વીજતારના તસ્કરોનો વધતો જતો આતંક:મોટી ભટલાવ ગામે વીજતારોની ચોરી; 2 કિમીથી વધુ ખેતીવાડી વિસ્તારના વીજતારો કપાયા; ખેડૂતોને હાલાકી

બારડોલીએક મહિનો પહેલા

બારડોલી તાલુકાના મોટી ભટલાવ ગામે ખેતીવાડી વિસ્તારમાં હાઈ ટેન્શન લાઇનના 47 જેટલા ગાળામાં વીજ તારની ચોરી થઈ હતી. ચોર ઈસમો બે કિલોમીટરથી વધુનો વીજ તાર ચોરીને લઈ જતા વીજ પુરવઠો ખોરવાયો છે. ત્રણ દિવસથી ખેતીવાડી વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેતા ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે. અમુક વીજ તારોને જથ્થો ચોર ઈસમો નજીકમાં ખેતરમાં મૂકી ગયા છે.

વીજ તારોની ચોરી થતાં ખેડૂતોએ સ્થાનિક જી.ઇ.બી ને જાણ કરી
સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં હવે ઘરોફોડ ચોરી બાદ ખેતી વાડી વિસ્તારમાં ચોરો સક્રિય થયાં છે. બારડોલી તાલુકાના મોટી ભટલાવ ગામની સિમમાં ખેતીવાડી વિસ્તારમાં ચોરોએ આતંક મચાવ્યો હતો. ભટકાવ ગામે ખેતીવાડી વિસ્તારમાંથી પસાર થતી એચ.ટી લાઇનને ચોરોએ નિશાન બનાવી હતી. અને 47 જેટલા ગાળામાં એચ.ટી લાઇનના કંડકટર વીજ તાર ચોરી ગયા હતા. ખેતી વાડી વિસ્તારમાં મોટા પ્રમાણમાં વીજ તારોની ચોરી થતાં ખેડૂતોએ સ્થાનિક જી.ઇ.બી ને જાણ કરી હતી.

બે કિલોમીટર જેટલો વાયર ચોરો ચોરી કરી ગયા
ખેતી વિસ્તારના 47 જેટલા ગાળા એટલે કે બે કિલોમીટર જેટલો વાયર ચોરો ચોરી કરી ગયા હતા. ઘટના નાં કલાકો બાદ જી.ઇ.બી તંત્ર હરકત માં આવ્યું હતું. અને અજાણ્યા ચોરો વિરુદ્ધ બારડોલી ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ આપી હતી. બીજી તરફ ખેતીવાડી વિસ્તારમાં વાયર ચોરી થતા વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. જેને કારણે ખેડૂતોને મોટી તકલીફ ઊભી થઈ છે. હાલ શેરડી રોપણીની સિઝન છે અને પાણીની પણ તાતી જરૂરિયાત હોય વીજ પુરવઠો જરૂરી બની જાય છે. બે દિવસથી પુરવઠો બંધ રહેતા ખેતરમાં પાણી પણ જતું નથી. જેથી સમયે પાણી ખેતરમાં નહીં મળે તો રોપેલ શેરડીમાં પણ નુકસાનીની નોબત આવી શકે એમ છે.

અન્ય સમાચારો પણ છે...