બે દિવસની માસૂમ બાળકીને તરછોડી:પલસાણાનાં ઇટરવા નજીક ફૂટપાથ પરથી બે દિવસની નવજાત બાળકી મળી; શરીર પર કીડીઓ હોવાથી હોસ્પિટલ ખસેડાઇ

બારડોલી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસની રડતી દીકરીને ચૂપ કરાવવા હોસ્પિટલમાં હાજર અન્ય ધાત્રી માતાએ દીકરીને સ્તનપાન કરાવ્યું

પલસાણાનાં ઇટરવા નજીક ફૂટપાથ પરથી વહેલી સવારે 2 દિવસની બાળકી મળી આવી હતી. પલસાણા પોલીસ પેટ્રોલિંગમાં હતી દરમિયાન PCR વાનનાં ASIએ બાળકીને જોઈ હતી. ક્રૂર જનેતાએ ત્યજી દીધેલી બાળકી પર કીડીઓ ચોંટી હતી. ASI તાત્કાલિક બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા. અને માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

પેટ્રોંલિંગ દરમિયાન ફૂટપાથ પરથી મળી આવી
દીકરો અને દિકરીમાં આજે કોઈ ભેદભાવ રહ્યો નથી છતાં સમાજમાં અમુક વર્ગ એવો પણ છે કે જેઓનાં ઘરે દીકરી જન્મે તો તેને ધિક્કારી ત્યજી દેવામાં આવે છે. આવો એવ ક્રૂર માતાનો કિસ્સો પલસાણા તાલુકામાં સામે આવ્યો હતો. પલસાણા પોલીસની પી.સી.આર વાન આજે વહેલી સવારે 7 વાગ્યે પેટ્રોલિંગમાં નીકળી હતી. દરમિયાન ઇટરવા કિંગકોર્નર હોટલ નજીક એક લારી ચલાવતા ઈસમે પી.સી.આર રોકી ફૂટપાથ પર નાની બાળકી કોઈ મૂકી ગયું હોવાનું જણાવ્યું હતું. PCR પર ASI તરીકે ફરજ બજાવતા ભરતસિંહ બાજીરાવે તાત્કાલીક બાળકીને ફૂટપાથ પરથી ઉઠાવી હતી. અને જોયું તો બાળકી પર કીડીઓ ચોંટી હતી. બે દિવસની બાળકી પરથી કીડીઓ હટાવી પી.સી.આરમાં પલસાણા સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ બાળકીને સુરતની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી..

બે દિવસની રડતી દીકરીને ચૂપ કરાવવા હોસ્પિટલમાં હાજર અન્ય ધાત્રી માતાએ દીકરીને સ્તનપાન કરાવ્યું : ભરતસિંહ, ASI
આ ઘટના બાબતે એ.અસ્.આઈ ભરતસિંહ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે ફૂટપાથ પર ક્રૂરમાતાએ ત્યજી દીધેલી બે દિવસની બાળકીને જોઈ હું થોડા સમય માટે સ્તબ્ધ થઈ ગયો હતો. બાદમાં બાળકી પર કીડીઓ ચોટેલી જોઈ મારા ખિસ્સામાં રૂમાલ કાઢી બાળકી પરથી કીડીઓ હટાવી રૂમાલની જોળી બનાવી હું તરત હોસ્પિટલ દોડ્યો હતો. રડતી અને ભૂખી બાળકીને ચૂપ કરાવવા હોસ્પિટલમાં હાજર એક ધાત્રી માતાને બાળકીને સ્તનપાન કરાવવા કહ્યું હતું. અને ધાત્રી માતાએ દીકરીને પોતાના બાળકની જેમ સ્તનપાન કરાવ્યું હતું. પોલીસે માતાનો ખૂબ આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...