માંડવી વિસ્તારમાં ધમધમતાં ગોળના કોલામાં કામ કરતાં મજૂરોની સુરક્ષા સલામતી માટે કોલાના માલિકો દ્વારા કોઈ પણ પ્રકારના નક્કર પગલાં ભરવામાં ન આવતાં મજુરોના માથે મોત નું જોખમ તોળાઈ રહ્યું છે.ખેડૂતો નું શોષણ કરતાં ગોળ ના કોલા ના માલિકો દ્વારા મજૂરો પ્રત્યેની લાપરવાહીથી લોકોમાં પણ ભારે નારાજગી વ્યાપી રહી છે. ગોળના કોલામાં કામ કરતાં મજૂરો સાથે ઘણી વખત અકસ્માતના બનાવ બને છે અને જેમાં કેટલાક મજૂરોની જિંદગી પણ જોખમમાં મુકાઈ રહી છે ત્યારે આ અંગે સ્થાનિક કક્ષાએથી પગલાં ભરવામાં આવે એ જરૂરી છે.
માંડવી- કીમ રોડ તથા ઝંખવાવ રોડ ઉપરાંતના આંતરિક વિસ્તારોમાં ઠેર ઠેર ગોળના કોલા બિલાડીના ટોપની માફક ઉભરી રહ્યાં છે. આ કોલાના માલિકો પર્યાવરણના નિયમોને નેવે મુકી પ્રદૂષણ ફેલાવતા હોય છે. આ ગોળના કોલાના માલિકો દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ સહિતના કચરાને ઈંધણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે જેથી તે હવાને પણ પ્રદૂષિત કરે છે.
એક તરફ કોલાના માલિકો દ્વારા ખેડૂતોને શેરડીના ઓછાં ભાવ આપી તેમનું આર્થિક શોષણ કરવામાં આવતું હોવાની બૂમરાણ મચી છે ત્યારે બીજી તરફ કોલા પર ગોળ બનાવવાની ચાલતી પ્રક્રિયા સાથે સંકળાયેલા મજૂરો બિન સુરક્ષિત રીતે કામ કરતાં હોય મજૂરોના માથે મોત ઝઝૂમી રહ્યું છે. ગોળના કોલા પર કામ કરતાં મજૂરો માટે માલિકો દ્વારા સુરક્ષાના કોઈ સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવતાં નથી. આવા કોલા પર ખાસ કરીને શેરડીમાંથી રસ કાઢવાના મશીન નજીક સુરક્ષાનો અભાવ જોવા મળે છે.
તેમજ આગની જ્વાળાઓ પાસે તથા ઉકળતા ગોળની નજીક કામ કરતા મજૂરો જો ગફલત પણ કરે તો મોટી હાની થઈ શકે અથવા મજૂરોને જાન ગુમાવવા ના સંજોગો પણ ઉભા થાય તેમ છે.એ સાથે જ ઘણી વખત મોટર નજીક જ મજુરોના નાના બાળકો પણ રમતા હોવાથી અક્સ્માતની શક્યતા રહેલી હોય છે.
ગોળના કોલાના માલિકોની સુરક્ષા અને સલામતી અંગેની બેદરકારીનો ભોગ નિર્દોષ મજૂરો બની રહ્યાં છે. તાજેતરમાં જ અરેઠ વિસ્તારના કોલા પર કામ કરતો યુવક દાઝી ગયો હતો જે હાલ ગંભીર છે ત્યારે તંત્ર આવી લાપરવાહી પ્રત્યે કડક પગલાં ભરે તે જરૂરી છે. હવે તંત્ર દ્વારા કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવશે કે પછી કોઈ મજૂર જીવ ગુમાવશે પછી તંત્ર જાગશે એ જોવું રહ્યું.
કોલા પર બનેલા અકસ્માતના બનાવો
19 મી ડિસેમ્બરે અરેઠ ગામે રાકેશભાઈ સાલેટના ગોળ ના કોલા પર મજૂર ગોળ બનાવવા માટેના તવામાં પડી જતાં તે ગંભીર રીતે દાઝી ગયો હતો. 5 મી જાન્યુઆરીના રોજ અરેઠ ગામે બળવંતભાઈ નગીનભાઈ વસાના ગોળના કોલા પર કામ કરતાં મજૂર મગુભાઈ વસાવાનો 03 વર્ષીય દીકરો રોહિત રમતાં રમતા ભૂલથી મશીનની નજીક આવી જતાં તેના બંને હાથ મોટરના પટ્ટામાં આવી ગયાં હતાં.
ઘટના મારે ધ્યાને આવી નથી
માંડવીના અરેઠ ગામે બનેલી ઘટના મારા ધ્યાને આવી નથી. કોલામાં કામ કરતા મજૂરોની સુરક્ષા પ્રથમ છે. આ અંગે તપાસ કરવી નોટિસ આપવામાં આવશે. તેમજ બંધ કરવાની જરૂર પડે તો બંધ કરાવીશું. ડૉ.જનમ ઠાકોર (માંડવી પ્રાંત અધિકારી)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.