ચલથાણના યુવકની પરણિત બહેનને તેનો જ પરણિત મિત્ર હેરાન કરતો હોય, જેથી યુવાને પોતાના મિત્રએ ફોન કરીને સમજાવટ માટે બોલાવ્યો હતો. જેથી મિત્ર આવીને યુવાન સાથે બોલાચાલી કરી ઝગડો કર્યો હતો, નજીક રહેતા મિત્રના 4 સબંધીઓ આવી, એકબીજાની મદદગારી કરીને, મિત્રએ જ યુવાનને છાતીના ભાગે બે ચપ્પુના જીવલેણ ઘા મારી લોહીલુહાણ કરી હત્યા કરી હતી. જ્યારે યુવકને ઝગડામાં છોડાવવા આવેલા અન્ય બે યુવકને પણ ઇજા કરી, બાદમાં 5 જણા ભાગી ગયા હતા. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, રાત્રે બનેલી ખૂની હુમલાની ઘટનાને પગલે પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. મિત્રને સમજાવવામાં યુવકે જીવ ખોવો પડ્યો છે.
મિત્રએ જ યુવાનને બે ચપ્પુના ઘા મારી હત્યા કરી
મૂળ મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના અને હાલ પલસાણા તાલુકાના ચલથાણ ગામે જલારામ નગરમાં દિપકભાઈની રૂમમાં રહેતા જગદીશ ધર્માભાઈ રાઠોડ (21) પોતાના પરિવારમાં પિતા ધર્માંભાઈ આંનદા રાઠોડ તેમજ માતા સંધ્યા તેમજ નાનો ભાઈ કૃષ્ણ અને ત્રણ બહેન જ્યોતિ, રવીના, અને ડાલી સાથે રહેતો હતો. કડોદરામાં આવેલ અનુસંતોષ મિલમાં ઝાડુ પોતુ મારીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જગદીશની મોટી બહેન જ્યોતિના લગ્ન બાદ સાસરીએથી આવી તેના બાળકો સાથે પિયરમાં જ રહેતી હતી.
તું મારો મિત્ર રહ્યો હોવા છતાં મિત્રતામાં ગદ્દારી કરી
છેલ્લા કેટલાક દિવસોથી જ્યોતિને જગદીશનો મિત્ર કિરણ જાદવ હેરાન કરતો હતો, જે વાત ભાઈને જણાવી હતી. જેથી 15મી માર્ચના રોજ મોડી રાતે 10:30 વાગ્યાના સમયે જગદીશ રાઠોડે, તાંતીથૈયા ગોકુલધામ સોસાયટીમાં રહેતા તેના મિત્ર કિરણ જાધવને ફોન કરી કહ્યું હતુ કે "તું મારો મિત્ર રહ્યો હોવા છતાં મિત્રતામાં ગદ્દારી કરી, મારી બેન જ્યોતિને કેમ હેરાન કરે છે, તું અહીં આવ સમજાવટથી વાત કરી લઈશુ " તેમ કહી કિરણને ચલથાણ જલારામ નગરમાં પોતાના ઘર નજીક સમજાવટ માટે બોલાવ્યો હતો.
ઝગડામાં છોડાવવા આવેલા અન્ય બે યુવકને ઇજા
થોડીવારમાં જ મોટરસાઇકલ લઈ કિરણ અને તેનો મિત્ર બળવંત સાથે આવ્યા હતા. કિરણ જાધવ સીધો મોટરસાઇકલ લઈ જગદીશના ઘર નજીક આવ્યો અને જોર જોરથી અને જોર જોરથી નાલાયક ગાળો આપી, જગદીશ સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો. જગદીશના ઘર નજીક જ રહેતા કિરણ જાધવના કાકા અમોલ ઉખાભાઈ જાધવ તેમજ કિરણના પિતા રમેશ જાધવ તેમજ કિરણનો સાળો મુકેશ રાઠોડ અને કિરણના સસરા જગનનાથ ઉર્ફે જગદીશ ઘનસિંગ રાઠોડ ઝગડાનો અવાજ સાંભળી દોડી આવી હતા, અને તમામ એક સંપ થઈ જગદીશને ઢીકમુક્કાનો માર માર્યો હતો.
