ફુલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે, સાથે સાથે શાક માર્કેટમાં લીલા શાકભાજીની પણ આવક વધી ગઈ છે. જોકે, આ વખતે દિવાળી બાદ શાકભાજીની આવકમાં વધારો નોંધાયો છે. જેથી શાકભાજીના ભાવમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે. બારડોલી માર્કેટમાં આજુબાજુના ગામડામાંથી શાકભાજીની આવક વધી હોવાનું વેપારી જણાવી રહ્યાં છે. ભાવ ઘટવાને કારણે ગૃહિણીને રાહત થઈ છે.
ચોમાસાની સિઝનમાં સારા વરસાદને કારણે શાકભાજીની વાવણી સારી થઈ છે. હાલ શિયાળાની શરૂઆત થતાની શાકભાજીનો ઉતાર વધી ગયો છે. જેથી સ્થાનિક બજારમાં શાકભાજીની આવકમાં વધારો નોધાયો છે. વરસાદને કારણે શિયાળુ શાકભાજી દિવાળી પછી શરૂ થાય છે. બારડોલી શાકભાજી માર્કેટમાં બારડોલીના આજુબાજુના ગામડાઓના ખેતર તેમજ વાડામાં તૈયાર થયેલ શાકભાજી માર્કેટમાં વધુ આવી રહ્યો છે. જ્યારે મહારાષ્ટ્ર અને એમપીમાંથી જથ્થો દર વર્ષે આવે એટલા પ્રમાણમાં હાલ આવતો નથી. માર્કેટમા શાકભાજીનો પૂરતો જથ્થો આવતા શાકભાજીના ભાવમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે. જે ઘટાડને કારણે ગૃહિણી ખુશી છે. હાલ સ્થાનિક ખેડૂતો દ્વારા શાકભાજી વેચવામાં આવતાં લોકો તાજા શાકભાજીની મઝા માણી રહ્યાં છે.
શાકભાજીના ભાવ આવનારા બે મહિના સુધી ઓછા રહેશે
બારડોલીની માર્કેટમાં સ્થાનિક ખેડૂતો દ્વારા શાકભાજી ઠાલવવામાં આવતાં માર્કેટમાં પૂરતો જથ્થો આવી રહ્યો છે. જેથી ભાવમાં 50 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. તેમજ સ્થાનિક લેવલેથી આવતો હોવાથી ટ્રાન્સપોર્ટેશન, હમાલીનો ખર્ચે ઓછો થાય છે. જેથી ખેડૂતોને પરવડે તેવો ભાવ મળી રહ્યો છે અને લોકોને સસ્તા ભાવે તાજુ શાકભાજી મળી રહ્યું છે. શાકભાજીના ભાવ આવનારા બે મહિના સુધી ઓછા રહેશે. જો કોઈ કુદરતી આફત ન આવે તો. > અતુલભાઈ પટેલ, શાકભાજી વેપારી
ટુંકમાં અન્ય રાજ્યોમાંથી આવક શરૂ થશે
સુરત સહિત આજુબાજુના જિલ્લામાંથી શાકભાજીની આવકમાં વધારો નોંધાઈ રહ્યો છે. જોકે, હજુ મહારાષ્ટ્ર, એમપી અને પાટણથી શાકભાજીનો પૂરતો જથ્થો નથી આવી રહ્યો છે. જે થોડા દિવસમાં શરૂ થઈ જશે. > પ્રતિક પટેલ, એપીએમસી સુરત, વેપારી
કાંદાના ભાવ હજી ઓછા થયા નથી
શાકભાજીની આવકમાં વધારો નોંધાયો છે. જોકે, કાંદાના ભાવ ઓછા થયા નથી. નવા કાંદા આવવાની હજુ વાર છે. જેના કારણે કાંદાના ભાવ વધુ છે. આવનારા દિવસોમાં નવા કાંદા નીકશે ત્યારબાદ કાંદાના ભાવ ઓછા થશે. > રમેશ પટેલ, શાકભાજી હોલસેલર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.