaskar
બસ ન મળતા પગપાળા જઇ રહેલા બારડોલીની રાયમ ગામની શાળાના બાળકો.
  • રાયમ ગામની શાળાના 60 જેટલા બાળકો 2થી 5 કિમી ચાલીને ઘરે જાય છે, અન્ય અંતરિયાળ વિસ્તારોમાં પણ આજ મુશ્કેલી

કોરોનાકાળમાં શાળા બંધ થતાં તે અંતર્ગત ચાલતી એસટીના રૂટો પણ બંધ થઈ ગયા હતાં. પરંતુ શાળ શરૂ થઈ ગઈ છે ત્યારે એસટી તંત્ર દ્વારા રૂટો શરૂ ન કરવામાં આવતાં વિદ્યાર્થીઓએ પગપાળા ચાલીને જવું પડી રહ્યું છે. જેમાં સૌથી કપરી પરિસ્થિતિ અંતરિયાળ ગામોના વિદ્યાર્થીઓને થઈ રહી છે. બાળકો પગપાળા ઘરે આવતાં હોવાથી વાલીઓમાં ચિંતાનો વધી રહી છે.

કોરોના કાબૂમાં આવતાં ધીમેધીમે છૂટછાટ આપવામાં આવતાં બજારો અને હવે શાળાઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. શાળાઓ બંધ થઈ હતી ત્યારે શાળાના સમયની એસટીની બસો પણ બંધ કરી દેવામાં આવી હતી. હવે જ્યારે શાળા શરૂ થઈ છે ત્યારે એસટી તંત્ર દ્વારા શાળા શરૂ ન કરતાં વિદ્યાર્થીઓ હાલાકી ભોગવી રહ્યાં છે. રોડ પર આવેલા ગામોના વિદ્યાર્થીઓને ખાનગી સાધનો મળી જાય છે, જ્યારે અંતરિયાળ ગામોના બાળકોને કોઈ સાધન ન મળતા પગપાળા ઘરે જવું પડી રહ્યું છે. બારડોલી તાલુકાના રાયમ ખાતે આવેલી શાળામાં આજુબાજુના 20 જેટલા ગામોના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે. જેમાં સાંકરી, ટીંબરવા, અકોટી પલસોદ, માંગરોલિયા જેવા ગામોની બસો શરૂ ન કરતાં અંદાજિત 50-60 જેટલા વિદ્યાર્થીઓએ પગપાળા શાળાએથી ઘરે જવું પડે છે.

શાળા છુટ્યા બાદ વિદ્યાર્થીઓએ અંદાજિત 2થી લઈને 5 કિમી પગપાળા ચાલીને ઘરે પહોંચે છે. વિદ્યાર્થીઓ ઘરે ન પહોંચે ત્યાં સુધી વાલીઓને પણ ચિંતા સતાવતી રહે છે. જે વાલી પાસે સાધનો હોય તે વાલીઓ પોતાના બાળકોને લેવા અને મુકવા જાય છે. જ્યારે કેટલાક વાલીઓ મજૂરી કામે જતા અને તેમની પાસે વાહનોની સગવડ ન હોય તેવા વિદ્યાર્થીઓએ પગપાળા જવું પડે છે. અન્ય અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ પણ આજ હાલાકી વેઠી રહ્યા છે. ત્યારે એસટી તંત્ર દ્વારા વહેલી તક આ રૂટ પર બસ શરૂ કરે એવી માંગ લોકોમાં ઉઠી છે.

બાળકો ઘરે ન પહોંચે ત્યા સુધી ચિંતા રહે છે
હું મજૂરી કામ કરું છું મારે દરરોજ કામે જવું પડે છે. મારા બે બાળકો રાયમ સ્કૂલમાં અભ્યાસ કરે છે. મારી પાસે મોટરસાઈકલ ન હોવાથી હું તેમને લેવા જતો નથી. બસ બંધ હોવાથી સાંજે ચાલતાં ઘરે છે. તેઓ સમયસર ઘરે ન પહોંચે ત્યાં સુધી તેમની ચિંતા રહે છે. બસ જલદી શરૂ કરે એવી અમારી માંગ છે. > રમેશભાઈ રાઠોડ, વાલી

બાળકો થાકી જાય છે, અકસ્માતનો પણ ડર
શિયાળાનો સમય હોવાથી અંધારુ જલદી થઈ જાય છે. બાળકો શાળા છૂટ્યા બાદ રમતા- રમતા ઘરે આવતાં હોવાથી અમને ચિંતા રહે છે. અકસ્માતનો પણ ડર રહે છે. પગપાળા ચાલીને આવતાં બાળકો થાકી જાય છે. > પુષ્પાબહેન ચૌધરી, વાલી

અન્ય સમાચારો પણ છે...