આજે ચૈત્ર સુદ પૂનમને શનિવારે હનુમાન જયંતિની ઉજવણી જિલ્લામાં ઉત્સાહ અને ઉલ્લાસથી કરવામાં આવી હતી. વહેલી સવારથી હનુમાન ચાલીસા પઠન, હોમ હવન, પૂજા અર્ચના અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. બારડોલીના વાઘેચા ખાતે બે વર્ષ બાદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ વખતે હનુમાન જયંતિ શનિવારના રોજ આવતી હોય અને શનિવાર હનુમાનજીની ભક્તિનો વાર ગણાય છે. ભાવિક-ભક્તોમાં આ દિવસે સવારે 8.40 કલાકથી ચિત્રા નક્ષત્ર છે જેથી ચિત્રા નક્ષત્રમાં હનુમાન જયંતીની ઉજવણી માટે ઉત્સાહ બેવડાયો છે.
એક માન્યતા પ્રમાણે હનુમાનજીનો જન્મ પણ ચિત્રા નક્ષત્રમાં જ થયો હતો અને આ વર્ષે પણ ચિત્રા નક્ષત્ર અને શનિવારનો સંયોગ હોવાથી હનુમાન જયંતી વધારે ઉત્તમ ગણાશે. બારડોલી નગરના રોકડિયા હનુમાન મંદિર, રામજી મંદિર, ખરવાસા પંચમુખી હનુમાનજી, સરભોણમાં હનુમાન મંદિર તેમજ સોસાયટીઓમાં પણ હનુમાન જયંતીની ઉજવણી અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. બારડોલી જલારામ હુડકો સોસાયટીમાં પણ હનુમાન ચાલીસાનું 108 વખત પઠન અને મહાપ્રસાદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ઉત્સાહ અને ઉમંગ સાથે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.