આર્થિક સંકડામણના કારણે વ્યાજખોર ઈસમોની ચુંગાલમાં ફસી જતા લોકોને ડરાવી ધમકાવી હદ ઉપરાંતનુ વ્યાજ વસૂલતા તાજેતરમાં પોલીસ વિભાગ દ્વારા વ્યાજંકવાદીઓ સામે કડક પગલાં ભરવાની જાહેરાત કરવામાં આવી છે. ગત બે દિવસ દરમિયાન બારડોલીમાં બે ગુનાઓ નોંધાતા બે પુરુષ અને એક મહિલા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેને પગલે બારડોલીમાં બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળેલા વગર લાઈસન્સે તગડું વ્યાજ વસૂલતા વ્યાજખોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
બારડોલી તાલુકાના નવી કિકવાડ ગામે રહેતા જીતેન્દ્ર ઇશ્વરભાઈ કટારીયાએ વેપાર માટે 2015ના વર્ષમાં બારડોલીની સુવિધા કો.ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીમાંથી રૂપિયા એક લાખની લોન લીધી હતી. છ મહિના સુધી નિયમિત હપ્તા ભર્યા બાદ તેના માતા પિતાની તબિયત ખરાબ થતા લોનના હપ્તાની રકમ દવાખાનાના ખર્ચ અને અન્ય ખર્ચાઓ વધી જતા ભરાઈ શકી નહોતી. લોનના વ્યાજ સાથેની રકમ 1.25 લાખ જેટલી થઈ જતા તેણે બારડોલીમાં રહેતા તેના મિત્ર ધનસુખ શાહને વાત કરી હતી. ધનસુખ શાહે તેના મિત્ર જેનીશ શાહ પાસેથી વ્યાજે રૂપિયા આપવાની વાતો કરતા એક વર્ષ પહેલા જીતેન્દ્રને બારડોલીના શાસ્ત્રી રોડ ઉપર આવેલ મનીષ પાન સેન્ટર ઉપર બોલાવી 10%ના વ્યાજે પૈસા આપવાનું કહી જીતેન્દ્ર અને તેના માતા પિતાના બચત ખાતાના કોરા ચેક લઈ સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરી નોટરી સહી કરાવી હતી.
સુવિધા સોસાયટીમાં લોન ચૂકતે કર્યા બાદ અચાનક જેનીશે ધાકધમકી આપી રૂપિયાની માંગણી કરી હતી. ત્યારબાદ જેનીશે જીતેન્દ્રના નામે મોબાઈલ ખરીદી બેંકના માસિક હપ્તા કરાવ્યા હતા. જેનીશે નવસારીના જ્વેલર્સ શોપમાંથી તેની બહેન માટે 1.60 લાખ રૂપિયાના સોનાના દાગીનાની ખરીદી કરી હતી. જેના 70 હજાર રૂપિયા જીતેન્દ્રએ ચૂકવ્યા હતા અને બાકીના 90,000 માટે સિક્યુરિટી પેટે સહી કરેલા કોરા ચેક આપ્યા હતા. જીતેન્દ્રની મજબૂરીનો ફાયદો લઈ ઊંચા વ્યાજની વસુલાત કરતા જેનીશે જીતેન્દ્રની ના અને તેના માતા-પિતાના કોરા ચેકો બેંકમાં નાખી બાઉન્સ કરાવી બળજબરી પૂર્વક કરાર કરાવડાવી અને ધાકધમકી આપી હેરાન પરેશાન કરતા છેવટે જીતેન્દ્ર કટારીયાએ બારડોલી પોલીસ મથકે ધનસુખ શાહ અને જેનીશ શાહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
બારડોલી પોલીસ મથકે નોંધાયેલા મની લોન્ડરિંગના અન્ય એક ગુનાની વિગત મુજબ બારડોલીના બાબેન ખાતે ગોપાલ નગરમાં રહેતા ફાતેમા મિથુન જગદીશભાઈ શાહ એ જણાવ્યું હતું કે, પોતાનો પતિ રીક્ષા ફેરવી ઘરનું ગુજરાન ચલાવે છે. પણ અગમ્ય સંજોગમાં તે આર્થિક ભીશમાં આવી જતા મેં બાબેનના વંદના નગરમાં રહેતી પુષ્પા લક્ષ્મણ ગીરાસે નામની મહિલા પાસેથી 10% ના વ્યાજે રૂપિયા 30,000 ઉછીના લીધા હતા. રોજના 160 રૂપિયાના હપ્તા બાંધી બે કોરા ચેક લીધા હતા.
ચાર મહિના સુધી દૈનિક હપ્તા પેટે રૂપિયા 19200 ચૂક્યા બાદ વધુ પૈસા ન ચૂકવાતા પુષ્પાબેન ગીરાસે તેઓના ઘરે આવી ગાાગાળી કરી ધમકીઓ આપતા હતા. અઢી મહિના પહેલા 73 હજાર રૂપિયા આપવાના બાકી મુજબનું સ્ટેમ્પ પેપર લખાણ કરી કડક ઉઘરાણીઓ કરતા છેવટે બારડોલી પોલીસ મથકે ઉપરોક્ત બંને ગુનામાં ગુજરાત નાણા ધિરધાર કરનાર અધિનિયમ હેઠળ ગુનાઓ દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળે છે. બારડોલીમાં મજબૂરીનો ફાયદો ઉઠાવી તગડું વ્યાજ વસુલતા વ્યાજંકવાદીઓમાં વાતો ફેલાતા ગભરાટ નું વાતાવરણ જણાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.