પરિસંવાદ:વલ્લભભાઈને ‘સરદાર’નું બિરૂદ અકોટીના ભીખીબેને આપ્યું હતું

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આઝાદીની લડાઈમાં સુરત જિલ્લાનું યોગદાન વિષય પર બારડોલીમાં સંવાદ યોજાયો

‘આઝાદીનો અમૃત્ત મહોત્સવ એ આઝાદી ઝંખતા અનેક નામી-અનામી લડવૈયાઓએ ઉછેરેલો આંબો છે, જેની મીઠી કેરીઓ આપણે ખાઈ રહ્યા છીએ. આપણાં પૂર્વજોએ સીંચેલા આઝાદીરૂપી આંબાને જતન કરી કઠોર સંઘર્ષ બાદ મળેલી મહામૂલી આઝાદીના વારસાનું જતન કરવાની આપણી નૈતિક ફરજ છે’ એમ જાણીતા ચિંતક, લેખક, શિક્ષણકાર ડો.ભદ્રાયુ વછરાજાનીએ ગુજરાત પ્રેસ અકાદમી અને પ્રાદેશિક માહિતી કચેરી, સુરતના સંયુક્ત ઉપક્રમે બારડોલી ખાતે આયોજિત ‘સુરત જિલ્લાનું આઝાદીની લડતમાં યોગદાન’ વિષયક પરિસંવાદમાં જણાવ્યું હતું.

બારડોલીના ગોવિંદાશ્રમ હોલ ખાતે આયોજિત પરિસંવાદમાં ડો. વછરાજાનીએ સુરત જિલ્લાને ગાંધીજી અને સરદાર પટેલના જીવનકવનમાંથી બાદ કરી શકાય એમ નથી એમ સ્પષ્ટપણે જણાવતાં વછરાજાનીએ ઉમેર્યું હતું કે, બારડોલી તાલુકાના અકોટી ગામના ભીખીબેન પટેલે વલ્લભભાઈને સરદાર તરીકે સંબોધીને સરદારનું બિરુદ આપ્યું હતું, જેની ખુશી ગાંધીજીએ નવજીવનના અંકમાં લેખ લખીને વ્યક્ત કરી હતી. ભારતના સ્વતંત્રતા માટેના સંગ્રામમાં સુરતનું પ્રદાન યશસ્વી રહ્યું હતું. દાંડીયાત્રાની ચિનગારીએ સમગ્ર દેશમાં સ્વદેશીની ભાવનાનો સંચાર કર્યો હતો.

તો સરદાર પટેલે બારડોલી સત્યાગ્રહથી અંગ્રેજોને ઝુકાવ્યા ઉપરાંત દેશને એક કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું. ડો.વછરાજાનીએ વધુમાં કહ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલે સ્વખર્ચે બારડોલી સ્વરાજ આશ્રમની જમીન ખરીદી હતી. જેથી સત્યાગ્રહી, આઝાદીની લડત દરમિયાન અને આઝાદી બાદ સૈનિકો રહી શકે. 1942ના હિન્દ છોડો આંદોલન સમયે અંગ્રેજ સરકાર દ્વારા બારડોલી સ્વરાજ આશ્રમની જપ્તી થવાની હતી. એ પહેલાં ઉત્તમચંદ શાહે તમામ ગોપનીય દસ્તાવેજો છૂપાવી દીધા હતા. ઉત્તમચંદ શાહ એ બારડોલી સ્વરાજ આશ્રમના ટ્રસ્ટી નિરંજનાબેન કલાર્થીના પિતા હતા.

નિરંજનાબેન કલાર્થીએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં કહ્યું કે, બારમી સદીમાં બદરીપલ્લી તરીકે ઓળખાતું બારડોલી નગર સરદાર પટેલની કર્મભૂમિ પણ છે. બારડોલીની ધરતી બોલી શકતી હોત તો કણ-કણમાંથી આઝાદીના સંઘર્ષની ગાથા સાંભળી શકાત. બારડોલીના સત્યાગ્રહે સાબિત કર્યું કે આત્મવિશ્વાસ આઝાદી પણ અપાવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...