બારડોલી નગરના ગાંધી રોડ પર આવેલા રાજપૂત નગરમાં રહેતો પરિવાર લગ્નમાં ગયો હતો. તસ્કરોએ ધોળે દિવસે બંધ ઘરને નિશાન બનાવી રોકડ રકમ તેમજ સોના ચાંદીના ઘરેણાની ચોરીને અંજામ આપ્યો હતો. જાણે બારડોલી પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હોય એમ લાગી રહ્યું છે. નગરમાં સમયાંતરે ચોરીના બનાવો બનતા જ રહ્યા છે. ત્યારે તસ્કરોમાં પોલીસનો કોઈ ખોફ જ રહ્યો ન હોય એમ નગરના ગાંધી રોડ પર રહેણાંક વિસ્તારમાં ચોરીને અંજામ આપતા પોલીસ પેટ્રોલીંગની કામગીરી સામે સવાલ ઊભા થયા છે.
ધોળે દિવસે દરવાજાના તાળા તૂટયા
બારડોલી નગરમાં તસ્કર રાજ હોય એમ છાશને વારે ઘરફોડ, ચીલચડપ, ચેઇન તેમજ મોબાઈલ સ્નેચિગ, વાહન ચોરી, લૂંટ જેવી ઘટનાઓ બની રહી છે. આવા ગુનાઓને રોકવામાં બારડોલી પોલીસ સતત નિષ્ફળ રહી છે. તાજેતરમાં જ ગુરુવારના રોજ ધોળે દિવસે ચોરીને અંજામ આપ્યો છે. જેમાં બારડોલી નગરના ગાંધીરોડ પર આવેલ રાજપૂતનગર સોસાયટીમાં રહેતા અનાજ કરિયાણાના વેપારી ઈશ્વરસિંહ પરમાર પોતાની કરિયાણાની દુકાને હતા અને પરિવાર સુરત લગ્નમાં ગયો હતો. ત્યારે અજાણ્યા તસ્કરો ઘરના મુખ્ય દરવાજાનો લોક તોડી ઘરમાં ઘુસ્યા હતા.
ઘરના કબાટમાં રાખેલ સામાન વેર વિખેર કરી રોકડ રકમ તેમજ ઘરેણાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બારડોલી નગરમાં હવે પોલીસની નિષ્ક્રિયતાને લીધે ધોળે દિવસે પણ ચોરીના બનાવો બની રહ્યા છે. ત્યારે પોલીસના પેટ્રોલીંગ સામે સવાલ ઊભા થયા છે સાથેજ ધોળે દિવસે પણ નગરજનોની સલામતી ન હોવાથી નગરજનોમાં ભય ફેલાયો છે.
તસ્કરોએ પહેલા ઘરની રેકી કરી
રાજપૂત નગરમાં ચોરી કરવા આવેલા બે તસ્કરો પહેલા ઘરની રેકી કરી હતી. આજુબાજુના ઘરને જોયા હતાં. ત્યારબાદ ફરી તસ્કરો આવ્યા હતા. ઘરનો પાર્કિંગનો દરવાજો ખોલી મુખ્ય દરવાજાના લોક તોડવા મથામણ કરે છે. લોક તૂટતા દરવાજો ખોલતાં ઘરમાં ઘૂસીને પહેલા જાળીયા બંધ કરે છે. ત્યારબાદ અંદર માલમત્તાની ચોરી કરી એક તસ્કર લાલ કલરનો પાણીનો બાટલો લઈને આવે છે આજુબાજુ જોઈ કોઈ જતું નથી ને જોઈ અંદરથી તેના સાથીદારને બોલાવી બંને બારણું અને જાળિયા બંધ કરીને જતા રહે છે.
પરિવારના જણાવ્યા મુજબ 5 લાખ રોકડ,19 તોલા સોનું ચોરાયું
બારડોલી નગરના ગાંધી રોડ પર રાજપુતનગરમાં થયેલી ચોરીમાં ભોગ બનનાર પરિવારના જણાવ્યા મુજબ બપોરના સમયે બંધ ઘરમાં ત્રાટકેલા તસ્કરો ઘરમાથી 5,37 લાખ રોકડ તેમજ 19.5 તોલા સોનાના ઘરેણા,આઈ ફોન તેમજ ઘડિયાળ મળી લાખો રૂપિયાની ચોરી થઈ છે જયારે બારડોલી પોલીસના જણાવ્યા મુજબ 25 હજાર રોકડ 1સોનાનું મંગળસૂત્ર,1લુઝ,વિટી અને ઘડિયાળની ચોરી થઇ હોવાનું નોંધાયું છે
ઘરને 3 વાર નિશાન બનાવ્યુ
રાજપૂત નગરમાં ઈશ્વરસિંહ પરમારને ત્યાં ચોરી થઈ હતી તે ઘરને તસ્કરોએ અગાઉ ત્રણ વાર નિશાન બનાવ્યું છે. અગાઉ તેમની બાલ્કનીમાંથી તસ્કર ચઢી રહ્યો હતો ત્યારે પડોશી જાગી બુમાબુમ કરતા તસ્કર ભાગ્યો હતો. આ ઘટનાને અઠવાડિયામાં ચોરી થઈ હતી. ત્યારબાદ તેમના પર્કિંગમાં મુકેલી મોંઘી સાઇકલની ચોરી થઈ હતી તે સાયકલ ચોર મળી આવતા પોલીસને હવાલે કર્યો હતો.
CCTVમાં તસ્કરના ચહેરા સ્પષ્ટ દેખાયા
તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. જેમાં બને ચહેરા સ્પષ્ટ નજરે પડી રહ્યાં છે. જેના કારણે પોલીસને તસ્કરોને શોધવામાં સરળતા રહેશે. પોલીસ બંનેને જલદી ઝડપી પાડે એવી ભોગબનનાર પરિવારની માગ છે.
કો.ઓ.સોસાયટીમાં ત્રાટકેલા તસ્કરો પણ પકડથી દુર
બારડોલી નગરમાં મુખ્ય માર્ગ પર થોડા સમય અગાઉ એક જ રાત્રે બે કો ઓપરેટિવ સોસાયટીના તાળાં તોડી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરાયો હતો. જે ઘટનાના સીસીટીવી ફૂટેજ હોવા છતા તસ્કરો પોલીસ પકડથી દૂર છે. ત્યારે હવે ધોળે દિવસે ચોરીને અંજામ અપાતા પોલીસ કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.