સમસ્યા:બારડોલીમાં 300 વીઘા ખેતીની જમીનમાં નુકસાન

કડોદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાણીને કારણે ઝરીમોરા ગામે 20 વીઘા જમીનનું ધોવાણ - Divya Bhaskar
પાણીને કારણે ઝરીમોરા ગામે 20 વીઘા જમીનનું ધોવાણ
  • કોતરમાં આવેલા પુરને કારણે શાકભાજી, ડાંગર, શેરડી, બાગાયતી પાકને અસર

છેલ્લા બે ત્રણ દિવસ વરસેલા ભારે વરસાદને કારણે નદી નાળાઓ છલકાયા હતાં, જેના કારણે નીચાણવાળા વિસ્તારના ઘરોમાં અને ખેતરાડી વિસ્તારમાં પાણીનો ભરાવો થતા મોટું નુકસાન થયું છે. વરસાદ જાણે કાળો કહેર વર્તાવ્યો હોય તેવી તસવીરો સામે આવી છે. કેટલીક જગ્યાએ પાણી ઓસરતાં જમીન સાથે પાકો પણ પાણીના પ્રવાહમાં વહી ગયા છે. ઝરીમોરા, મીયાવાડી, મસાડ નસુરા, વઢવાણિયા, ભટલાવ ગામોની ખેતરાડી વિસ્તારમાં પાણીએ કહેર વર્તાવ્યો છે. નદી નાળાનું પાણી ખેતરમાં ભરાતા મોટા પ્રમાણમાં જમીનનું ધોવાણ થયું છે. તેની સાથે સાથે ઊભો પાક પણ પાણીમાં વહી જતાં ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે. ઉપરોક્ત ગામો 300 વીઘાથી વધુની ખેતીને નુકસાન થયું છે. પાણીના પ્રવાહમાં ભાત, પપૈયા, શાકભાજીનો પાકો તણાઈ ગયા છે. તેમજ પાણીનો પ્રવાહ ભયંકર હોવાથી કેળના ઝાડો પણ ઉખડી ગયા હતાં. ઝરીમોરા ખાતે 150 વીઘાથી વધુ જમીનને પાણીથી નુકસાન પહોંચ્યું છે.

નીચાણવાળા વિસ્તારોમાં 6થી 7 ફૂટ પાણી
નાની ભટલાવ ગામે ઘરોમાં 6થી 7 ફૂટ પાણી ભરાયા હતાં. જે પાણી ઉતરતાં ઘરની અનેક વસ્તુ પાણીમાં વહી ગઈ હોવાનું જાણવા મળ્યું છે.

પાણી ઓરસતા ભટલાવ ગામ સેનેટાઇઝ કરાયું
હાલ ચાલી રહેલા રોગચાળાને ધ્યાને લઈ ભટલાવ ગામે પાણી ઉતરતાં જ મઢી સુગર ફેક્ટરી તરફથી ગામમાં સેનેટાઈઝનો છંટકાવ કરવાની કામગીરી હાથ ધરી છે.

પાણી બેક મારતાં જમીન તેમજ ઊભા પાકને મોટું નુકસાન
ઝરીમોરાની સીમમાં ખાડી પસાર થાય છે. વરસાદને કારણે ખાડીનું પાણી તેમજ તાપી નદીનું પાણી બેક મારતાં ખેતીની જમીન તેમજ ઊભા પાકને મોટું નુકસાન થયું છે. આ પાણી આસપાસના ગામો તેમજ આગળ જતા ગામોમાં પણ તબાહી મચાવી છે. - હેમાંશુ પટેલ, ખેડૂત

પાણીને કારણે ઝરીમોરા ગામે 20 વીઘા જમીનનું ધોવાણ
બારડોલી તાલુકાના ઝરીમોરા ગામે ખાડીના પાણીને ખેતી અને ખેતરમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. યાકુબ બાંગી, કેતન પટેલ, નીશાત પટેલ, ચેતન પટેલ અને જયંતીભાઈ પટેલના ખેતરમાં ધોવાણ થતાં 20 વીઘા જમીનનું ધોવાણ થયું છે, જેમાં જયંતીભાઈ પટેલે 3 વીંઘામાં કરેલ કેળનો પાક પાણીના પ્રવાહમાં નષ્ટ થયો છે. કેળના રોપા પાણીમાં તણાઈ જતા મોટું નુકસાન થયું છે.