બારડોલી વ્યારા હાઇવે પર આવેલા ઉવા ગામના પાટિયા પાસે મહારાષ્ટ્રથી સુરત તરફ જઈ રહેલી એક ટવેરા કાર ડિવાઇડર સાથે અથડાઈ પલટી મારી જતાં તેમાં બેસેલા પૈકીના એક યુવકનું મોત થયું હતું જ્યારે અન્ય છ વ્યક્તિને ઇજા થઈ હોવાનું નોંધાયું હતું.
મૂળ મહારાષ્ટ્રના અમલનેર તાલુકાના અને હાલ કતારગામ સુરત ખાતે રહેતાં આશાબહેન ભાસ્કરભાઈ પવાર અન્ય છ કુટુંબીજનો સાથે તારીખ 11 મીએ સાંજે એક ટવેરા કાર નંબર (GJ-05-CE-4168) માં બેસી મહારાષ્ટ્રથી સુરત આવવા માટે નીકળ્યા હતાં. આ ટવેરા કાર મોડી રાત્રી એ 2 કલાકના અરસામાં વ્યારા બારડોલી હાઇવે પર આવેલા ઉવા ગામની નહેર પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે તેના ચાલકે કાર પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી હાઇવેની મધ્યમાં આવેલ ડિવાઇડર સાથે અથડાવી દીધી હતી અને આ બેકાબૂ બનેલી ટવેરા ડિવાઇડર કૂદાવી સામેના રોડ પર જઈ પલટી મારી ગઈ હતી.
આ અકસ્માતમાં બનાવમાં કારમાં બેસેલા સંદીપભાઈ આત્મારામભાઈ પવાર (37) રહે.ડીંડોલી સુરતને ગંભીર ઈજા થતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. એ સાથે જ ફરિયાદી આશાબહેન બી.પવાર, આશાબહેન સોમાભાઈ પવાર, આશાબહેન એસ.પવાર, રંજનબહેન પવાર, પ્રભાકરભાઈ પવાર, સુનિલભાઈ પવાર તમામ રહે.સુરત અને વિમલબહેન યુવરાજ પવાર રહે.ચલથાણને શરીરે વધતા ઓછાં પ્રમાણમાં ઇજા થઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.