ધૂતારાઓનો ત્રાસ:કારમાં પંક્ચર પડ્યું, મદદના બહાને આવેલા 3 ગઠિયા 1.15 લાખ ભરેલું પાકિટ સેરવી ગયા

કડોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેંકમાંથી રૂપિયા ઉપાડી ઘરે આવતો ઘાટાનો યુવક વાંસકૂઇ પાસે છેતરાયો
  • તહેવાર સમયે જિલ્લામાં તસ્કરો અને ધૂતારાઓનો ત્રાસ વધતા લોકોમાં ચિંતા વધી

વ્યારા તાલુકાના ઘાટા ગામે રહેતો યુવક મઢી બેંક ઓફ બરોડામાંથી રોકડ રૂપિયા ઉપાડી ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન વાંસકૂઈ ગામની સીમમાં તેની કારમાં પંક્ચર પડતાં, મોટરસાયકલ સવાર ત્રણ ઈસમો મદદ કરવાનું જણાવી, કારમાં મુકેલ રૂપિયા ભરેલી થેલી લઈ રફૂચક્કર થઈ ગયા હતાં. યુવકે પોલીસમાં 1.15 લાખ રૂપિયા હોવાનું જણાવે છે.

દિવાળીનો તહેવાર નજીક આવતા બજારોમાં ખરીદી વધતા તસ્કરો પોતાના કસબ અજમાવવા મેદાને આવી ગયા હોવાનું વાંસકૂઈની ઘટના પરથી સાબિત થાય છે. તાપી જિલ્લાના ઘાટા ગામે રહેતો યુવક કિરણભાઈ વિનોદભાઈ ગામીત મઢી ખાતે આવેલ બેંક ઓફ બરોડામાંથી 1.45 લાખ રૂપિયા ઉપાડ્યા હતાં. રૂપિયા ઉપાડી કડોદ- મઢી રોડ પર આવેલ એગ્રોમાં ખાતરના બાકી રૂપિયા 30,000 ચૂકવ્યા હતાં. બાકીના 1.15 લાખ રૂપિયા લઈ પોતાની ઈકો ગાડી નં (GJ-19M-9112) લઈને ઘરે પરત ફરતો હતો.

આ દરમિયાન વાંસકૂઈ પેટ્રોલપંપ પાસે 3.30 વાગ્યાના અરસામાં તેની ઈકોમાં પંક્ચર પડ્યું હતું. ગાડી ઊભી રાખી ટાયર ચેક કરી રહ્યો હતો, ત્યારે સામેથી એક એક્ટિવા પર ત્રીપલ સવાર યુવકો કિરણભાઈની મદદ માટે આવ્યા હતાં. હિન્દીમાં જણાવ્યું હતું કે તમારી પાસે જેક હોય તો તમારી ટાયર બદલવામાં મદદ કરીએ. ત્યારબાદ ત્રણ યુવાનો મઢી તરફ મોપેડ હંકારી મુક્યું હતું. ત્યારબાદ કિરણભાઈએ ગાડીમાં 1,15,000 રૂપિયા ભરેલી થેલી મુકી હતી, જે ગાયબ હતી. યુવકો રૂપિયા ભરેલી થેલીની નજર ચૂકવી ચોરી ગયા હતા. ઘટના અંગે બારડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવાની તજવીજ હાથ ધરી હતી.

ત્રણેય ઠગ હિન્દીમાં બોલતા હતા
ગાડીમાં પંક્ચર પડતાં સામેથી એક વાદળી કરલની એક્ટિવા પર ત્રણ હિન્દી ભાષી 25 વર્ષના યુવાનો આવ્યા હતાં. જેમાંથી એક યુવકે કથ્થઈ કલરનો શર્ટ અને જિન્સનો પેન્ટ પહેરેલ હોવાનું ભોગ બનનારે જણાવ્યું હતું.

યુવકનો પીછો કરી ઠગાઈને અંજામ
ચોરીની ઘટનાથી તસ્કરો યુવકનો પીછો કરી ચોરી કરવાની ફિરાકમાં હતાં. એગ્રો પરથી આ તસ્કરો પીછો કરતા હતાં. તે એગ્રોના સીસીટીવી કેમેરામાં પણ ત્રણ તસ્કોર કેદ થયા હતાં.

અન્ય સમાચારો પણ છે...