તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અદૃશ્ય વિકાસ:વાહ રે, વહીવટ: કાંટી ફ‌ળિયામાં 2 લાખનો સીસીરોડ બન્યો જ નહીં ને પેમેન્ટ ચુકવી દીધું

બારડોલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
કાંટી ફળિયાનો આ માર્ગ હાલ ઉબડ ખાબડ પણ કાગળ પર સીસી રોડ બતાવી દેવાયો. - Divya Bhaskar
કાંટી ફળિયાનો આ માર્ગ હાલ ઉબડ ખાબડ પણ કાગળ પર સીસી રોડ બતાવી દેવાયો.
  • 80 મીટરનો રસ્તો કાગળ પર બનાવી બારડોલી તાલુકા પંચાયતે એજન્સીને રૂપિયા ચુકવી દીધા હોવાની રાવ

બારડોલી તાલુકાના કાંટી ફળીયા ગામે તાલુકા પંચાયતના સ્વભંડોળમાંથી વિકાસના કામ માટે ફાળવેલ ગ્રાન્ટના રૂપિયા સીસી રોડ બનાવ્યા વિના જ એજન્સીને ચૂકવી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે. તાલુકા સંગઠનના રબર સ્ટેમ્પ બની સાશન કરતા પંચાયતના સાશકો જવાબદારો સામે કાર્યવાહી કરશે ખરા? એવા અનેક પ્રશ્નો તાલુકાની જનતામાં ઉઠી રહયા છે.બારડોલી નગરપાલિકાના ભ્રષ્ટાચારની હજી શાહી સુકાઈ નથી, ત્યાં તાલુકા પંચાયતનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. કાંટી ફળીયા ગામે મુખ્ય રસ્તાથી જતા 80 મીટરની લંબાઈના સીસી રોડનું કામ માટે 2 લાખ રૂપિયા ફાળવાયા હતા.

ચોંકાવનારી વાત તો એ છે કે માર્ગના નવીનીકરણની કામગીરી થઈ નથી, અને એજન્સીએ કામ કર્યા વગર રૂપિયા ચૂકવાઈ ગયા હોવાની જાણકારી છે. ત્યારે પેમેન્ટ કયા આધારે અને કોના દબાણ હેઠળ ચુકવણું થયું એ સવાલો ઉઠયા છે. વિકાસના કામો માટે ડેપ્યુટી ઈજનેર કામ પૂર્ણતાનું પ્રમાણ પત્ર (કંપલીશન શર્ટી) આપ્યા બાદ જ રૂપિયાની ચુકવણી કરવામાં આવે છે.

સાથે જ બારડોલી તાલુકા પંચાયતના એસ.ઓ.એ પણ આ કામનું મેઝરમેન્ટનું સ્થળ વિઝીટ કરીને ધ્યાન રાખવાનું બાંધકામ વિભાગના નિયમમા હોય છે. ત્યારે સીધે સીધા એજન્સીને રૂપિયા ચૂકવાયા હોવાની ગંભીર ઘટના બાબતે ઉચ્ચ સ્તરીય તપાસ થાય તો તાલુકાના અન્ય ભ્રષ્ટાચારો પણ સામે આવી શકે એમ છે. આ સિવાય પણ પેવર બ્લોકના કામમાં પણ આવું જ થયું હોવાની પણ ચર્ચા છે, ત્યારે આ પ્રકરણમાં તંત્ર કેવી કાર્યવાહી કરે તે જોવું રહ્યું.

અધિકારીઓની સ્થળ વિઝિટ સામે અનેક સવાલો અને અટકળો
બારડોલી તાલુકા પંચાયતના વિવિધ ગ્રાન્ટમાંથી થતા વિકાસના કામોના રૂપિયા ચુકવણું કરવા પહેલા માજી તાલુકા વિકાસ અધિકારી સ્થળ વિઝીટ કરતા હોવાની માહિતી છે. ત્યારે કાંટી ફળીયા ગામે સીસી રોડ બનવા પહેલા જ રૂપિયા ચૂકવાઈ ગયા હોવાનુ જાણવા મળેલ છે, ત્યારે કોના દબાણ હેઠળ ચૂકવાયા એ ચર્ચાએ પણ તાલુકામાં જોર પકડ્યું છે.

આ બાબતે મને કોઇ જાણકારી નથી
બારડોલી તાલુકાના કાંટી ફળિયામાં સીસી રોડ બન્યાં વગર જ નાણાં ચૂકવાઈ ગયા હોવા બાબતે મને કોઇ માહિતની નથી. - અંકિત હળપતિ, પ્રમુખ, બારડોલી તાલુકા પંચાયત

તપાસ કરીને જે સાચું હશે તે તમને જણાવીશ
સીસી રોડ બનવા પહેલા જ રૂપિયા ચુકવાઈ ગયા હોવા અંગે સવારથી ફોન આવે છે. જે બાબતે મને જાણકારી નથી. જે કંઈ સાચું હશે તમને જણાવીશ. - અંકિત રાઠોડ, એન્જીનીયર, તાલુકા પંચાયત બારડોલી

અન્ય સમાચારો પણ છે...