ગણેશ વિસર્જનમાં મારામારી:બારડોલીમાં વિસર્જન યાત્રા દરમિયાન મારામારીનો વીડિયો વાયરલ થયો; ઘટનામાં એક યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી

બારડોલી18 દિવસ પહેલા

બારડોલીમાં ગણેશ વિસર્જનના દિવસે વિસર્જન યાત્રામાં એક મારામારીનો વીડિયો સામે આવ્યો છે. રેલવે સ્ટેશન ત્રણ રસ્તા નજીક 2 મંડળો વચ્ચે કોઈ કારણસર થયેલ મારામારીમાં એક કિસ્સામાં યુવાનનું માથું ફૂટ્યું હતું. જોકે તાત્કાલિક પોલીસ સ્થળ પર પહોંચી હતી. અને મામલો થાળે પાડ્યો હતો.

બારડોલીમાં ગત શુક્રવારના રોજ બપોરના સમયે શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન યાત્રાની શરૂઆત થઈ હતી. રેલવે સ્ટેશન ત્રણ રસ્તા નજીકથી વિસર્જન યાત્રામાં પોતપોતાનો ક્રમ મેળવીને અનેક ગણેશ મંડળો યાત્રામાં જોડાયા હતા. તે દરમિયાન બપોરના સમયે બે ગણેશ મંડળના કેટલાક યુવાનો વચ્ચે માથાકૂટ શરૂ થઈ હતી. પ્રથમ શાબ્દિક બોલાચાલી બાદ મારામારીના દ્રશ્યો પણ સર્જાયા હતા. અને તે મારામારીનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. જોકે આ મારામારીની ઘટનામાં એક યુવકનું માથું પણ ફૂટ્યું હોવાનું અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. શેના માટે આ બબાલ શરૂ થઈ એ મામલે હાલ કોઈ માહિતી પ્રાપ્ત થવા પામી નથી. તો બીજી તરફ પોલીસે વીડિયોને આધારે ઇજાગ્રસ્ત યુવકની પૂછપરછ કર્યા બાદ વધુ તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...