બારડોલી તાલુકાના મસાડ ગામના રહેવાસી દંપતિ 2 મેના રોજ મોટરસાઈકલ પર બારડોલી કામ અર્થે આવ્યા હતાં. ત્યાંથી પરત રાત્રીના 8.00 વાગ્યાના સુમારે પરત ફરતી વેળાએ પણદા ગામની સીમમાં પાછળથી મોટરસાઈકલ પર આવેલા બે યુવાનોએ મહિલાનું મંગળસૂત્ર આચકવાના ઈરાદે પાછળથી મંગળસૂત્ર પકડ્યું હતુ, પરંતુ મહિલાની સજાગતાને કારણે તસ્કરો મંગળસૂત્ર લઈ જવામાં નિષ્ફળ રહ્યા હતાં. મસાડ ગામે રહેતા હરિભાઈ નાથુભાઈ પટેલ પત્ની પુનિતાબહેન સાથે 2 મેના રોજ કામ અર્થે બારડોલી ગયા હતા.
જ્યાંથી પરત ફરતાં તેમને મોડુ થઈ ગયું હતું. દંપતિ મોટરસાઈકલ પર પરત ફરી રહ્યા હતાં ત્યારે રાત્રીના 8.00થી 8.15 વાગ્યાના અરસામાં પણદાની સીમમાંથી પસાર થતાં હતા ત્યારે પાછળથી પૂરપાટ મોટરસાઈકલ આવી હતી. તેના પર સવાર એક યુવાને પુનિતાબહેને પહેરેલ સોનાનું મંગળસૂત્ર આંચકવાની કોશીશ કરી હતી. યુવાને પુનિતાબહેનની ગરદન પર હાથ નાંખી મંગળસૂત્ર પકડ્યું હતુ. પરંતુ પુનિતાબહેને મંગળસૂત્ર ચોરીનો અણસાર આવી જતાં તેમણે મંગળસૂત્ર પકડી લીધુ હતું. તસ્કરે મંગળસૂત્ર આંચક્યુ હતું, પરંતુ તેમના હાથમાંથી મંગળસૂત્ર છૂટી ગયું હતું.
તસ્કર દ્વારા પુનિતાબહેનને લાગેલા ધક્કાને કારણે તેઓ મોટરસાઈકલ પરથી નીચે પટકાયા હતાં. જેમાં પુનિતાબહેનને ઈજા થઈ હતી. તસ્કરો હરિભાઈની સામેથી પસાર થતાં તેમણે જોયું હતું કે બે યુવાનો પલ્સર મોટરસાઈકલ પર ભાગતા નજરે પડ્યા હતાં. અંધારુ હોવાને કારણે મોટરસાઈકલનો નંબર જોઈ શક્યા ન હતા. બારડોલી કડોદ રોડ પર અવાર નવાર મોટરસાઈકલ પર આવેલા તસ્કરો ચેઈન સ્નેચિંગના બનાવોને અંજામ આપે છે. લોકોમાં રોડ પર જવાનું પણ સુરક્ષિત લાગતું નથી. આ અંગે પોલીસ તંત્ર યોગ્ય કાર્યવાહી કરે એ જરૂરી બન્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.