તમામ 5 ઈસમો જગદીશને મારતા રહ્યા
ઝગડામાં જગદીશને છોડાવવા આવેલા તેના બનેવી ગોપીચંદ ચૌહાણને મુકેશ રાઠોડ અને એના પિતા જગન્નાથએ પકડી રાખ્યો હતો, જ્યારે કિરણ જાધવે તેની પાસે રહેલો ચપ્પુનો ઘા મારવા જતા, ગોપીચંદને ડાબા હાથે વાગ્યો હતો અને ગોપીચંદ જમીન પડ્યો હતો. બીજી તરફ કિરણના કાકા અમોલ જાધવ અને પિતા રમેશ જાધવ બંને મળીને જગદીશ રાઠોડના બન્ને હાથ પકડી રાખતા, કિરણે ઉશ્કેરાય આવીને જગદીશના છાંતીના ભાગે ઉપરાછાપરી બે જીવલેણ ઘા ઝીંકી દીધા દેતા, લોહીલુહાણ હાલતમાં જમીન પર પડ્યો હતો. ત્યાં તમામ 5 ઈસમો જગદીશને મારતા રહ્યા હતા.
ઉપરાછાપરી બે જીવલેણ ઘા ઝીંકી દીધા
જે જોઈ નજીક ઉભેલો જગદીશનો મિત્ર જીતેન્દ્ર રાજપૂત છોડાવવા જતાં કિરણે તેને પણ પીઠના ભાગે તેમજ હાથના ભાગે ચપ્પુના ઘા માર્યા હતા. ઝગડામાં બુમાબુમ થઈ જતા જગદીશની માતા પિતા અને ત્રણેય બહેનો દોડી આવતા પાંચેય આરોપીઓ ફરાર થઇ ગયા હતા. જ્યારે લોહીલુહાણ હાલતમાં જગદીશ તેમજ તેના બનેવી ગોપીચંદ અમે તેના મિત્ર જીતેન્દ્રને રિક્ષામાં નાખી સંજીવની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે જગદીશ ધર્મા રાઠોડને મૃત જાહેર કર્યો હતો.
કડોદરા પોલીસને જાણ થતા કાફલો હોસ્પિટલમાં દોડી આવ્યો
જ્યારે જીતેન્દ્ર રાજપૂતને પીઠના ભાગે અને હાથના ભાગે 30 થી વધુ ટાંકા લેવામાં આવ્યા હતા. અને ગોપીચંદને પણ ડાબા હાથે ટાંકા લેવામાં આવ્યા હતા. ઘટનાની જાણ કડોદરા પોલીસને જાણ થતા કાફલો હોસ્પિટલમાં દોડી આવી ગોપીચંદ પાસે પોલીસ ફરિયાદ લઈ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ગુરુવારના રોજ મુખ્ય આરોપી કિરણ જાધવના સસરા જગન્નાથ જાધવ અને સાળો મુકેશ જાધવની ધડપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અન્ય 3 ભાગી ગયા હતા.
હત્યારો કિરણ અગાઉ સગા ભાઈને મારવા પણ ચપ્પુ લઈ દોડ્યો હતો
કિરણ જાધવ ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલો છે, જે પોતાની પાસે ચપ્પુ રાખતો હતો. અગાઉ કિરણે તેના સગા ભાઈ અવિનાશ પર પ્રેમ પ્રકરણને લઈ ઝગડો કર્યો હતો, અને સગા ભાઈ અવિનાશ પાછળ ચપ્પુ લઈને મારવા દોડ્યો હતો. જોકે આસપાસના લોકોએ છોડાવતા અવિનાશ બચ્યો હતો. કિરણ પહેલાથી જ જનુની સ્વભાવ ધરાવતો હતો.
અમે કરગરતા રહ્યા પણ તે ન અટક્યા
ઝગડાનો અવાજ સાંભળી, હું અને મારા પતિ અને મારી ત્રણેય દીકરી ઘરની બહાર દોડી આવ્યા હતા. મારો દીકરો જગદીશ જમીન પર લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. છતાં પણ આ લોકો તેને લાત મારતા રહ્યા હતા. હું તેમને હાથ જોડી છોડાવવા માટે વિનંતી કરતી હતી, છતાં સંભાળતા ન હતા, આખર આસપાસના લોકો દોડી આવતા, તમામ ભાગી છૂટ્યા હતા. સંધ્યા ધર્માભાઈ રાઠોડ, મૃતક જગદીશની માતા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.