ઉમરપાડા તાલુકા મથકે આવેલું પોલીસ સ્ટેશન કલાકો સુધી બેસવાનું મન થાય એવું સ્વચ્છ, સુઘડ અને ઈકોફ્રેન્ડલી છે. આ પોલીસ સ્ટેશન અન્ય કરતાં એટલા માટે અલગ છે, કારણ કે અહીં કાર્યરત તમામ પોલીસ જવાનો, અધિકારીઓ પર્યાવરણપ્રેમી છે. અહીં ફરજ બજાવતાં સ્વચ્છતા અને પ્રકૃત્તિપ્રેમી પી.એસ.આઈ. કે.ડી.ભરવાડે પોલીસ અને પર્યાવરણનો સુમેળ રચ્યો છે. તેમની આગેવાનીમાં પ્રકૃત્તિપ્રેમી પોલીસ સ્ટાફે સહિયારી માવજતથી ગ્રીન અને ક્લીન પોલીસ સ્ટેશન બનાવ્યું છે.
ઉમરપાડા પોલીસ સ્ટેશન માત્ર ન્યાય મેળવવાનું કેન્દ્રસ્થાન ન રહેતા રેઈન વોટર હાર્વેસ્ટિંગ, પર્યાવરણ સંરક્ષણ, પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહન, વર્મી કમ્પોસ્ટ, મેડીટેશન, કિચન ગાર્ડનિંગ માટેનું પણ જીવંત અને પ્રેરણાદાયી ઉદાહરણ બન્યું છે. આ પોલીસ સ્ટેશનમાં પાણી અને પાંદડાને વેસ્ટ બનતા અટકાવવામાં આવે છે. જેમાં વેસ્ટ વોટરને જમીનમાં ઉતારવામાં આવે છે, જ્યારે મઘા નક્ષત્રમાં થતાં વરસાદનું પાણી ગુણકારી હોવાથી આ પાણીનો સંગ્રહ કરવા માટે બનાવાયેલા અંડરગ્રાઉન્ડ સંપમાં 40 હજાર લિટર પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. જે બારેમાસ પીવાનું શુદ્ધ પાણી પૂરૂ પાડે છે.
ઉપરાંત, વૃક્ષોના ખરી ગયેલા પાન, સુકા કચરાને ગાયના ગોબર સાથે મિક્ષ કરી વર્મી કમ્પોસ્ટ ખાતરમાં રૂપાંતરિત કરવા પોલીસ સ્ટેશનમાં જ વર્મી કમ્પોસ્ટ બેડ બનાવવામાં આવ્યો છે.
વેસ્ટ વસ્તુઓનો બેસ્ટ ઉપયોગ કરી નિર્માણ કર્યું અદભૂત સોંદર્ય
વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા વેસ્ટ મટિરિયલનો ઉપયોગ પોલીસ સ્ટેશનને ખૂબસુરત બનાવવા માટે ક્રિએટીવ રીતે કરવામાં આવ્યો છે. નકામા ટાયરોમાંથી કુંડા, પ્લાસ્ટિક બોટલોમાંથી વૃક્ષો માટે દેશી ટપક સિંચાઈ પદ્ધતિ, આર.ઓ. વોટર દીવાલો વારલી પેઇન્ટિંગથી સુશોભિત કરવામાં આવી છે. સાથોસાથ, અહીં ભગવાન શિવની મૂર્તિ અને તેના પર થતી જલધારા તાલુકાવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.
રવિવારે પોલીસ સ્ટેશન નિહાળવા અનેક લોકો આવે
પક્ષીઓ માટે વેસ્ટ મટિરીયલમાંથી 100 થી વધુ માળાઓ બનાવી તમામ વૃક્ષો પર મૂક્યા છે. સાંજે 6 વાગ્યા બાદ ઓછામાં ઓછા 1000 જેટલા પક્ષીઓ પોલીસ સ્ટેશનના વૃક્ષો અને માળામાં બેસવા આવે છે, પક્ષીઓના કલરવથી સમગ્ર માહોલ ખુશનુમા અને ઉર્જાસભર બની જાય છે. રવિવારે માત્ર આ પોલીસ સ્ટેશન નિહાળવા અનેક લોકો આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.