બારડોલી તાલુકાના કડોદ ગામે છૂટાછેડા બાદ પત્ની પાસે મંગળવારની રાત્રિના સમયે પતિ આવી અઢી વર્ષના પુત્રની માગણી કરતાં બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી, જેથી સાળો વચ્ચે આવતાં તેની સાથે ઝઘડો થયો હતો અને બનેવી આવેશમાં આવી જઈ સાળાનું ગળું દબાવી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. એ અંગેની જાણ મૃતકના ખાસ મિત્રને થતાં તે તાત્કાલિક હત્યા થયેલા યુવકની બીજા ફળિયામાં રહેતી બહેનને ખબર આપવા જતો હતો, ત્યારે અચાનક ખેંચ આવતાં તેનું પણ મોત નીપજ્યું હતું. ખેંચ આવતાં મૃત્યુ થયું હોવાની જાણ થતાં સ્થળ પર જોવા આવેલા દાદી મૃત પૌત્રને જોતાં આઘાત લાગવાથી તેમનું પણ મોત નીપજ્યું હતું. એક પછી એક ત્રણ મોતની વિચિત્ર ઘટનાથી ફળિયામાં ગમગીની છવાઈ ગઈ હતી. પોલીસમાં હત્યાનો ગુનો નોંધાયો છે, જ્યારે બીજા બે મોત અંગે પોલીસમાં નોંધ થઈ નથી.
મૃતક અને તેની પત્ની વચ્ચે છૂટાછેડા થયા હતા
ઘટનાસ્થળ પરથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, બારડોલી તાલુકાના કડોદ ખાતે આવેલ દેસાઈ ફળિયામાં રહેતા જયેશભાઈ રમેશભાઈ રાઠોડ (28) જેઓ એચપી ગેસ એજન્સીમાં કામ કરે છે. તેમની સાથે તેની બહેન પાયલ રહે છે. પાયલ રાઠોડ અને ગામના જ કિશન રાઠોડ સાથે 7 વર્ષ અગાઉ લગ્ન થયા હતા. લગ્ન દરમિયાન 5 વર્ષની છોકરી અને 2.5 વર્ષનો દીકરો છે. કિશન નશો કરવાની ટેવવાળો હોય, પત્ની પાયલને ત્રાસ આપતો હતો, જેથી સમાજની રાહે બંનેના છૂટાછેડા થયા હતા,. તેમનો દીકરો 5 વર્ષ છે, ત્યાર બાદ પિતાને આપવાનું નક્કી થયું હતું.
ગળાના ભાગેથી પકડી પતાવી દીધો
15મી ફેબ્રુઆરી મંગળવારની રાત્રે કિશન રાઠોડે સાસરીમાં આવી દીકરાને લઈ જવાની માગણી કરી હતી, જેથી સાળો જયેશ રાઠોડે જણાવ્યું કે હમણાં ભાણેજ જમે છે, બાદમાં લઈ જજે, આથી બનેવી કિશન રાઠોડ એકદમ ઉશ્કેરાઈ જઈ સાળા જયેશને ગળાના ભાગે પકડી હત્યા કરી હતી, જેમાં ગામનો અન્ય એક યુવક પ્રવીણ ઉર્ફે મગાભાઈએ પણ મદદગારી કરી હતી. સાળાનું મોત થવાથી બન્ને સ્થળ પરથી ભાગી ગયા હતા.
મિત્રને ખેંચ આવતાં રસ્તામાં જ મોત
જયેશના મોતની ઘટનાથી ફળિયામાં અફરાતફરી મચી ગઈ હતી. મૃતક જયેશભાઈનો ખાસ મિત્ર ધર્મેશ લલ્લુભાઈ રાઠોડ (20) જે જયેશની બીજી બહેન કડોદની તાડ ફળિયા ખાતે રહે છે, જેને ખબર આપવા માટે મોટરસાઈકલ પર નીકળ્યો હતો. ત્યારે તાડ ફળિયામાં અચાનક ધર્મેશને ખેંચ આવતાં તે મોટરસાઈકલ પરથી રોડ પર પટકાયો હતો. ધર્મેશને સારવાર માટે લઈ જવામાં આવતાં ત્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
દાદીનું પણ આઘાતને લીધે મોત
ધર્મેશના મોત અંગેની વાત તેની દાદીને થતાં દાદી પોતાના પૌત્રને જોવા ગયાં હતાં. પૌત્રનો મૃતદેહ જોતાં જ દાદીને આઘાત લાગતાં તેમનું પણ હૃદયરોગને કારણે મોત નીપજ્યું હતું. એક પછી એક 3 મોતની વિચિત્ર ઘટના બનતાં કડોદનું દેસાઈ ફળિયામાં મંગળવારની રાત્રિ અમંગળ સાબિત થઈ હતી. બારડોલી પોલીસમાં હત્યા થયેલા યુવકના નાના ભાઈ સતીશ રાઠોડે બનેવી કિશન રાઠોડ અને અન્ય યુવક પ્રવીણ ઉર્ફે મંગો વિરુદ્ધ ફરિયાદ આપતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જયેશ અને ધર્મેશ બંને ગાઢ મિત્ર હતાં
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.