બાળકની ખોટ પુરવા બીજાનું બાળક ચોર્યું:સુરતમાં નવજાતશિશુનું અપહરણ કરનારી મહિલાને ઝડપી પાડી; ત્રણ વખત મિસકરેજ થતા બાળકનું અપહરણ કર્યાની કબુલાત કરી

બારડોલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરત શહેર ખાતે નવી સિવિલ હોસ્પિટલમાંથી એક દિવસના નવજાત શિશુ બાળકનું અપહરણ કરી ભાગી ગયેલી આરોપી મહિલાને પલસાણા પોલીસે પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પલસાણા જોળવા ગામે આવેલી આરાધના લેકટાઉન સોસાયટીના ગેટ પાસે ઉભેલી મહિલા તેમજ તેની પાસેથી નવજાત શિશુનો કબજો લઈ વાલી વારસદારને સોંપવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

અપહરણ કરનારી મહિલા આરોપીની અટક કરી
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ, ગત 15 તારીખના રોજ સુરત શહેરના ખટોદરા પોલીસ મથકમાં એક ગુનો દાખલ થયો હતો. જે ગુનાના CCTV ફૂટેજ મળી આવ્યાં હતા. જે આધારે પલસાણા પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફને નવજાત શિશુનું અપહરણ કરનાર મહિલા આરોપી અને ભોગ બનનાર નવજાત શિશુ માટેના તપાસની સૂચના અપાઈ હતી. દરમિયાન પલસાણા પોલીસ મથકના PSI સી.એમ. ગઢવી તથા અ.હે.કો. મેરુ રમેશનાઓને બાતમી મળી હતી. કે નવજાત શિશુનું અપહરણ કરનાર મહિલા નવજાત શિશુને સાથે રાખી હાલ જોળવા ગામે આવેલી આરાધના લેક ટાઉન સોસાયટીના ગેટ પર ઉભી છે. જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી અને નવજાત શિશુનું અપહરણ કરનારી અંકિતા સુમિત સરોજની અટક કરી હતી.

વધુ તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું
જેની પાસેથી પોલીસે નવજાત શિશુનો કબજો લીધો હતો. પોલીસ તપાસ દરમિયાન આરોપી અંકિતાને અગાવ ત્રણ વખત મિસકરેજ થયેલું હોવાથી અને તેઓ સંતાનથી વંચિત હોઈ આ પગલું ભર્યું હતુ. ગત 15 તારીખના રોજ અંકિતા પોતાના પગમાં દુઃખાવો થયો હોવાથી સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર કરાવા ગઈ હતી. તે સમયે ફરતા ફરતા નવજાત જન્મેલા બાળકોના વોર્ડમાં જઈ નવજાત શિશુનું અપહરણ કર્યાની કબૂલાત કરી હતી. પલસાણા પોલીસે આરોપી મહિલાની અટક કરી નવજાત શિશુનો કબજો લઈ નવજાત શિશુના વાલીવારસદારને સોંપવા માટે વધુ તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...