વેગવંતુ અભિયાન:100 ટકા વૅક્સિનેશન માટે હવે આરોગ્ય વિભાગની ‘હર ઘર દસ્તક’

કડોદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરત જિલ્લામાં 300 આરોગ્યની ટીમ ઘરે ઘરે જઈ વેક્સિનેશનની કામગીરી કરી રહી છે

કોરોનાએ સુરત જિલ્લામાં ભારે હાહાકાર મચાવ્યા બાદ આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. લોકોને કોરોનાથી સુરક્ષિત કરવા માટે વેક્સિનના બે ડોઝ આપવામાં આવે છે. પહેલો ડોઝ લીધા બાદ કોરોનાના કેસ ઓછા થઈ જતાં કેટલાક લોકો નિશ્ચિત થઈ ગયા છે. બીજો ડોઝ લેવા ન આવતાં જિલ્લા આરોગ્ય વિભાગે હર ઘર દસ્તક વૅક્સિનેશન અભિયાન શરૂ કર્યું છે. જેમાં જિલ્લાની 300 આરોગ્યની ટીમો ઘરે ઘરે જઈ વેક્સિનેશનની કામગીરી કરી રહી છે.

કોરોના સંક્રમણમાંથી લોકોને સુરક્ષિત કરવા આરોગ્ય વિભાગ દ્વારા કવાયત હાથ ધરાઇ છે. જિલ્લામાં 100 ટકા વૅક્સિનેશન થાય તે માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. જેમાં સફળતા પ્રાપ્ત થઈ છે, પરંતુ કેટલાક લોકો રસી લેવામાં પાછીપાની કરતાં હવે આરોગ્ય વિભાગ દ્વારા `હર ઘર દસ્તક` અભિયાન અંતર્ગત ઘરે ઘરે જઈ વેક્સિનેશનની કામગીરી હાથ ધરી છે. જેમાં સુરત જિલ્લાની 300 ટીમો દરરોજ ઘરે ઘરે જઈ લોકોને કોરોનાની રસી આપી સુરક્ષિત કરી રહી છે. આરોગ્ય વિભાગની ટીમ લાભાર્થીના ઘરે જઈ પહેલો અથવા બીજો ડોઝ લેવાનો બાકી હોય તેમનું વૅક્સિનેશન કરી સર્ટીફિકેટ પણ લાભાર્થીના મોબાઈલ પર જનરેટ કરી આપે છે.

લોકોને સમજાવવા સ્થાનિક આગેવાનોની પણ મદદ લેવાશે
જે વ્યક્તિનો પહેલો ડોઝ અથવા બીજો ડોઝ બાકી હોય તે વ્યક્તિના ઘરે જઈ આરોગ્ય ટીમ રસીકરણ માટે સમજાવશે અને જો લાભાર્થી રસી ન લેવાની ના પાડે તો ત્યારબાદ આરોગ્ય વિભાગના અધિકારીઓની ટીમ તેમની ગેરસમજ દૂર કરશે. ત્યારબાદ પણ જો લાભાર્થી રસી ન લેશો તો સરપંચ તથા ગામના આગેવાનોની મદદ લઈ સરીકરણ કરાવવા પર ભાર મુકવામાં આવશે.

વેક્સિનેશન ઓછું હોય તેવા ગામોમાં પહેલા ફોકસ કરાશે
​​​​​​​ બારડોલી તાલુકામાં હાલ 33 ટીમો હાઉસ ટુ હાઉસ વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે. તાલુકાના 9 ગામોમાં વૅક્સિનેશન ઓછું હતું તેની પર પહેલા ફોકસ કરી રસીકરણ કરાયું છે. > ડો. પંકજભાઈ ફણસિયા, ઈ.ટીએચઓ, બારડોલી

​​​​​​​રોજ 20000નું રસીકરણ
જિલ્લામાં રોજની 300 ટીમો ઘરે ઘરે જઈ રસીકરણ કરી રહી છે. જેમાં પ્રથમ ડોઝ, બીજો ડોઝ બાકી હોય તેમને વેક્સીન આપવામાં આવી રહી છે. જે લોકો વેક્સિન લેવા ના પાડતાં તેમને સમજાવવાની કામગીરી ચાલી રહી છે. હર ઘર દસ્તક અભિયાનમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રોજ 17000થી 20000 સુધીનું વૅક્સિનેશન થઈ રહ્યું છે. > ડો. હસમુખ ચૌધરી, જિલ્લા આરોગ્ય અધિકારી

અન્ય સમાચારો પણ છે...